વિદ્યા બાલનની કહાની ફિલ્મની સ્ક્રિપ્ટ અડધો ડઝન પ્રોડ્યુસર્સે ફગાવી હતી!

10 February, 2020 03:03 PM IST  |  Mumbai Desk | Ashu Patel

વિદ્યા બાલનની કહાની ફિલ્મની સ્ક્રિપ્ટ અડધો ડઝન પ્રોડ્યુસર્સે ફગાવી હતી!

હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની ઘણીબધી મજેદાર વાતો જાણવા જેવી છે. એમાંય કેટલીક હિન્દી ફિલ્મો વિશેની વાતો સાંભળીને તો આશ્ચર્યચકિત થઈ જવાય કે જે ફિલ્મ બ્લૉકબસ્ટર સાબિત થઈ હોય કે સુપરહિટ સાબિત થઈ હોય એવી ફિલ્મોની સ્ક્રિપ્ટ જ્યારે રાઇટર કે ડિરેક્ટર લઈને પ્રોડ્યુસર પાસે ગયા હોય ત્યારે એને વાહિયાત ગણીને ફગાવી દેવાઈ હોય. આવું જ વિદ્યા બાલન અભિનીત ‘કહાની’ ફિલ્મના કિસ્સામાં બન્યું હતું. 
અગાઉ બે-ત્રણ ફ્લૉપ ફિલ્મ બનાવી ચૂકેલા ડિરેક્ટર સુજૉય ઘોષ ‘કહાની’ ફિલ્મની સ્ક્રિપ્ટ લઈને કેટલાય ફિલ્મ પ્રોડ્યુસર્સ પાસે ગયા હતા, પણ એ બધાએ એ સ્ક્રિપ્ટ રિજેક્ટ કરી હતી.
એ સ્ક્રિપ્ટ રિજેક્ટ કરનારાઓમાં કરણ જોહરનો પણ સમાવેશ હતો. સુજૉય ઘોષનો કોઈ હાથ પકડવા તૈયાર નહોતું. એ સમયમાં તેઓ પેન એન્ટરટેઇનમેન્ટના ચૅરમૅન જયંતીલાલ ગડા પાસે ગયા હતા. તેમણે તેમને કહ્યું કે હું આ ફિલ્મ નાના બજેટમાં બનાવી શકીશ. જયંતીલાલ ગડાએ સુજૉય ઘોષમાં વિશ્વાસ મૂકીને તેમને એ ફિલ્મ બનાવવા માટે ગ્રીન સિગ્નલ આપ્યું. 
જયંતીભાઈ એ ફિલ્મ પ્રોડ્યુસ કરવા તૈયાર થયા ત્યારે તેમને હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ઘણા ઉત્સાહી અને દોઢડાહ્યા માણસોએ કહ્યું હતું કે તમે આ ફિલ્મ પ્રોડ્યુસ કરશો તો તમને ભારે નુકસાન જશે. એક તો સુજૉય ઘોષ જેવો ફ્લૉપ ડિરેક્ટર છે જેણે બે-ત્રણ ફિલ્મો બનાવી છે એ બધી ફ્લૉપ ગઈ છે અને વિદ્યા બાલન જેવી ઠંડી હિરોઇન છે. અધૂરામાં પૂરું, એ હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના હોશિયાર લોકોનું માનવું હતું કે એ ફિલ્મની વાર્તા પણ વાહિયાત છે એટલે ફ્લૉપ ફિલ્મો બનાવી ચૂકેલો ડિરેક્ટર, ઠંડી હિરોઇન અને વાહિયાત વાર્તાના કૉમ્બિનેશનવાળી આ ફિલ્મમાં તમારા પૈસા ચોક્કસ ડૂબી જશે. 
જયંતીભાઈએ એ બધી સલાહને અવગણીને એ ફિલ્મ પ્રોડ્યુસ કરવાનુ નક્કી કર્યું હતું. 
‘એક્સ્ટ્રા શૉટ્સ’ માટે વાત કરતાં જયંતીલાલ ગડા કહે છે, ‘સુજૉય ઘોષની સ્ક્રિપ્ટ પરથી મેં ‘કહાની’ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું એ પછી ઇન્ડસ્ટ્રીના ઘણા મિત્રો અને પરિચિતોએ મને ચેતવણી આપી હતી કે આ ફિલ્મ બનાવીને તમે જોખમ ખેડી રહ્યા છો. આવી ફિલ્મ કોઈ કાળે બૉક્સ-ઑફિસ પર ચાલે નહીં, પરંતુ મને સુજૉય ઘોષ, વિદ્યા બાલન અને સ્ક્રિપ્ટ પર વિશ્વાસ બેસી ગયો હતો એટલે મેં એ જોખમ ઉઠાવ્યું.’
એ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે બૉક્સ-ઑફિસ પર તરખાટ મચી ગયો હતો. સુજૉય ઘોષે માત્ર ૬ કરોડ રૂપિયાના બજેટમાં એ ફિલ્મ બનાવી હતી અને જે વાર્તા લોકોને વાહિયાત લાગતી હતી એ વાર્તાએ લોકોને જકડી રાખ્યા. એ ફિલ્મમાં વિદ્યા બાલનની ઍક્ટિંગથી લોકો પ્રભાવિત થઈ ગયા અને જેના પર હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના પંડિતો ફ્લૉપ ડિરેક્ટરનું લેબલ લગાવીને બેઠા હતા એ સુજૉય ઘોષે એ ફિલ્મથી હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સજ્જડ અને અત્યંત મજબૂત સ્થાન જમાવી દીધું. 
જયંતીલાલ ગડાએ ‘કહાની’ ફિલ્મ વિશે બીજી પણ ઘણી રસપ્રદ વાતો શૅર કરી હતી એ વિશે પછી વાત કરીશું.

ashu patel vidya balan bollywood bollywood news bollywood gossips