રવીના-કરિશ્માના ઝઘડાની પોલ ખોલી આમિર ખાને

11 March, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટરવ્યુમાં કહ્યું કે અંદાઝ અપના અપનાનું શૂટિંગ આ બન્ને ઍક્ટ્રેસને કારણે બહુ મુશ્કેલીથી થયું છે

અંદાઝ અપના અપના ફિલ્મનું પોસ્ટર

‘અંદાઝ અપના અપના’ની ગણતરી બૉલીવુડની કલ્ટ ફિલ્મોમાં કરવામાં આવે છે. ૧૯૯૪માં આવેલી આ ફિલ્મને આજે પણ આમિર ખાન અને સલમાન ખાનની જબરદસ્ત કેમિસ્ટ્રી માટે યાદ કરવામાં આવે છે. ડિરેક્ટર રાજકુમાર સંતોષીની આ ફિલ્મની હિરોઇનો રવીના ટંડન અને કરિશ્મા કપૂર પણ હતી, પરંતુ ફિલ્મના નિર્માણ દરમ્યાન રવીના અને કરિશ્મા વચ્ચે ઝઘડો ચાલતો હતો એને કારણે બન્ને એકબીજા સાથે વાત પણ કરતાં નહોતાં.

આ ફિલ્મના ઍક્ટર આમિર ખાને હાલમાં એક ઇન્ટરવ્યુમાં રવીના-કરિશ્માના ઝઘડા અને ‘અંદાઝ અપના અપના’ બનાવવામાં આવેલી મુશ્કેલીઓ વિશે વાત કરીને જણાવ્યું કે આ ફિલ્મ બનાવવાનું ખૂબ જ મુશ્કેલ કામ હતું.

ઇન્ટરવ્યુમાં આમિરે કહ્યું, ‘મને ખબર નથી કે આ વાત કહેવી જોઈએ કે નહીં. એ ફિલ્મ વખતે રવીના અને કરિશ્મા વચ્ચે અણબનાવ ચાલતો હતો. હું વિચારતો હતો કે આ ફિલ્મ કેવી રીતે પૂરી થશે. અમે લોકો એકસાથે શૂટ કરી શકતા નહોતા. જોકે મને ફિલ્મમાં ખૂબ વિશ્વાસ હતો. એ ખૂબ જ અજાયબી અને પાગલપનથી ભરેલી ફિલ્મ હતી. એ સમયે સલમાન અને હું ટોચ પર હતા, પરંતુ ફિલ્મ એક અઠવાડિયું પણ ન ચાલી. હું આશ્ચર્યચકિત હતો કારણ કે મને લાગ્યું હતું કે આ એક ઉત્તમ ફિલ્મ છે. હવે મને લાગે છે કે આ હોમ એન્ટરટેઇનમેન્ટમાં નંબર વન ફિલ્મ છે. દરેક પેઢીએ એને જોઈ છે, દરેક પેઢી એને જોવા માગે છે.’

aamir khan Salman Khan karishma kapoor raveena tandon andaz apna apna bollywood bollywood news entertainment news