ફોર્બ્સની 'ઇન્ડિયા 30 અંડર 30' લિસ્ટમાં એકમાત્ર એક્ટર વિજય દેવેરાકોંડા

05 February, 2019 07:08 PM IST  | 

ફોર્બ્સની 'ઇન્ડિયા 30 અંડર 30' લિસ્ટમાં એકમાત્ર એક્ટર વિજય દેવેરાકોંડા

વિજય દેવેરાકોંડા (ફાઇલ ફોટો)

અર્જુન રેડ્ડી ફેમ ટોલિવુડ એક્ટર વિજય દેવેરાકોંડા 'ફોર્બ્સ ઇન્ડિયા 30 અંડર 30 લિસ્ટ'માં સ્થાન પામ્યો છે. આ લિસ્ટમાં યુટ્યુબ સ્ટાર પ્રાજક્તા કોલી, ક્રિકેટર સ્મૃતિ મંધાના, એથલીટ્સ હિમા દાસ અને નીરજ ચોપરા સામેલ છે, પરંતુ આ લિસ્ટમાં દેવેરાકોંડા એકમાત્ર એક્ટર છે.

દેવેરાકોંડાએ 2011માં તેનું પહેલું ડેબ્યુ 'નુવિલા' કર્યું હતું. ત્યારબાદ 2016માં તેની હિટ રોમેન્ટિક કોમેડી 'પેલ્લી ચુપુલુ' આવી તે પછી તે પ્રખ્યાત થવા લાગ્યો. પરંતુ તેની અર્જુન રેડ્ડીએ જ્યારે બોક્સ ઓફિસ પર ભવ્ય સફળતા મેળવી ત્યારે તેની પોપ્યુલારિટી એકદમ ટોચ પર પહોંચી હતી. આ ફિલ્મ એટલી બધી સફળ થઈ હતી કે હવે તમિલ અને હિંદીમાં પણ તેની રિમેક બની રહી છે.

પોતાની આ સફળતા વિશે સોશિયલ મીડિયા પર જણાવતા દેવેરાકોંડાએ કહ્યું કે, તે 25 વર્ષનો હતો ત્યારે રૂ.500નું મિનિમમ બેલેન્સ મેઇન્ટેઇન ન કરી શકવા પર આંધ્ર બેંકમાં તેનું ખાતું લોક કરી દેવામાં આવ્યું હતું. તેણે કહ્યું, "પપ્પાએ કહ્યું કે 30 વર્ષનો થાય તે પહેલા સેટલ થઈ જા. તું તારી સફળતા ત્યારે એન્જોય કરી શકીશ જ્યારે તું યુવાન હોય અને તારા પેરેન્ટ્સ તંદુરસ્ત હોય. 4 વર્ષ પછી આજે મારું નામ ફોર્બ્સ સેલેબ્રિટિ 100 અને ફોર્બ્સ 30 અંડર 30માં છે."

અત્યાર સુધીમાં સાત ફિલ્મો કરી ચૂકેલા વિજય 'રાઉડી' તરીકે માત્ર તેલુગુ બોલતા રાજ્યોમાં જ નહીં પરંતુ આખા દેશમાં અતિશય પોપ્લુયર છે. આ સાત ફિલ્મોમાં ગીત ગોવિંદમ અને ટેક્સીવાલા જેવી સફળ ફિલ્મો પણ સામેલ છે, જેમાં ગીત ગોવિંદમ એ હાલના સમયમાં સૌથી મોટી તેલુગુ ગ્રોસિંગ ફિલ્મોમાંની એક છે.

આ પણ વાંચો: કપિલ શર્માએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે કરી મુલાકાત, કરી આ વાત

દેવેરાકોંડા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને તે સતત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પોતાના ફેન્સને એન્ગેજ રાખે છે, જેમકે તેના બર્થડે પર હૈદરાબાદમાં આઇસક્રીમ ટ્રક ચલાવવી અથવા તો ટેક્સીવાલા ફિલ્મના પ્રમોશન માટે પોતાના ફેન્સને કારમાં બેસાડીને ફેરવવા. પોતાના ફેન્સને એન્ગેજ રાખવા માટે તેણેમ 'રાઉડી' નામની એપ પણ લોન્ચ કરી છે. આ જ નામ હેઠળ તેણે પોતાના નામની કપડાની બ્રાન્ડ પણ લોન્ચ કરી છે, જે તે પોતાની એપ પર લિમિટેડ લોન્ચમાં વેચે છે.

હાલ તે પોતાની આગામી ફિલ્મ 'ડિયર કોમરેડ' પર કામ કરી રહ્યો છે, જેમાં તે કોમ્યુનિઝમની ફિલોસોફીને અનુસરતા એક સ્ટુડન્ટ લીડરની ભૂમિકામાં જોવા મળશે.