30 April, 2026 02:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એક દિનના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં આમિર ખાને સતત પકડી રાખ્યો હતો ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટનો હાથ
મંગળવારે આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ફિલ્મ ‘એક દિન’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં આખો પરિવાર સાથે જોવા મળ્યો હતો, પણ સૌથી વધારે ચર્ચા આમિર અને તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટની કેમિસ્ટ્રીની થઈ છે. આ સમગ્ર કાર્યક્રમમાં આમિર ગર્લફ્રેન્ડ ગૌરીનો હાથ પકડીને પહોંચ્યો હતો અને મોટા ભાગનો તેનો હાથ પકડી રાખ્યો હતો. આ સ્ક્રીનિંગમાં આમિરની દીકરી આઇરા ખાન અને જમાઈ નૂપુર શિખરે પણ હાજર હતાં. સોશ્યલ મીડિયા પર આ પરિવારની તસવીરો અને વિડિયો જોવા મળે છે જેમાં જુનૈદ, આઇરા, નૂપુર, આમિર અને ગૌરી એકબીજાને પ્રેમથી ગળે મળતાં જોવા મળે છે.
આમિર ખાને પોતાની ૬૦મી વર્ષગાંઠે દુનિયાનો તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટ સાથે પરિચય કરાવ્યો હતો. ગૌરી પહેલેથી જ એક બાળકની માતા છે, જ્યારે આમિરે બે લગ્ન કર્યાં છે અને તેનાં ત્રણ બાળકો છે. હાલમાં આમિરે ભૂતપૂર્વ પત્નીઓ કિરણ રાવ અને રીના દત્તા સાથેના સંબંધની તેના જીવન પર પડેલી અસર વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મારી મુલાકાત ગૌરી સાથે થઈ અને અમે સાથે મળીને આ સંબંધની શરૂઆત કરી. તે અદ્ભુત છે. મને તેની સાથે શાંતિ મળે છે. ભૂતપૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ સાથેનો મારો સંબંધ પણ ખૂબ સારો રહ્યો છે, પરંતુ કેટલીક એવી બાબતો હતી જેને યોગ્ય ન્યાય ન મળ્યો. હું નસીબદાર છું કે ગૌરી મારા જીવનમાં આવી. અમે બન્ને સાથે ખૂબ ખુશ છીએ. ગૌરી સાથેની રિલેશનશિપ પછી હું પૂર્ણતા અનુભવું છું.’
આમિર ખાને પોતાની જિંદગીની ભૂલો વિશે પણ વાત કરી અને કહ્યું, ‘હું જેવો છું એવો જ છું. દરેક માણસ પોતાની જિંદગીમાં ભૂલો કરે છે. કોઈ પણ સંપૂર્ણ નથી. જો તમે તમારી ભૂલોને સમજો અને સ્વીકારી લો તો એનો અર્થ એ નથી કે તમે નાના બની જાઓ છો. હું મારી જિંદગી અને ભૂલોમાંથી શીખવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું એક માણસ અને અભિનેતા તરીકે સતત આગળ વધી રહ્યો છું. મારી એક મોટી ભૂલ હતી જેને મેં હવે સુધારવાની શરૂઆત કરી છે. મેં મારા પ્રિયજનો અને સંબંધોને સમય ન આપવાની ભૂલ કરી હતી. લગભગ ૩૦થી ૩૫ વર્ષ સુધી હું માત્ર કામ અને અભિનયમાં જ વ્યસ્ત રહ્યો. કોવિડ મહામારી દરમ્યાન હું કામ કરી શકતો નહોતો ત્યારે મને સમજાયું કે મેં ઘણું ગુમાવ્યું છે અને આ સમય ફરી પાછો નહીં આવે. ત્યાર પછી મેં જીવનમાં બદલાવ લાવવાનો વિચાર કર્યો અને હવે હું મારા સંબંધોને વધુ સમય આપું છું.’