અભય દેઓલ બનશે પરમવીર ચક્ર વિજેતા મેજર શૈતાન સિંહ

18 November, 2019 11:41 AM IST  |  Mumbai | Path Dave

અભય દેઓલ બનશે પરમવીર ચક્ર વિજેતા મેજર શૈતાન સિંહ

અભય દેઓલ

શાહરુખ ખાનની ‘ઝીરો’ અને ત્યાર પછી ડિજિટલ પ્લૅટફૉર્મ ‘નેટફ્લિક્સ’ની ચૉપસ્ટિકમાં મિથિલા પાલકર સાથે દેખાયેલો અભય દેઓલ ફરી ડિજિટલ-વર્લ્ડમાં વેબ-સિરીઝ કરી રહ્યો છે.
જાણીતા ડિજિટલ પ્લૅટફૉર્મ ‘હૉટસ્ટાર’ માટે જાણીતા ઍક્ટર તથા સંજય દત્ત અભિનીત ‘વાસ્તવ’ ફેમ ડિરેક્ટર મહેશ માંજરેકર એક વેબ-સિરીઝ બનાવવા જઈ રહ્યા છે જેની વાર્તા ૧૯૬૨ વખતના ભારત-ચીનના યુદ્ધના બૅકડ્રૉપમાં આકાર લે છે. વેબ-સિરીઝમાં યુદ્ધમાં ભારતીય આર્મીની બહાદુરી અને ખાસ તો જેમના નેતૃત્વ હેઠળ એ મિશન પાર પડ્યું હતું એ મેજર શૈતાન સિંહનું પરાક્રમ અને શૌર્ય દર્શાવવામાં આવશે. ૧૯૨૪માં જન્મેલા મેજર શૈતાન સિંહ ૧૯૬૨ની ૧૮ નવેમ્બરે ચીન સામે લડતાં-લડતાં શહીદ થયા હતા અને તેમને પરમવીર ચક્રથી સન્માનિત કરાયા હતા. અભય દેઓલ અને તેમના ફૅન માટે સારા સમાચાર એ છે કે કહેવાઈ રહ્યું છે કે મેજર શૈતાન સિંહનું પાત્ર અભય દેઓલ ભજવવાનો છે. બીજું એ કે યુદ્ધની પૃષ્ઠભૂમાં બની રહેલી હોવાથી આ વેબ-સિરીઝ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ હૉટસ્ટારની સૌથી મોંઘી વેબ-સિરીઝ હશે.
અભય દેઓલ આ ઉપરાંત ડિરેક્ટ સાગર બેલારીની રગ્બી-કોચ રુદ્રાક્ષ જેનાની બાયોપિક-ફિલ્મ ‘જંગલ ક્રાય’ પણ કરી રહ્યો છે. રુદ્રાક્ષ જેનાએ ઓડિશાનાં આદિવાસી બાળકોને તૈયાર કરીને ૨૦૦૭માં બ્રિટનમાં યોજાયેલા જુનિયર રગ્બી વર્લ્ડ કપમાં પહોંચાડ્યં હતાં અને જિતાડ્યાં હતાં. આ ફિલ્મ હિન્દી અને અંગ્રેજી બેઉ ભાષામાં
બની છે.
આ બન્ને પ્રોજેક્ટ હેમખેમ પૂરા થયા તો અભય દેઓલના ખાતામાં એકસાથે બે બાયોપિક ફિલ્મ બોલશે એ નક્કી અને તેના ચાહકોને તે ઘણા સમય બાદ મુખ્ય દમદાર પાત્રમાં જોવા મળશે.

abhay deol