16 June, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘સિતારે ઝમીન પર’ ફિલ્મનું પોસ્ટર
આમિર ખાન અભિનીત ‘સિતારે ઝમીન પર’ ૨૦ જૂને રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની રિલીઝને ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે સમાચાર મળ્યા છે કે આ ફિલ્મ સેન્સર બોર્ડના સકંજામાં ફસાઈ છે. એક રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મને સર્ટિફિકેટ આપવા માટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) બે કટની ડિમાન્ડ કરી રહ્યું છે અને આમિર સેન્સર બોર્ડના આ કટને સ્વીકારવા તૈયાર નથી.
આ મામલા વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું કે ‘CBFCએ બે કટની માગ કરી છે. આમિર ખાનનું માનવું છે કે ફિલ્મને આ કટ વગર જ પાસ કરવી જોઈએ. તેમણે અને દિગ્દર્શક આર. એસ. પ્રસન્નાએ આ ફિલ્મ ઘણા વિચારપૂર્વક બનાવી છે. આમિર ખાને કટ સ્વીકાર્યા ન હોવાથી ‘સિતારે ઝમીન પર’ને સેન્સર-પ્રમાણપત્ર આપવામાં આવ્યું નથી. આમિર હવે સોમવારે CBFC એક્ઝામિનિંગ કમિટીને ફરી મળવાનું પ્લાનિંગ કરી રહ્યો છે અને તે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરશે. આશા છે કે કોઈ ઉકેલ મળશે અને CBFC ૧૬ જૂને ફિલ્મને પાસ કરશે. એક વાર આ થઈ જશે પછી ફિલ્મનું ઍડ્વાન્સ બુકિંગ શરૂ થઈ શકશે. નિયમો અનુસાર સેન્સર-પ્રમાણપત્ર વિના થિયેટર ટિકિટ વેચી શકતાં નથી.’