બાદશાહ અને સરગુન મેહતાએ કર્યું ત્રણ-ત્રણ લાખ રૂપિયાનું દાન

19 February, 2019 10:49 AM IST  | 

બાદશાહ અને સરગુન મેહતાએ કર્યું ત્રણ-ત્રણ લાખ રૂપિયાનું દાન

બાદશાહ

સિંગર-રૅપર બાદશાહે પુલવામામાં શહીદ થયેલા જવાનોની ફૅમિલી માટે ત્રણ લાખ રૂપિયાનું દાન કર્યું છે. આ દાનની રિસીપ્ટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં બાદશાહે લખ્યું હતું કે ‘પુલવામામાં જે થયું છે એ ભૂલી શકાય એમ નથી અને એ માફીને લાયક પણ નથી. જોકે આ સમય છે કે આપણે આપણા સૈનિકોને દેખાડવું જોઈએ કે આપણે તેમની સાથે છીએ. મોટા ભાગના સૈનિકો તેમના પરિવારને એવી પરિસ્થિતિમાં મૂકી ગયા છે કે તેમની ફૅમિલીની અન્ય કોઈ ઇન્કમ પણ નથી. તેમના પરિવાર, બાળકો અને પત્નીને મદદ કરવાનો આ સમય છે. તેમનું ભવિષ્ય સારું રહેશે એની ખાતરી અપાવવાનો આ સમય છે. તમારી પાસે જે પણ પ્લૅટફૉર્મ ઉપલબ્ધ હોય એ દ્વારા તમે ડોનેટ કરી શકો છો. તમારાથી શક્ય રકમ તમે દાન કરી શકો છે. એ યાદ રાખવું કે તેઓ આપણી સુરક્ષા કરે છે અને એથી જ તેઓ દરેક મદદ અને સપોર્ટના હકદાર છે. ડોનેટ કરો. જય હિન્દ.’

બાદશાહની જેમ ટીવી-ઍક્ટ્રેસ સરગુન મેહતાએ પણ ત્રણ લાખ રૂપિયાનું દાન કર્યું છે. આ વિશે જણાવતાં ઇન્સ્ટાગ્રામ પર સરગુને લખ્યું હતું કે ‘અમે આ પ્રાઇવેટમાં પણ કરી શક્યાં હોત. જોકે આપણને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા અથવા તો દાન કરવા માટે પણ પ્રેરણા મળતી હોય છે. મેં આવી જ એક પોસ્ટ જોઈ હતી અને એમાંથી પ્રેરણા મળવાથી મેં પણ દાન કર્યું છે. આશા રાખું છું કે લોકોને દાન કરવા માટે પ્રેરણા મળે.’

આ પણ વાંચો : રૉની સ્ક્રૂવાલા અને ઉરી દ્વારા શહીદો માટે કરવામાં આવ્યું એક કરોડ રૂપિયાનું દાન

બિગ બી બાદ શહીદોના પરિવારને મદદ કરશે સલમાન

પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોનાં કુટુંબને હવે સલમાન ખાન પણ મદદ કરશે. અમિતાભ બચ્ચને શહીદોના દરેક પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સલમાન પણ હવે તેના બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા તેમના પરિવારને મદદ કરશે. એથી દેશના કેન્દ્રના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન કિરેન રિજિજુએ તેનો આભાર માન્યો છે. બૉલીવુડે આ આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. અનેક બૉલીવુડ સેલિબ્રિટીએ શહીદોના પરિવારને મદદ કરવાની તૈયારી દાખવી છે. સલમાન ખાને પણ પોતાની સંસ્થા બીઇંગ હ્યુમનના માધ્યમથી શહીદોના પરિવારને મદદ કરવાની રજૂઆત કરી છે. આ માટે સલમાનનો આભાર માનતાં કિરેન રિજિજુએ ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘બીઇંગ હ્યુમન ફાઉન્ડેશનના માધ્યમથી પુલવામા શહીદોના પરિવારને મદદની રજૂઆત કરવા માટે સલમાન ખાનનો ખૂબ આભાર. હું એ વાત સુનિશ્ચિત કરીશ કે શહીદોનાં કુટુંબ સુધી તમારી મદદ જરૂર પહોંચે.’

badshah sargun mehta bollywood news pulwama district