11 May, 2025 06:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિતારે ઝમીન પર ફિલ્મ પોસ્ટર
‘લાલ સિંહ ચઢ્ઢા’ પછી આમિર ખાન લાંબા સમય બાદ ‘સિતારે ઝમીન પર’ ફિલ્મ દ્વારા મોટા પડદે આવી રહ્યો છે. આ ફિલ્મ ૨૦ જૂને થિયેટરોમાં રિલીઝ થશે. રિપોર્ટ પ્રમાણે ‘સિતારે ઝમીન પર’ થિયેટરોમાં રિલીઝ થયા બાદ OTT પ્લૅટફૉર્મ પર ફ્રીમાં જોવા નહીં મળે. આમિર ‘સિતારે ઝમીન પર’ પે-પર-વ્યુના આધારે OTT પર રિલીઝ કરવાનું વિચારી રહ્યો છે. આ વ્યવસ્થામાં OTT પર ફિલ્મ જોવા માટે દર્શકે ફિલ્મદીઠ અલગ રૂપિયા ચૂકવવા પડે છે.
હાલમાં સામાન્ય રીતે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય એના બે મહિના પછી OTT પર રિલીઝ થઈ જાય છે. આમિર આ બે મહિનાના ગૅપના નિયમને હટાવી દેવા માગે છે. આમિરને ખબર છે કે આને કારણે થિયેટરોમાં દર્શકોની સંખ્યા ઘણી ઓછી થઈ જાય છે. આમિર ફિલ્મોને થિયેટરમાં રિલીઝ કર્યા બાદ સીધા સ્ટ્રીમિંગ પર રિલીઝ કરવાની વિરુદ્ધ છે, કારણ કે તેનું માનવું છે કે આનાથી લોકો થિયેટરમાં જઈને ફિલ્મ જોવાથી ખચકાય છે.
આમિરના આ વિચાર વિશે તેની નજીકની એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘આમિર હંમેશાં નવી અને અલગ રીતે કામ કરવા માટે જાણીતો છે. ‘સિતારે ઝમીન પર’ સાથે તે એક નવું મૉડલ લૉન્ચ કરવા જઈ રહ્યો છે, જેમાં ફિલ્મ વધુમાં વધુ લોકો સુધી પહોંચશે અને દર્શકોને કોઈ સબ્સ્ક્રિપ્શનની ઝંઝટમાં ફસાવું નહીં પડે. જો આ મૉડલ સફળ થશે તો ફિલ્મનિર્માતાઓ માટે તે કમાણીનો નવો રસ્તો ખોલશે.’