05 December, 2025 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
હાલમાં શાહરુખ ખાને દિલ્હીમાં એક લગ્નસમારંભમાં હાજરી આપી હતી. આ લગ્નમાં સ્ટેજ પર દુલ્હને શાહરુખને વિમલ પાનમસાલાનો પૉપ્યુલર ડાયલૉગ ‘બોલો ઝુબાં કેસરી’ બોલવાની વારંવાર ડિમાન્ડ કરી હતી. આ સમયે પહેલાં તો શાહરુખને આંચકો લાગ્યો, પણ પછી તેણે પરિસ્થિતિને બહુ સમજદારીથી હૅન્ડલ કરી. આ સંજોગોમાં શાહરુખે હસતાં-હસતાં કહ્યું, ‘એક વાર બિઝનેસમૅન સાથે બિઝનેસ કરી લો, જાન નથી છોડતા, ગુટકાવાળા પણ ગજબ છે યાર.’
શાહરુખ ખાને હળવાશથી ના પાડી હોવા છતાં દુલ્હને તેની પાસે આ ડાયલૉગ બોલાવવાની જીદ પકડી ત્યારે શાહરુખે મજાકમાં તેનો હાથ પકડીને કહ્યું, ‘હું જ્યારે આ બોલું છું ત્યારે પૈસા લઉં છું ડાર્લિંગ, પપ્પાને કહી દેજે. હવે સારી વાત કરીએ, હું અહીં શું ‘ઝુબાં કેસરી’ કરું?’ મળતી માહિતી પ્રમાણે આ લગ્નમાં વરપક્ષ વિમલ પાનમસાલાની કંપની સાથે કનેક્શન ધરાવતો હતો.
આ વાઇરલ ક્લિપમાં શાહરુખની હાજરજવાબીથી ફૅન્સ ખૂબ પ્રભાવિત થયા. આ રિસેપ્શનના અન્ય વિડિયોમાં શાહરુખે ફિલ્મ ‘જવાન’ના ગીત પર ડાન્સ કર્યો અને દુલ્હનને પણ ડાન્સ કરવા આમંત્રણ આપ્યું હતું.