સુભાષ ઘઈએ રાજ કપૂરની હીરો તરીકેની ફિલ્મ ખાન દોસ્તમાં અભિનય કર્યો હતો

30 December, 2019 12:10 PM IST  |  Mumbai | Ashu Patel

સુભાષ ઘઈએ રાજ કપૂરની હીરો તરીકેની ફિલ્મ ખાન દોસ્તમાં અભિનય કર્યો હતો

ખાન દોસ્ત

યુનાઇટેડ ફિલ્મ પ્રોડ્યુસર્સ ફિલ્મફેર ટૅલન્ટ કૉન્ટેસ્ટમાં વિજેતા બન્યા પછી રાજેશ ખન્ના અકલ્પ્ય રીતે સુપરસ્ટાર બની ગયા હતા, પણ સુભાષ ઘઈને અભિનેતા તરીકે તક નહોતી મળી રહી. તેમણે રાજેશ ખન્નાની સુપરહિટ ફિલ્મ ‘આરાધના’માં તેમના સહકર્મચારી અને મિત્ર કિશોરનો રોલ કર્યો એ પછી તેમને ૧૯૭૦માં રિલીઝ થયેલી ‘ઉમંગ’ ફિલ્મમાં લીડ રોલ મળ્યો હતો. એ પછી ૬ વર્ષ બાદ ૧૯૭૬માં તેમને ‘ગુમરાહ’માં લીડ રોલ મળ્યો. જોકે એ બન્ને ફિલ્મ બૉક્સ-ઑફિસ પર કશું ઉકાળી નહોતી શકી.

એક દાયકા જેટલા સમય સુધી સંઘર્ષ કર્યા પછી સુભાષ ઘઈને સમજાઈ ગયું હતું કે હીરો તરીકે આપણો મેળ નહીં પડે, એટલે સંઘર્ષના એ સમય દરમ્યાન સુભાષ ઘઈએ ફિલ્મલેખક બનવાનું વિચાર્યું અને તેમણે ફિલ્મ લખવાનું શરૂ કર્યું હતું. તેમણે ૧૯૭૬માં ‘ખાન દોસ્ત’ ફિલ્મ લખી હતી. એ ફિલ્મ પવનકુમાર અને યોગીએ પ્રોડ્યુસ કરી હતી અને દુલાલ ગુહાએ ડિરેક્ટ કરી હતી. સુભાષ ઘઈએ ભરત બી. ભલ્લા સાથે મળીને એ ફિલ્મની સ્ટોરી લખી હતી અને જૈનેન્દ્ર જૈને એ ફિલ્મના ડાયલૉગ્સ લખ્યા હતા.

એ ફિલ્મમાં રાજ કપૂર, શત્રુઘ્ન સિંહા અને યોગીતા બાલી મુખ્ય કલાકારો હતાં. બિમલ રૉયે એડિટ કરેલી એ ફિલ્મ ૧૯૭૬ની ૨૩ માર્ચે રિલીઝ થઈ હતી. સુભાષ ઘઈએ લખેલી એ પ્રથમ ફિલ્મની સ્ટોરી એવી હતી કે એક સરળ સ્વભાવનો યુવાન રામદીન પાંડે (એ રોલ રાજ કપૂરે કર્યો હતો) નાશિકમાં તેની બહેન શાંતિ (એ રોલ યોગીતા બાલીએ કર્યો હતો) સાથે રહે છે. તે હવાલદાર તરીકે નાશિક સેન્ટ્રલ જેલમાં નોકરી કરે છે. તે તેની બહેન શાંતિનાં લગ્ન એક યુવાન સાથે નક્કી કરે છે, પરંતુ તેની બહેનના ભાવિ સાસરિયાંઓ ૫૦૦૦ રૂપિયા દહેજ માગે છે. રામદીન પાંડે એટલી રકમ આપી શકે એમ નથી એટલે મૂંઝાયેલો રહે છે. બીજી બાજુ તેની સરળતાને કારણે તેને પ્રમોશન પણ નથી મળી રહ્યું. એ સમય દરમ્યાન રહેમત ખાન (એ રોલ શત્રુઘ્ન સિંહાએ કર્યો હતો) નામનો એક ગુંડો જેલમાં આવે છે.

જેણે તેની વેશ્યા-રખાત ઝરીના પર રેપ કરવાની કોશિશ કરનાર રંગા નામના ગુંડાનું ખૂન કરી નાખ્યું હોય છે. રહેમત ખાન જેલમાં આવીને જુએ છે કે રામદીનની નબળાઈ શું છે. તે રામદીન સાથે દોસ્તી કરે છે અને રામદીનને પૈસાની લાલચ આપીને પોતાની અત્યંત બીમાર માતાને મુંબઈ મળવા જવાના બહાના હેઠળ જેલમાંથી ભાગી છૂટવા માટે રામદીનની મદદ લે છે. તે પાછો આવતો નથી એટલે રોષે ભરાયેલા જેલર રામદીનને મુંબઈ જઈને રહેમતને શોધી લાવવાનું કહે છે અને તાકીદ કરે છે કે તું તેને નહીં શોધી લાવે તો તું તારી નોકરી તો ગુમાવીશ જ અને ઉપરથી તારા વિરુદ્ધ કેસ પણ થશે. રામદીન એવું કરવા તૈયાર થાય છે. એ વખતે તેને કલ્પના પણ નથી હોતી કે મુંબઈ જઈને તે ખૂનખાર ગુંડા રહેમત ખાન અને (રહેમત ખાને જેનું ખૂન કર્યું છે તે) રંગાનો બદલો લેવા માટે તડપી રહેલા ભાઈ જગ્ગી વચ્ચે સૅન્ડવિચ બની જશે.

‘ખાન દોસ્ત’ ફિલ્મમાં સુભાષ ઘઈએ પણ અભિનય કર્યો હતો. એ ફિલ્મમાં તેમણે એક આઇ સ્પેશ્યલિસ્ટનો રોલ કર્યો હતો. એ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર પિટાઈ ગઈ હતી.

આ પણ વાંચો : ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ શરૂ કર્યું આલિયા ભટ્ટે

એ પછી ઘઈએ ડિરેક્ટર બનવાનું નક્કી કર્યું. તેમણે ડિરેક્ટર તરીકે ફિલ્મ બનાવવા માટે એક સ્ક્રિપ્ટ લખી. એ સ્ક્રિપ્ટ લઈને તેઓ બધે ફરતા હતા. જોકે એ ફિલ્મ અડધો ડઝન પ્રોડ્યુસર્સે રિજેક્ટ કરી દીધી હતી. છેવટે એ વખતના ટોચના હીરો શત્રુઘ્ન સિંહાની ભલામણથી એક ફિલ્મ ડિરેક્ટ કરવાની તેમને તક મળી હતી. શત્રુઘ્ન સિંહા સાથે તેમની સારી દોસ્તી થઈ ગઈ હતી. સિંહાની મદદથી અને સિંહાને જ હીરો તરીકે લઈને ઘઈએ ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ બનાવી, ‘કાલિચરણ.’ ૧૯૭૬માં રિલીઝ થયેલી એ ફિલ્મ સફળ થઈ એ સાથે તેમણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું મજબૂત સ્થાન બનાવી લીધું.

subhash ghai raj kapoor bollywood news entertaintment