ફિલ્મોની અસર યુવાઓ પર પડે છે એ વાતને નકારી ના શકાય : દીપિકા

11 December, 2019 02:46 PM IST  |  Mumbai Desk

ફિલ્મોની અસર યુવાઓ પર પડે છે એ વાતને નકારી ના શકાય : દીપિકા

 દીપિકા પાદુકોણનું માનવું છે કે ફિલ્મોની અસર યુવાઓ પર થાય છે. તે કહે છે કે સિનેમા એક પાવરફૂલ માધ્યમ છે. મેઘના ગુલઝારની ‘છપાક’માં દીપિકા ઍસિડ-અટૅક સર્વાઇવર લક્ષ્મી અગરવાલનાં પાત્રમાં જોવા મળવાની છે. આ ફિલ્મનાં ટ્રેલર-લૉન્ચ વખતે પૂછવામાં આવ્યુ હતું કે શું લોકો સ્ક્રીન પર જે પણ જુએ છે એનું અનુકરણ કરે છે? એનો જવાબ આપતાં દીપિકાએ કહ્યું હતું કે ‘હું પોતાના મંતવ્યો જણાવી શકુ છું. એક વાસ્તવિક્તા એ પણ છે કે યુવાઓ અને સોસાયટી પર સિનેમાની અસર અચૂક પડે છે. અમે જે રીતે ડ્રેસ પહેરીએ છીએ અને અમારી વિચારધારા છે. એમાંથી પણ લોકો ઘણી બાબતનું અનુકરણ કરવા માગે છે અને એ તેમનો વ્યક્તિગત નિર્ણય હોય છે. હું એમ નથી કહેતી કે આ બાબતનો અનુભવ મેં જ્યારે મારા કરીઅરની શરૂઆત કરી ત્યારથી જ કર્યો હતો. આ એક એવી વસ્તુ છે એની અંદર મારો ઉછેર થયો છે, એને શીખી છું અને સમય જતા એ બાબત હું સમજી શકી છું. એવુ પણ નથી કે જો તમે સામાજિક રીતે જવાબદાર વ્યક્તિ હો તો એક સિરીયસ મુવી અને પ્રહાર કરતી ફિલ્મ બનાવવામાં આવે. ‘પીકુ’માં ઘણું બધું કહેવા જેવું હતું અને એમ છતાં એ એન્ટરટેઇનિંગ ફિલ્મ હતી. તમે સામાજિક રીતે જવાબદાર વ્યક્તિ હો તો તમારે ચોક્કસ પ્રકારની ફિલ્મો જ બનાવવાની હોય એવું નથી હોતું તમે મનોરંજક અને આકર્ષક અંદાજમાં પણ કહી શકો છો.’

કેટલો લાંબો સમય સુધી ફિલ્મ ચાલે અને એની અસર કેટલી પડે છે એ એની સફળતાનું પ્રમાણ છે : દીપિકા

દીપિકા પાદુકોણ કહે છે કે ફિલ્મની સફળતા એ વાત પર આધાર રાખે છે કે એની અસર લોકો પર કેટલી પડે છે અને કેટલો સમય સુધી એ માર્કેટમાં ટકી રહે છે. આ વિશે વધુ જણાવતાં દીપિકાએ કહ્યું હતું કે ‘હું માનું છું કે મારા કરતાં ફિલ્મોની અસર લોકોનાં જીવન પર કેવી પડે છે એ જ મારા માટે ફિલ્મની સફળતાનું પ્રમાણ છે. શું આપણે લોકોની માનસિકતા બદલી શકીએ છીએ? શું આપણે લોકો પર અસર પાડી શકીએ છીએ? મારા બોલવાનો ખોટો અર્થ ન કાઢતા, પરંતુ હું એમ કહીશ કે દરેક સ્ટોરી સચોટ પ્રહાર કરે એવી હોય એ જરૂરી નથી. એ એક સાધારણ ઇમોશનવાળી જેવા કે પ્રેમ અથવા તો ખુશી પણ હોય શકે છે. મારુ માનવુ છે કે જે ફિલ્મો તમને કંઇક અનુભવ કરાવતી હોય, તમને વિચારતા કરે અને લાગણીઓને બળ આપતી હોય એ જ ફિલ્મની સફળતાનું ખરુ પ્રમાણ છે. સાથે જ ફિલ્મ કેટલો લાંબો સમય ચાલે છે એ પણ એક જરૂરી છે. એક એવી ફિલ્મ જેને આજથી દસ વર્ષ બાદ પણ હું જોવા માગતી હોવ, મારા માટે એ પણ ફિલ્મની સફળતા છે.’

મૅક-અપ બાદ પહેલીવાર પોતાને અરીસામાં જોઈ ત્યારે હું અલગ દેખાતી હતી અને મેઘના ગુલઝારને મેં કહ્યું હતું કે હું હજી પણ પહેલા જેવું જ ફીલ કરી રહી છું. કઈ બદલાયું નહોતું. એ દિવસે મને મારું પાત્ર મળી ગયું હતું અને મારે ફિલ્મમાં શું કરવાનું છે એ મને સમજાય ગયું હતું. મને નથી લાગતું કે આપણા લુક દ્વારા આપણે કેવા છે એ જાણવામાં આવે છે. - દીપિકા પાદુકોણ, છપાકના પાત્રને લઈને

deepika padukone vikrant massey bollywood bollywood news bollywood gossips