ડિપ્રેશનના કારણે કુશલ પંજાબીએ કરેલા સુસાઇડ વિશે વિક્રાન્તએ કહ્યું...

07 January, 2020 01:19 PM IST  |  Mumbai

ડિપ્રેશનના કારણે કુશલ પંજાબીએ કરેલા સુસાઇડ વિશે વિક્રાન્તએ કહ્યું...

વિક્રાન્ત મૅસી

કુશલ પંજાબીએ ડિપ્રેશનમાં આવીને કરેલી સુસાઇડને લઈને વિક્રાન્ત મૅસીએ જણાવ્યું હતું કે કોઈ પણ બાબત હોય તો એનો ઉકેલ પરસ્પર ચર્ચા કરીને કાઢી શકાય છે. કુશલની સુસાઇડને કારણે તેની ફૅમિલી અને ફ્રેન્ડ્સ સ્તબ્ધ બની ગયા છે. સૌનું એમ જ માનવુ છે કે હંમેશાં પૉઝીટીવ અભિગમ રાખનારી વ્યક્તિ આવુ પગલુ કેવી રીતે ભરી શકે છે. પોતાનાં ખાસ ફ્રેન્ડને ગુમાવવાનું દુ:ખ વિક્રાન્તને પણ છે.

એવામાં ડિપ્રેશનમાંથી કેવી રીતે બહાર આવી શકાય છે એ વિશે વિક્રાન્તે કહ્યું હતું કે ‘ચર્ચા એક માત્ર એવુ સશક્ત માધ્યમ છે કે જેનાંથી એનો સામનો કરી શકાય છે. બહાર નિકળીને આ વિષય પર લોકો સાથે મુક્તમને ચર્ચા કરવી જોઈએ. મારો અનુભવ એ કહે છે કે આપણી સોસાયટીમાં આ વિષયને આજે પણ એક કલંક માનવામાં આવે છે. તમને કમજોર ગણવામાં આવે છે. જો કોઈ પુરુષ ફૅમિલીમાં સમસ્યાનો સામનો કરતો હોય અને એમ કહે કે હું ડિપ્રેસ છું, મને કોઈ તકલીફ છે તો લોકો તેને માનસિકતા સાથે જોડવા લાગે છે. તેને પાગલ ગણે છે. આપણે આજે પણ એ વિષયને એક જ દૃષ્ટિકોણથી જોઈએ છીએ.

આપણું દુર્ભાગ્ય છે કે આ દિશામાં જેટલી પ્રગતિ થવી જોઈએ એટલી નથી થઈ રહી. એનો સામનો કરવો જોઈએ. હું એટલો સક્ષમ નથી કે લોકોને એમ કહું કે શું કરવુ જોઈએ અને શું ન કરવુ જોઈએ. જોકે તમારા દિલ પર જે ભારણ છે એનાં વિશે ચર્ચા કરીને એ દબાણને હલકુ કરી શકાય છે. એ જ એક માર્ગ છે. સાથે જ તમે અજાણ્યા લોકો સાથે પણ ચર્ચા કરી શકો છો. એવુ કહેવાય છે કે અજાણ્યા સાથે કરવામાં આવેલી ચર્ચાથી સકારાત્મક પરિણામ નિકળી શકે છે. જીવન ખૂબ અનમોલ છે. મેં ગયા અઠવાડિયે જ મારા ફ્રેન્ડને ગુમાવ્યો છે. તેનાં વિશે આપણે બધાએ સાંભળ્યુ છે. આપણને એ વિશે ચર્ચા કરવી જોઈએ અને એનો ઉપાય શોધવો જોઈએ. સૂર્યાસ્ત પછી દરરોજ સૂર્યોદય પણ થાય છે.’

ફૅમિલી માટે તે સિરિયસ નહોતો : વાઇફ ઓડ્રી ડોલ્હેન

કુશાલ પંજાબીની પત્ની ઑડ્રી ડોલ્હેને જણાવ્યું હતું કે તે પરિવારને લઈને ગંભીર નહોતો. ઍક્ટર કુશાલ પંજાબીએ તાજેતરમાં જ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. તેને કિઆન નામનો ત્રણ વર્ષનો દીકરો પણ છે. કુશાલ અને તેની વાઇફ વચ્ચે સંબંધો કંઈ ઠીક નહોતા. બન્નેએ ૨૦૧૫માં લગ્ન કર્યાં હતાં. એ વિશે જણાવતાં ઑડ્રીએ કહ્યું હતું કે ‘અમારાં લગ્નજીવનમાં તકલીફો હતી, પરંતુ અમારો સંબંધ નિષ્ફળ નહોતો. મેં કદી પણ કિઆન સાથે તેને વાત કરવાથી નથી અટકાવ્યો. કુશાલને જ ફૅમિલીને લઈને કોઈ પણ પ્રકારની કાળજી નહોતી. મેં તેને સમાધાન કરવા માટે શાંઘાઈ બોલાવ્યો હતો. જોકે તેને એમાં કોઈ રસ નહોતો. ખરું કહું તો હું જ તેના બધા ખર્ચાઓ ઉઠાવતી હતી. કુશાલની લાપરવાહીને કારણે કિઆનને પણ તેના ડૅડીમાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો રહ્યો. કુશાલ સાથે સંબંધો જળવાઈ રહે એ માટે મેં મારાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા હતા.’

vikrant massey bollywood news