મને કન્ટ્રોવર્સીથી ડર લાગે છે ને એનાથી દૂર રહેવા માગું છું : નવાઝુદ્દીન

22 January, 2019 11:13 AM IST  | 

મને કન્ટ્રોવર્સીથી ડર લાગે છે ને એનાથી દૂર રહેવા માગું છું : નવાઝુદ્દીન

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે તેને વિવાદોથી ડર લાગે છે. તેનું માનવું છે કે કન્ટ્રોવર્સીને કારણે લોકોને ધ્યાન તેના કામની જગ્યાએ પર્સનલ લાઇફ પર વધુ ખેંચાઈ જાય છે. તેની ઑટોબાયોગ્રાફી ‘ઍન ઑર્ડિનરી લાઇફ’માં ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા નિહારિકા સિંહ અને ઍક્ટર સુનીતા રાજવર સાથેના સંબંધો પર પ્રકાશ પાડવામાં આવતાં ખૂબ જ વિવાદ થયો હતો. આ સંબંધ તેમની પરવાનગી વગર તેણે લખ્યા હતા અને એને લઈને તેણે બુક પાછી ખેંચી લીધી હતી અને તેણે માફી પણ માગી હતી. પોતાના કામ પર ધ્યાન આપવાની વાત કરતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘હું હજી પણ પહેલાં જેવી જ વ્યક્તિ છું. હું એક કલાકાર છું અને માત્ર કામ કરવા માગું છું. મારે ફક્ત ઍક્ટિંગ કરવી છે. હું કોઈના પણ વિશે અને મારી પર્સનલ લાઇફમાં શું ચાલી રહ્યું છે એ વિશે બોલવા નથી માગતો. હું નથી ઇચ્છતો કે લોકો મારી પર્સનલ લાઇફ પર ધ્યાન આપે. હું પ્રસિદ્ધ છું અને મારા કામને કારણે મને ઓળખ મળી છે. એથી જ હું ફક્ત ને ફક્ત મારા કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું.’

નવાઝુદ્દીન પર તેની પત્નીની જાસૂસી કરવા માટે એક પ્રાઇવેટ ડિટેક્ટિવને પસંદ કર્યો હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. આ વિશે વધુ જણાવતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘મને ખરાબ નથી લાગતું. મારું માનવું છે કે બીજાની પર્સનલ લાઇફમાં શું કામ ડોકિયું કરવું જોઈએ? સેલિબ્રિટીઝ પણ એક વ્યક્તિ છે. દરેક નાની-નાની વાત માટે સેલિબ્રિટીઝની નિંદા કરવામાં આવે છે. જોકે આવું ન થવું જોઈએ. એ પણ તો સામાન્ય વ્યક્તિ છે.’

આ પણ વાંચો : સુશાંત સિંહ રાજપૂતની રાઇફલમૅન સપડાઈ કાયદાની આંટીઘૂંટીમાં

વિવાદોથી દૂર રહેવાનું જણાવતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘મારા માટે મારી કરીઅર ખૂબ જ જરૂરી છે. ઘણાં વર્ષો સુધી સ્ટ્રગલ કર્યા બાદ મને કામ મળવા લાગ્યું છે અને હું એના પર જ ધ્યાન આપવા માગું છું. હું મહેનત કરવામાં માનું છું અને બધા વિવાદોથી દૂર રહેવા માગું છું. જોકે એનાથી મારા પર કોઈ અસર થાય છે કે નહીં એ મારો અંગત વિષય છે.’

nawazuddin siddiqui bollywood news