સુશાંત સિંહ રાજપૂતનું સપનું ડાન્સર બનવાનું હતું

21 February, 2020 01:51 PM IST  |  Mumbai Desk | Ashu Patel

સુશાંત સિંહ રાજપૂતનું સપનું ડાન્સર બનવાનું હતું

બિહારના પૂર્ણિયા જિલ્લાના માલધીહાના વતની અને પટનામાં રહેતા રાજપૂત કુટુંબમાં ૧૯૮૬ની ૨૧ જાન્યુઆરીએ જન્મેલા સુશાંત સિંહ રાજપૂતની રિયલ લાઇફ સ્ટોરી પણ તેની કોઈ ફિલ્મ જેવી જ ઇન્ટરેસ્ટિંગ છે. સુશાંત રાજપૂત જ્યારે ટીનેજર હતો ત્યારે તેનું સપનું એન્જિનિયર બનવાનું હતું. તેણે યુવાનીમાં દિલ્હી ટેક્નૉલૉજિકલ યુનિવર્સિટીમાં ઍડ્મિશન મેળવ્યું અને એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો. તેનું બીજું સપનું ડાન્સર બનવાનું હતું. 
એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન તેણે શિયામક દાવરના ડાન્સ ક્લાસિસમાં પ્રવેશ મેળવ્યો. એ વખતે તેને સપનેય ખ્યાલ નહોતો કે પોતે ઍક્ટર બનશે. એ વખતે તેની સાથે ડાન્સ ક્લાસિસમાં બીજા સ્ટુડન્ટ્સ હતા તેમનું સપનું ઍક્ટિંગમાં કરીઅર બનાવવાનું હતું અને તેઓ બેરી જોનના ડ્રામા ક્લાસિસ જૉઇન્ટ કરીને ત્યાં અભિનયની તાલીમ મેળવી રહ્યા હતા. એ ડાન્સિંગ ક્લાસિસના સહવિદ્યાર્થીઓને બેરી જોનના ડ્રામા ક્લાસિસમાં જોડાયેલા જોઈને સુશાંતને પણ બેરી જોનના ક્લાસિસ જૉઇન કરવાની પ્રેરણા મળી અને તેણે પણ બેરી જોનના ઍક્ટિંગ ક્લાસિસ જૉઇન કરી લીધા. 
બેરી જોનના ક્લાસિસમાં થોડા દિવસો ગાળ્યા પછી તેને સમજાયું કે હું અભિનય કરી શકીશ, હું ઑડિયન્સની સાથે સંવાદ સાધી શકું છું. અભિનયનો અનુભવ તેને થ્રિલ આપવા લાગ્યો. એ સમયમાં તેને અહેસાસ થયો કે તે અભિનેતા બનવા માટે જ જન્મ્યો છે. શિયામક દાવરના ડાન્સ ક્લાસિસમાં જોડાયા પછી થોડા મહિનાઓમાં જ દાવરના સ્ટાન્ડર્ડ ડાન્સ ગ્રુપમાં તેનો સમાવેશ થઈ ગયો અને ૨૦૦૫માં ૫૧માં ફિલ્મફેર અવૉર્ડમાં બૅકગ્રાઉન્ડ ડાન્સર્સનું જે ગ્રુપ શયામક દાવરે પૂરું પાડેલું એમાં એક ડાન્સર તરીકે સુશાંતે પણ ડાન્સ કર્યો હતો! 
એ પછી ઑસ્ટ્રેલિયામાં ૨૦૦૬ની કૉમનવેલ્થ ગેમ્સમાં કલ્ચરલ પ્રોગ્રામમાં પર્ફોર્મન્સ આપવા માટે ડાન્સર્સની જે ટીમ મોકલાઈ એ ગ્રુપમાં પણ તેને તક મળી. આ દરમિયાન તેને અભિનયનો અને ડાન્સિંગનો એવો નશો થઈ ચૂક્યો હતો કે તેને એન્જિનિયરિંગના અભ્યાસથી કંટાળો આવવા માંડ્યો હતો.
તે ડાન્સ અને ડ્રામા ક્લાસિસમાં ધીમે-ધીમે મક્કમ રીતે આગળ વધી રહ્યો હતો. તેણે નક્કી કરી લીધું કે હવે મારે જિંદગીમાં આ જ કરવું છે એટલે તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ પડતો મૂક્યો અને ફુલટાઇમ ડાન્સિંગ અને ઍક્ટિંગ કરવાનું નક્કી કરી લીધું. એ પછી ફિલ્મોમાં અભિનયની તક મેળવવા માટે સુશાંત સિંહ મુંબઈ આવ્યો અને તેણે નાદિરા બબ્બરનું એકજૂટ થિયેટર ગ્રુપ જૉઇન કરી લીધું. નાદિરા બબ્બરના ગ્રુપ સાથે તે અઢી વર્ષ સુધી રહ્યો. એ દરમિયાન તેને નેસ્લે મંચની ટીવી ઍડ્વર્ટાઇઝમેન્ટમાં ચમકવાની તક મળી. એ ઍડ ક્લિક થઈ ગઈ અને એને કારણે સુશાંત સિંહ રાજપૂત પર ઘણાં બધાં ટીવી સિરિયલ પ્રોડક્શન હાઉસનું ધ્યાન ગયું. ૨૦૦૮માં તે એકજૂટના નાટકોમાં કામ કરતો હતો એ દરમિયાન બાલાજી ટેલિફિલ્મ્સની કાસ્ટિંગ ટીમનું ધ્યાન તેના તરફ આકર્ષાયું. તેમણે તેને ઓડિશન માટે બોલાવ્યો અને ત્યાંથી તેની અભિનયની કરીઅર શરૂ થઈ. સુશાંતના મોટા ભાગના ચાહકોને એવી ખબર છે કે સુશાંત સિંહ રાજપૂતે ‘પવિત્ર રિશ્તા’માં માનવ દેશમુખના પાત્રથી અભિનયની કરીઅર શરૂ કરી, પણ વાસ્તવમાં તેણે બીજી એક સિરિયલથી અભિનયની શરૂઆત કરી હતી. તેની એ પ્રથમ સિરિયલમાં એન્ટ્રી વિશે અને તેની લાઇફની બીજી રસપ્રદ વાતો વિશે પછી વાત કરીશું.

ashu patel bollywood sushant singh rajput bollywood news bollywood gossips