દેવ આનંદ અને નાસિર હુસેન વચ્ચે ઝપાઝપી થતાં તીસરી મંઝિલ શમ્મી કપૂરને ઑફર કરાઈ હતી : આમિર

24 October, 2016 06:29 AM IST  | 

દેવ આનંદ અને નાસિર હુસેન વચ્ચે ઝપાઝપી થતાં તીસરી મંઝિલ શમ્મી કપૂરને ઑફર કરાઈ હતી : આમિર




‘તીસરી મંઝિલ’ શમ્મી કપૂરની સૌથી હિટ ફિલ્મોમાંની એક કહેવાય છે, પરંતુ આ ફિલ્મમાં પહેલાં દેવ આનંદને પસંદ કરવામાં આવ્યા હતા. દેવ આનંદ અને આમિર ખાનના ચાચાજાન નાસિર હુસેન સાથે ઝપાઝપી થઈ હોવાથી દેવ આનંદને ફિલ્મમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. ‘તીસરી મંઝિલ’ને દેવ આનંદના ભાઈ વિજય આનંદે ડિરેક્ટ કરી હતી જેમને ગોલ્ડી તરીકે પણ ઓળખવામાં આવતા હતા. આ વિશે આમિર ખાને શનિવારે મુંબઈ ફિલ્મ-ફેસ્ટિવલમાં કહ્યું હતું કે ‘આ ફિલ્મને પહેલાં ગોલ્ડી અંકલ નહોતા ડિરેક્ટ કરવાના તેમ જ શમ્મી કપૂરને પણ નહોતા પસંદ કરવામાં આવેલા. આ ફિલ્મમાં પહેલાં દેવ આનંદ કામ કરી રહ્યા હતા અને તેને ડિરેક્ટ નાસિરસાબ કરી રહ્યા હતા જેમણે એ ફિલ્મની સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલૉગ લખ્યાં હતાં. ગોલ્ડી અંકલ એ સમયે ‘બહારોં કે સપને’ ડિરેક્ટ કરવાના હતા. એક દિવસ ફિલ્મી પાર્ટી ચાલી રહી હતી જેમાં સાધનાજી સગાઈ કરી રહ્યાં હતાં. આ પાર્ટીમાં બૉલીવુડની મોટા ભાગની સેલિબ્રિટીઝ હાજર હતી. આ પાર્ટીમાં રાતે ચાચાજાન અને દેવસાબ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. તેઓ દારૂના નશામાં પણ હતા. આ ઝઘડો થવાનું કારણ એ હતું કે નાસિરસાબે દેવ આનંદને એવું કહેતા સાભળ્યા હતા કે નાસિર મારી સાથે જે ફિલ્મ બનાવી રહ્યો છે એ કલર છે અને તેણે ગોલ્ડીને જે ફિલ્મ આપી છે એ બ્લૅક ઍન્ડ વાઇટ છે. ગોલ્ડી કોઈ નવા છોકરા રાજેશ (ખન્ના) સાથે ફિલ્મ કરી રહ્યો છે. આવું સાંભળી ચાચાજાન ગુસ્સે થઈ ગયા હતા અને તેમને છૂટા પાડવા પડ્યા હતા. દેવ આનંદ અને નાસિરસાબ કોઈને પણ મારવાની કોશિશ કરે એવું મારા માનવામાં પણ નહોતું આવતું. બીજા દિવસે નાસિરસાબે ગોલ્ડીને ફોન કર્યો હતો કે તે ‘તીસરી મંઝિલ’ને ડિરેક્ટ કરી રહ્યો છે અને તેઓ પોતે ‘બહારોં કે સપને’ ડિરેક્ટ કરશે. ચાચાજાને એમ પણ કહ્યું હતું કે દેવ આનંદ આ ફિલ્મમાં કામ નહીં કરે.’

