03 September, 2024 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદર જૈન
રણબીર કપૂર અને કરીના કપૂરના કઝિન આદર જૈને આમ તો બે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે, પણ તે થોડોઘણો જાણીતો તારા સુતરિયા સાથેના અફેરને કારણે થયો હતો. આદર જૈનના લેટેસ્ટ સમાચાર એ છે કે તેણે તારા સુતરિયાની એક સમયની બેસ્ટ ફ્રેન્ડ અલેખા અડવાણી સાથે સગાઈ કરી લીધી છે.
રાજ કપૂરની દીકરી રીમા જૈનના પુત્ર આદરે ૨૦૧૭માં ‘કૈદી બૅન્ડ’ નામની ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી અને છેલ્લે તે ‘હેલો ચાર્લી’ નામની ફિલ્મમાં દેખાયો હતો. આ બન્ને ફિલ્મો જબરદસ્ત પિટાઈ ગઈ હતી.
આદર અને તારા એક સમયે રિલેશનશિપમાં હતાં. ૨૦૨૨માં તેઓ એક રોમૅન્ટિક વેકેશન માટે પૅરિસ ગયેલાં ત્યારે અલેખા પણ તેમની સાથે ગઈ હતી. જોકે ગયા વર્ષે તારા સાથે આદરનું બ્રેકઅપ થઈ ગયું હતું અને ગયા વર્ષના નવેમ્બરમાં જ તે અલેખા સાથે દેખાવા માંડ્યો હતો. હવે તેણે અલેખાને ‘માય ફર્સ્ટ ક્રશ, માય બેસ્ટ ફ્રેન્ડ ઍૅન્ડ નાઓ માય ફૉરેવર’ ગણાવીને તેની સાથેની સગાઈની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આદરે અલેખાને મૉલદીવ્ઝમાં પ્રપોઝ કર્યું એની રોમૅન્ટિક તસવીરો શૅર કરી છે. ૩૨ વર્ષની અલેખા એક વેલનેસ કંપની ચલાવે છે.