આમિર ખાનનો નવો નારો 'કુપોષણ : ભારત છોડો'

02 March, 2020 06:40 PM IST  | 

આમિર ખાનનો નવો નારો 'કુપોષણ : ભારત છોડો'



આમિર ખાનને ગઈ કાલે દિલ્હીમાં યોજાયેલી યુનિસેફ (યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનૅશનલ ચિલ્ડ્રન્સ ઇમર્જન્સી ફન્ડ)ની એક ઇવેન્ટ દરમ્યાન આ સંસ્થાનો ભારતનો ઍમ્બેસેડર જાહેર કરવામાં આવ્યો હતો. આ સંસ્થા યુનાઇટેડ નેશન્સ સાથે સંકળાયેલી છે અને બાળકોના વિકાસ, ભણતર અને યોગ્ય પોષણ મળી રહે એ માટે કાર્યરત છે. સંસ્થાના કહેવા પ્રમાણે ભારતમાં જન્મેલાં દર બે બાળકમાંથી એકને પૂરતું પોષણ અને ભણતર નથી મળતું અને એ માટે તમામ લોકોએ મદદ માટે આગળ આવવું જોઈએ.

આમિર ખાને સંસ્થા માટે એક જાહેરાતનું શૂટિંગ ગઈ કાલે અને મંગળવારે દિલ્હીમાં કર્યું હતું. આ જાહેરાતને ‘કુપોષણ : ભારત છોડો’ના નામે બતાવવામાં આવશે. આમિરે દિલ્હીના જાણીતા વિસ્તારો લાલ કિલ્લા અને ઇન્ડિયા ગેટ પાસે આ જાહેરાતનું શૂટિંગ કર્યું હતું. જ્યારે આમિરને સંસ્થાના ઍમ્બેસેડર તરીકે સ્પીચ આપવાની હતી ત્યારે તેણે કહ્યું હતું કે ‘હું આ ઍમ્બેસેડરના કાર્યને એક ભારણ નહીં, પણ જવાબદારી સમજું છું. જ્યારે મને યુનિસેફ દ્વારા અમુક બાબતોની ખબર પડી ત્યારે મને થયું કે આપણે ઘણું કરી શકીએ એમ છીએ અને હજી સુધી કોઈ વ્યવસ્થિત પગલાં લેવામાં નથી આવ્યાં.’

આ સંસ્થા જાણીતા ચહેરાઓ સાથે મળીને બાળકો માટે કામ કરવા માટે જાણીતી છે. હૉલીવુડના જાણીતા કલાકારો જેમ કે ઍન્જલિના જૉલી અને જૅકી ચૅન, ફૂટબૉલ પ્લેયર ડેવિડ બેકહૅમ તથા સ્પેનની જાણીતી ફૂટબૉલ ટીમ બાર્સેલોના સાથે યુનિસેફ ઘણા વષોર્થી સંકળાયેલી છે.