‘The Kashmir Files’ દરેક ભારતીયએ જોવી જોઈએ આ ફિલ્મ : આમિર ખાન

21 March, 2022 03:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેતાએ કહ્યું કે, કશ્મીરી પંડિતો સાથે જે પણ થયું તે દુઃખદ છે

ગઈકાલે `RRR`ની કાસ્ટ સાથે દિલ્હીમાં એક ઈવેન્ટમાં આમિર ખાન (તસવીર : પલ્લવ પાલિવાલ)

વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri)ની ફિલ્મ ‘દ કશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) હાલમાં સફળતાની ટોચ પર છે. જે કોઈ પણ આ ફિલ્મ જુએ છે તે વિવેક અગ્નિહોત્રી અને ફિલ્મના વખાણ કરતાં થાકતા નથી. આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને ઘણી કમાણી કરી રહી છે. આ ફિલ્મ જોયા પછી ઘણી સેલિબ્રિટીઝ પ્રતિક્રિયા આપી રહ્યાં છે અને ફિલ્મ જોવાનો લોકોને આગ્રહ પણ કરી રહ્યાં છે. હાલમાં જ ફિલ્મ ‘દ કશ્મીર ફાઇલ્સ’ પર બૉલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ (Mr. Perfectionist) એટલે કે અભિનેતા આમિર ખાન (Aamir Khan)નું નિવેદન આવ્યું છે. તેણે કહ્યું કે, દરેક હિન્દુસ્તાનીએ આ ફિલ્મ જોવી જોઈએ.

દિલ્હીમાં ફિલ્મ `RRR`ની એક ઈવેન્ટ દરમિયાન આમિર ખાન હાજર રહ્યો હતો. અહીં આમિર ખાનને ફિલ્મ ‘દ કશ્મીર ફાઇલ્સ’ વિશે પૂછવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે, દરેક ભારતીયએ આવા વિષય પર બનેલી ફિલ્મ જોવી જ જોઈએ. દરેક ભારતીયે યાદ રાખવું જોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ પર અત્યાચાર થાય છે ત્યારે શું થાય છે.

અભિનેતાએ કહ્યું હતું કે, હું આ ફિલ્મ ચોક્કસ જોઈશ અને મને ખુશી છે કે આ ફિલ્મ એટલી સફળ થઈ છે. હું એ વાતથી પણ એટલો ખુશ છું કે, ‘દ કશ્મીર ફાઇલ્સ’ને આટલું સમર્થન આપી રહ્યા છે.

‘દ કશ્મીર ફાઇલ્સ’માં અનુપમ ખેર (Anupam Kher), મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty), ચિન્મય માંડલેકર (Chinmay Mandlekar), દર્શન કુમાર (Darshan Kumar), પલ્લવી જોશી (Pallavi Joshi) વગેરે કલાકારોએ શાનદાર અભિનય કર્યો છે. ફિલ્મે બૉક્સ ઓફિસ પર પોતાની પકડ જાળવી રાખી છે. પહેલા જ દિવસે ૩.૩૫ કરોડની કમાણી કરનાર આ ફિલ્મે અત્યાર સુધીમાં ૧૬૮ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મની જબરદસ્ત સફળતા જોઈને તેના નિર્માતાઓએ કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમમાં ફિલ્મ ડબ કરવાનું નક્કી કર્યું છે.

તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી ફિલ્મ ‘દ કશ્મીર ફાઇલ્સ’ને ઘણા રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગોવા, હરિયાણા, કર્ણાટક, બિહાર વગેરેમાં કરમુક્ત કરવામાં આવી છે.

entertainment news bollywood bollywood news aamir khan Movie Kashmir Files vivek agnihotri