મને એન્જિનિયર બનાવવા માગતો હતો મારો પરિવાર



આમિર ખાનનું આજે બૉલીવુડમાં ખૂબ જ મોટું નામ થઈ ગયું છે, પરંતુ જો તેણે તેની ફૅમિલીનું કહ્યું માન્યું હોત તો તે આજે ઍક્ટર નહીં પણ એન્જિનિયર બન્યો હોત. આમિર ખાન ડિરેક્ટર તાહિર હુસેનનો દીકરો અને ફિલ્મમેકર નાસિર હુસેનનો ભત્રીજો છે. ફિલ્મી ફૅમિલીમાંથી હોવા છતાં આમિરની ફૅમિલી ઇચ્છતી હતી કે તે એન્જિનિયર બને, કારણ કે એ સમયે ફિલ્મ-ઇન્ડસ્ટ્રી ખૂબ જ અસ્થિર હતી. આ વિશે આમિર કહે છે, ‘એ સમયે દરેક વ્યક્તિ એમ જ માનતી હતી કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું ઉચિત નથી. મારી પોતાની ફૅમિલી, નાસિરસાહબ અને પાપાજાન મને હંમેશાં કહેતા કે ફિલ્મમાં કામ ન કરવું. બન્ને ફિલ્મમેકર મને ફિલ્મમાં કામ નહીં કરવાની સલાહ આપી રહ્યા હતા. ચાચાજાન, અબ્બા અને અમ્મી માનતાં હતાં કે આ પ્રોફેશન ખૂબ જ અસ્થિર છે. એક મિનિટ માટે તમે ઊંચાઈ પર હો અને બીજી મિનિટે તમે જમીન પર આવી જાઓ છો. તેઓ મને એવા પ્રોફેશનમાં મોકલવા માગતા હતા જે ખૂબ જ સ્થિર હોય. તેઓ મને એન્જિનિયર બનાવવા અથવા તો અન્ય કોઈ પ્રોફેશનમાં મોકલવા માગતા હતા જે ખૂબ જ સ્થિર હોય. હું એ પ્રકારના કોઈ પણ પ્રોફેશનને મૅનેજ ન કરી શક્યો હોત.’

મને ફિલ્મી સેલિબ્રિટીઝ પરનાં પુસ્તકો વાંચવાનું પસંદ છે : આમિર


આમિર ખાનને પુસ્તકો વાંચવાનું ખૂબ જ પસંદ છે અને એમાં પણ ફિલ્મી સેલિબ્રિટીઝ પર લખવામાં આવેલાં પુસ્તકો. આમિરે શનિવારે મુંબઈ ફિલ્મ- ફેસ્ટિવલમાં તેના ચાચાજાન નાસિર હુસેન પર લખવામાં આવેલી બુક ‘મ્યુઝિક, મસ્તી, મૉડર્નિટી - ધ સિનેમા ઑફ નાસિર હુસેન’ના લૉન્ચ સમયે હાજરી આપી હતી. આ વિશે આમિરે કહ્યું હતું કે ‘હું મારી ‘દંગલ’માં વ્યસ્ત હોવાથી આ પુસ્તક વાંચી નથી શક્યો. જોકે મને ફિલ્મી બુક વાંચવાનું ખૂબ જ પસંદ છે. મેં નર્ગિસ, મીનાકુમારી અને ગુરુ દત્ત પર લખવામાં આવેલાં પુસ્તકો પણ વાંચ્યાં છે. મેં ફિલ્મોને લગતાં ઘણાં પુસ્તકો વાંચ્યાં છે. ફક્ત ભારતીય જ નહીં, મેં ઑસ્ટ્રિયામાં જન્મેલા અમેરિકન ફિલ્મમેકર બિલી વાઇલ્ડરની પણ બુક વાંચી છે. મને ખબર છે કે કેટલીક વાર પુસ્તકોમાં હકીકત સાથે થોડાં ચેડાં કરવામાં આવે છે. એટલે કે એ પુસ્તકમાં સો ટકા સત્ય નથી હોતું અને એ પૉસિબલ પણ નથી, પરંતુ તેમ છતાં મને એવાં પુસ્તકો વાંચવાનું ગમે છે.’