પોતાથી 25 વર્ષ નાની અભિનેત્રી સાથે જોડી બનતા ભડક્યો રાહુલ રૉય, ગિટાર પટક્યું...

02 June, 2026 05:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રોમોમાં, નિયા શર્મા રાહુલ રૉયને શાંત કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. તે કહે છે, "રાહુલ-જી, હું એવી વ્યક્તિ નથી જે તમે મને માનો છો. તમને મારા વિશે ખોટી માહિતી આપવામાં આવી છે. હું બિલકુલ એવી નથી." આમ છતાં, પ્રોમોમાં રાહુલનો ગુસ્સો ઓછો થતો નથી.

રાહુલ રૉય શોના પ્રોમો દરમિયાન (તસવીર: X)

આશિકી ફિલ્મથી ફેમસ થયેલા અભિનેતા રાહુલ રૉય ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં, તેણે `રીલ્સ સ્ટાર` સાથે બનાવેલા એક વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ધ્યાન ખેંચ્યું હતું. તે સમયે, તેણે કામની તકો માટે અપીલ કરતી એક પોસ્ટ પણ શૅર કરી હતી. હવે, રાહુલ રૉય રસોઈ અને કૉમેડી શો ‘લાફ્ટર શૅફ 3’ ના નવા એપિસોડમાં મહેમાન તરીકે આવવાનો છે. શોના નવા પ્રોમોના રિલીઝ પછી, અભિનેતાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી ગઈ છે.

પ્રોમોમાં રાહુલ રૉય નારાજ દેખાયો

પોસ્ટ કરવામાં આવેલા પ્રોમોમાં, રાહુલ રૉય પોતાની સિગ્નેચર સ્ટાઇલમાં ગ્રાન્ડ એન્ટ્રી કરે છે. તે ફિલ્મ આશિકી નું એક લોકપ્રિય ગીત ગાતો સ્ટેજ પર જાય છે, જ્યાં પ્રેક્ષકો અને હાજર કલાકારો તાળીઓથી તેનું સ્વાગત કરે છે. જોકે, વાતાવરણ અચાનક બદલાઈ જાય છે જ્યારે શોની હોસ્ટ ભારતી સિંહ રાહુલ રૉયને કહે છે કે આ એપિસોડ માટે, તેને અભિનેત્રી નિયા શર્મા સાથે જોડી બનાવવામાં આવી છે, અને બન્નેએ એક વાનગી તૈયાર કરવા માટે સાથે મળી કમ કરવું પડશે. પ્રોમોમાં, રાહુલ આ વાતથી સ્પષ્ટપણે નારાજ દેખાય છે. તે ફ્લોર પર પોતાનો ગિટાર પછાડે છે અને કહે છે, "હું આ શો નહીં કરું." દરમિયાન સેટ પર હાજર દરેક વ્યક્તિ તેની પ્રતિક્રિયાથી સ્તબ્ધ થઈ ગયા.