કિશોરકુમારને ગાયક તરીકે તક આપવા કોઈ તૈયાર નહોતું!

13 January, 2020 05:17 PM IST  |  Mumbai Desk | Aashu Patel

કિશોરકુમારને ગાયક તરીકે તક આપવા કોઈ તૈયાર નહોતું!

મધ્ય પ્રદેશના ખંડવામાં જન્મેલા આભાસકુમાર ગાંગુલી એટલે કે કિશોરકુમાર તરુણાવસ્થાથી જ ગાયક બનવાનું સપનું જોતા હતા. તેઓ એ વખતના સુપરસિંગર કુંદનલાલ સાયગલના ચાહક બની ગયા હતા અને કુંદનલાલ સાયગલની જેમ જાણીતા ગાયક બનવાની મહત્ત્વાકાંક્ષા તેમના મનમાં જાગી હતી. 

કિશોરકુમારના મોટા ભાઈ અશોકકુમાર શરૂઆતનાં વર્ષોમાં જે ફિલ્મોમાં અભિનય કરતા હતા એ ફિલ્મોમાં ગીતો પણ તેઓ જાતે જ ગાતા હતા. તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી અને તેઓ પોતાનાં ગીતો પોતે જ ગાવાનો આગ્રહ રાખતા હતા. એ સમયમાં મોટા ભાગના સફળ અભિનેતાઓ ગાયક તરીકે પોતાને બદલે બીજાનો અવાજ લેતા નહોતા.
કિશોરકુમાર યુવાન થયા ત્યારે તેમણે ડરતાં-ડરતાં અશોકકુમારને કહ્યું કે મારે ગાયક બનવું છે (એ વખતે અશોકકુમારનું અભિનેતા તરીકે મોટું નામ થઈ ગયું હતું). અશોકકુમારે એ જ ક્ષણે નાના ભાઈના ઉત્સાહ પર ઠંડું પાણી ફેરવી દેતાં કહ્યું, ‘ગાયક બનવાનું તારું કામ નહીં. તને સંગીતની કોઈ સૂઝ નથી. ગાયક બનવા માટે સંગીતની ઊંડી તાલીમ લેવી પડે જે મેં લીધી છે. એટલે ગાયક બનવાનું સપનું ભૂલી જા અને અભિનય કરવા માંડ. તને અભિનેતા તરીકે તક મળે એ માટે હું બૉમ્બે ટૉકીઝમાં ભલામણ કરી દઉં છું.’ 
કિશોરકુમારે ૬ દાયકા અગાઉ એ વખતના જાણીતા સંગીતકાર સજ્જાદ હુસેનને કહ્યું કે મને ગાવાની તક આપો ત્યારે સજ્જાદ હુસેને તેમને કહ્યું કે આમ કોઈ તાલીમ વિના મન થાય એ ગાયક બની જાય એવું ન ચાલે. બીજા સંગીતકારોએ પણ કિશોરકુમારને એવું કહ્યું હતું કે ‘ભાઈ, તું ગાયક ન બની શકે. ગાયક બનવા માટે તો ખૂબ ઊંડી તાલીમ લેવી પડે!’
એટલે બનતું એવું કે કિશોરકુમાર અભિનેતા તરીકે ગીતો ગાતા હોય ત્યારે અવાજ તાલીમ પામેલા અને ઊંચા ગજાના ગાયકનો હોય! એ સમયમાં અભિનેતા કિશોરકુમાર માટે ગીત ગાવા મોહમ્મદ રફીને પણ કરારબદ્ધ કરાતા!
મોહમ્મદ રફીએ કોઈ એકલદોકલ ફિલ્મમાં નહીં, અનેક ફિલ્મોમાં કિશોરકુમારને પાર્શ્વગાયક તરીકે અવાજ આપ્યો હતો. મોહમ્મદ રફીએ કિશોરકુમાર માટે ગાયું હોય એવી ફિલ્મોમાં ‘ભાગમભાગ’, ‘શરારત’, ‘રાગિની’, ‘બાગી શહજાદા’ અને ‘પ્યાર દીવાના’ જેવી ફિલ્મોનો સમાવેશ હતો.
જોકે ૫૦ના દાયકામાં કિશોરકુમાર માટે મોહમ્મદ રફી અવાજ આપતા હતા એ અગાઉ છેક ૧૯૪૮માં દિગ્ગજ સંગીતકાર ખેમચંદ પ્રકાશે કિશોરકુમારને ‘જિદ્દી’ ફિલ્મમાં ગાવાની પ્રથમ તક આપી હતી, પણ મોટા ભાગના સંગીતકારો કિશોરકુમાર માટે જાણીતા ગાયકોનો અવાજ લેવાનું પસંદ કરતા.
અને એ જ કિશોરકુમારે હીરો તરીકે પોતાના નામનો સિક્કો જમાવી દીધો એ પછી તેમને પડદા પર બીજા ગાયકોનો અવાજ આપવાની હિંમત પણ સંગીતકારો કે દિગ્દર્શકો કરી શક્તા નહોતા. ૬ દાયકા અગાઉ દિલીપકુમાર ટોચના અભિનેતા ગણાતા હતા ત્યારે તેમને જેટલી ફિલ્મો મળતી હતી એટલી જ ફિલ્મો કિશોરકુમારને મળવા માંડી હતી. ફિલ્મનિર્માતાઓ અને દિગ્દર્શકો કિશોરકુમારને સાઇન કરવા માટે તેના વિચિત્ર નખરાઓ સહન કરવા માંડ્યા હતા અને એક તબક્કે કિશોરકુમાર પાસે હીરો તરીકે બાવીસ ફિલ્મો હાથ પર હતી! 

bollywood bollywood news bollywood gossips kishore kumar