CM જયલલિતાએ ધર્મેન્દ્ર સાથે હિરોઇન તરીકે અભિનય કર્યો હતો

24 December, 2019 12:31 PM IST  |  Mumbai | Ashu Patel

CM જયલલિતાએ ધર્મેન્દ્ર સાથે હિરોઇન તરીકે અભિનય કર્યો હતો

યસ, જયલલિતા હિન્દી ફિલ્મ ‘ઇજ્જત’માં ધર્મેન્દ્રની સામે હિરોઇન હતાં. દક્ષિણની ૧૨૫થી વધુ ફિલ્મોમાં અભિનય કરનારાં જયલલિતાની એ એકમાત્ર હિન્દી ફિલ્મ હતી. જોકે એ અગાઉ તેમણે ૧૯૬૧માં કિશોરકુમાર અને સાધનાની ફિલ્મ ‘મનમૌજી’માં અભિનય કર્યો હતો, પણ એ ફિલ્મમાં તેઓ ચાઇલ્ડ આર્ટિસ્ટ હતાં અને એમાં તેમણે ભગવાન શ્રીકૃષ્ણના રોલમાં બેબી નાઝ સાથે માત્ર ત્રણ મિનિટનો ડાન્સ કર્યો હતો. 

‘ઇજ્જત’ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સફળ સાબિત થઈ નહોતી, પણ એનાં બે ગીત ‘યે દિલ તુમ બિન કહીં લગતા નહીં...’ અને ‘જાગી બદન મેં જ્વાલા...’ હિટ થયાં હતાં. ડિરેક્ટર ટી. પ્રકાશ રાવની એ ફિલ્મ માટે ગીતો સાહિર લુધિયાનવીએ લખ્યાં હતાં અને સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલે આપ્યું હતું.

‘ઇજ્જત’ ફિલ્મમાં જયલલિતાના ભાગે ત્રણ ગીત આવ્યાં હતાં. એ ગીતોની લિન્ક અહીં આપી છે. એ ગીતો પૈકી ‘જાગી બદન મેં જ્વાલા સૈંયા તૂને ક્યા કર ડાલા...’ અને ‘રુક જા જરા, કિધર કો ચલા...’ ગીતો જયલલિતાના પાત્ર માટે લતા મંગેશકરે ગાયાં હતાં અને ‘સર પર ટોપ લે કે આયેગા...’ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને જયલલિતાને ગાતાં દર્શવાયાં છે એ ગીતને મોહમ્મદ રફી અને આશા ભોસલેએ સ્વર આપ્યો હતો. આ રહ્યાં એ ત્રણેય ગીતો...

https://www.youtube.com/watch?v=cEhaEpkS8ns 
https://www.youtube.com/watch?v=8PQuWLwHuLQ
https://www.youtube.com/watch?v=7eHV9hGOWvQ 

‘ઇજ્જત’ ફિલ્મનું સુપરહિટ ગીત ‘યે દિલ તુમ બિન કહીં લગતા નહીં, હમ ક્યા કરે...’ ગીત ધર્મેન્દ્ર અને તનુજા પર પિક્ચરાઇઝ થયું હતું, પણ એ ગીતના અંતે ધર્મેન્દ્ર અને તનુજાનાં પાત્રોને છુપાઈને જોઈ રહેલાં જયલલિતા જોવા મળે છે. એ ગીતની લિન્ક પણ આ રહી...
 
https://www.youtube.com/watch?v=UbrJ0QmAxiQ 

જયલલિતા વિશે બીજી પણ થોડી રસપ્રદ વાત જાણવા જેવી છે. જયલલિતાનો જન્મ ૧૯૪૮ની ૨૪ ફેબ્રુઆરીએ મૈસૂર રાજ્યના (જે અત્યારે કર્ણાટકનો હિસ્સો છે) એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. માંડ્યા જિલ્લાના પાંડવપુરા તાલુકાના મેલુરકોટ ગામમાં જન્મેલાં જયલલિતાના દાદા સર્જ્યન હતા અને તેમની આર્થિક સ્થિતિ ખૂબ સારી હતી, પરંતુ જયલલિતા માત્ર બે વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા જયરામ મૃત્યુ પામ્યા હતા. જયલલિતાના પિતાના મૃત્યુ પછી માતા સંધ્યાએ દીકરીને લઈને બૅન્ગલોર જવાનો નિર્ણય કર્યો અને તેઓ તેમનાં માતા-પિતા (જયલલિતાનાં નાના-નાની) સાથે રહેવા લાગ્યાં. એ પછી તેમની માતાએ તામિલ ફિલ્મમાં અભિનય કરવાનું શરૂ કરી દીધું અને અભિનેત્રી તરીકે પોતાનું નામ માત્ર સંધ્યા રાખી દીધું.

જયલલિતા જ્યારે સ્કૂલમાં ભણતાં હતાં ત્યારે તેમની માતાએ તેમને કહ્યું હતું કે આપણી આર્થિક સ્થિતિ ખરાબ છે એટલે તું ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર. એટલે તેમણે એ વખતે અભિનયની શરૂઆત કરી હતી. તેમણે ‘એપિસલ’ નામની અંગ્રેજી ફિલ્મમાં અભિનય કર્યો હતો. એ પછી જયલલિતા ૧૫ વર્ષની ઉંમરથી જ કન્નડ ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા કરવા માંડ્યા હતાં. ત્યાર બાદ તેમણે તામિલ ફિલ્મોમાં હિરોઇન તરીકે કામ શરૂ કર્યું. (તેમણે ૧૯૬૫થી ૧૯૭૨ દરમ્યાન એમ. જી. રામચંદ્રન સાથે અનેક ફિલ્મો કરી એને કારણે તેઓ એમ. જી. રામચંદ્રનની નજીક આવ્યાં હતાં, જેને કારણે પછીથી તેઓ મુખ્ય પ્રધાન બન્યાં હતાં.

જયલલિતાની ફિલ્મોમાં અભિનય કરવાની ઇચ્છા નહોતી, પણ ઘરની આર્થિક પરિસ્થિતિને કારણે તેમની માતાના કહેવાથી તેમણે અભિનયક્ષેત્રે જવું પડ્યું હતું. જયલલિતા અત્યંત તેજસ્વી વિધ્યાર્થિની હતાં અને દસમા ધોરણની પરીક્ષામાં તેઓ આખા તામિલનાડુમાં પ્રથમ આવ્યાં હતાં.

j jayalalithaa bollywood news dharmendra