23 January, 2026 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાની વાતચીત દરમ્યાન પોતાની જર્ની યાદ કરીને ઇમોશનલ થઈ ગઈ હતી
રાની મુખરજી છેલ્લાં ત્રીસ વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. હાલમાં રાની મુખરજીએ કરણ જોહર સાથે એક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. રાનીની કરીઅરનાં ત્રીસ વર્ષ સેલિબ્રેટ કરવા માટે યોજાયેલી આ ઇવેન્ટમાં રાની વાતચીત દરમ્યાન પોતાની જર્ની યાદ કરીને ઇમોશનલ થઈ ગઈ હતી અને તેની આંખમાં આંસુ આવી ગયાં હતાં.
આ ઇવેન્ટમાં રાનીએ ખુલાસો કર્યો કે ફિલ્મ ‘ગુલામ’ના શૂટિંગ દરમ્યાન આમિર ખાને તેને કહ્યું હતું કે તેનો અવાજ પાત્રને સૂટ નથી કરતો અને એટલે તેનો અવાજ કોઈ બીજી વ્યક્તિ પાસે ડબ કરાવવો પડશે. આ નિર્ણયથી રાની ખૂબ દુખી થઈ ગઈ હતી. રાનીએ પોતાની એ લાગણી વિશે વાત કરતાં કહ્યું કે ‘હું એ બતાવી શકતી નહોતી કે હું દુખી છું, કારણ કે જ્યારે તમે ફિલ્મનો ભાગ હો ત્યારે તમારે ટીમ-પ્લેયર બનવું પડે છે. તમારી પોતાની વ્યક્તિગત તકલીફ હોય તો પણ એનો કોઈ મતલબ રહેતો નથી.’
રાની આગળ કહે છે, ‘હું કરણનો આભાર માનવા માગું છું કારણ કે જ્યારે અમે ‘કુછ કુછ હોતા હૈ’નું શૂટિંગ કરી રહ્યાં હતાં ત્યારે કરણે મને પૂછ્યું હતું કે શું મારી પહેલી ફિલ્મમાં મારો અવાજ ડબ થયો હતો અને શું મને એમાં કોઈ તકલીફ પડી હતી? મેં કહ્યું હતું કે હા, મારો અવાજ ડબ થયો હતો ત્યારે કરણે કહ્યું હતું કે તેને મારો અવાજ ખૂબ ગમે છે. આ વાત મને આજે પણ યાદ છે. કરણના કારણે જ મારો અવાજ ફિલ્મમાં રહ્યો હતો.’
આમિર સાથેની ૧૯૯૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગુલામ’માં રાનીનો અવાજ મોના ઘોષે ડબ કર્યો હતો. એ પછી ‘કુછ કુછ હોતા હૈ’માં કરણ જોહરે રાનીનો પોતાનો અવાજ રાખ્યો હતો અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.