14 August, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ ‘કૂલી’
રજનીકાન્તની આગામી ફિલ્મ ‘કૂલી’ આવતી કાલે રિલીઝ થઈ રહી છે ત્યારે સોશ્યલ મીડિયા પર એક તસવીર વાઇરલ થઈ રહી છે. આ તસવીરમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સિંગાપોરની એક ફર્મે ફિલ્મ ‘કૂલી’ જોવા માટે પોતાના કર્મચારીઓને પેઇડ હૉલિડે આપવાની જાહેરાત કરી છે. આ ફર્મે જાહેર કર્યું છે કે એ પોતાના તામિલ કર્મચારીઓને ફિલ્મનો ફર્સ્ટ શો જોવા માટે ટિકિટ આપશે તેમ જ તેમને ખાવા-પીવા માટે ૩૦ સિંગાપોર ડૉલર પણ આપવામાં આવશે.
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ તસવીર ખૂબ વાઇરલ થઈ રહી છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ સૌથી વધુ દેશોમાં રિલીઝ થનારી તામિલ ફિલ્મ છે. ‘કૂલી’ રજનીકાન્તની ૧૭૧મી ફિલ્મ છે અને એની વાર્તા સોનાની દાણચોરીની આસપાસ આકાર લે છે.
બધા ખાનમાં આમિર ખાન સ્પેશ્યલ : રજનીકાન્ત
લોકેશ કનગરાજની રજનીકાન્ત સ્ટારર ફિલ્મ ‘કૂલી’ આવતી કાલે રિલીઝ થવા માટે તૈયાર છે. હાલમાં આ ફિલ્મની એક પ્રી-રિલીઝ ઇવેન્ટનો વિડિયો વાઇરલ થયો છે જેમાં રજનીકાન્તે ફિલ્મમાં કૅમિયો કરનાર આમિર ખાનનાં ભરપૂર વખાણ કરતાં કહ્યું કે ‘સલમાન ખાન અને શાહરુખ ખાન છે, પણ આ બધામાં આમિર ખાન સ્પેશ્યલ છે. તે લેજન્ડ છે.’ આ ઇવેન્ટમાં આમિરે પણ રજનીકાન્તની પ્રશંસા કરીને કહ્યું કે ‘આ ફિલ્મનો ભાગ બનવાની તક મળી એ મારા માટે સન્માનની વાત છે. જ્યારે મને ખબર પડી કે ‘કૂલી’ રજનીસરની ફિલ્મ છે ત્યારે મેં વાર્તા કે બીજું કંઈ સાંભળ્યા વિના ફિલ્મ માટે હા કહી. આ તેમના પ્રત્યેનો મારો પ્રેમ છે.’