કરીમ લાલાએ ડાયલૉગ્સ લખતા કર્યા કાદર ખાનને

02 January, 2019 09:21 AM IST  |  | રશ્મિન શાહ

કરીમ લાલાએ ડાયલૉગ્સ લખતા કર્યા કાદર ખાનને

કાદર ખાન

ઍક્ટર-રાઇટર કાદર ખાનને પોતાનું રાઇટરનું રૂપ વધારે પસંદ હતું. કાદર ખાન હંમેશાં કહેતાં કે જો સારું લખવું હોય તો ખરાબ (દુખદાયી) જીવવું પડે. તમે જો સારું જીવ્યા હો તો ક્યારેય તમે એ પેઇનને પેપર પર ન લાવી શકો. અઢળક સુપરહિટ ફિલ્મોના ડાયલૉગ્સ-સ્ક્રીનપ્લે લખનારા કાદર ખાનના ડાયલૉગ્સે અમિતાભ બચ્ચનની કરીઅર સેટ કરવામાં ખૂબ મોટું કામ કર્યું છે અને આ વાત અમિતાભ બચ્ચને પણ કાદર ખાન પાસે સ્વીકારી છે. એક સમય એવો પણ આવ્યો હતો કે આખી ફિલ્મ બીજા કોઈ રાઇટરે લખી હોય પણ અમિતાભ બચ્ચન પોતાના અંગત સંબંધોના દાવે કાદર ખાન પાસે પોતાના ડાયલૉગ્સ લખાવતા. કાદર ખાનને એવા સમયે તકલીફ પડતી, કોઈનો જશ ખાઈ જવો તેમને બરાબર ન લાગતું એટલે તેમણે એવી ફિલ્મોમાં ક્યારેય ક્રેડિટ ન લીધી.

કાદર ખાનના ડાયલૉગ્સનાં ખૂબ વખાણ થતાં. આ વખાણની વાતો આજે બધા કરે છે, પણ બહુ ઓછા લોકો જાણે કે કાદર ખાનને ફિલ્મ ડાયલૉગ્સ લખવાની પ્રેરણા બીજા કોઈએ નહીં પણ મુંબઈ અન્ડરવર્લ્ડના પહેલા ડૉન કરીમ લાલાએ આપી હતી અને તેમણે જ તેમને લખતાં કર્યા. કરીમ લાલા અને કાદર ખાન બન્ને ખૂબ સારા ફ્રેન્ડ હતા. ફિલ્મો સાથે સંકળાયેલા હોય એવા લોકો સાથે કરીમ લાલાને રહેવું ગમતું એ જગજાહેર છે. સિત્તેરના દશકમાં એક વખત તે કાદર ખાનને મYયા અને કાદર ખાનની વાતો સાંભળીને રીતસરના તેમના પ્રેમમાં પડી ગયા. કાદર ખાનની વાતો, જવાબ આપવાની રીત, એક-એકથી ચડિયાતી વન-લાઇનર્સ અને ક્યારેય કોઈએ વિચારી ન હોય એવી રમૂજના કરીમ લાલા ફૅન થઈ ગયા અને એ પછી બન્ને ફ્રેન્ડ્સ પણ થઈ ગયા. બન્ને નિયમિત મળતા. કરીમ લાલાને મળવા માટે જ્યારે પણ કાદર ખાન આવતા ત્યારે લાલાની સાથે જોડાયેલા સૌકોઈને રાહત થઈ જતી. બધાને ખાતરી હતી કે ખાન હવે લાલાનો મૂડ બરાબર કરી દેશે. ઘણી વખત તો એવું પણ બનતું કે લાલાનો મૂડ સારો ન હોય ત્યારે તેમના સાથી સામે ચાલીને કાદર ખાનને ઘરે આવવાનું કહી જતા અને વાત બગડે એ પહેલાં જ લાલાનો મૂડ સરખો કરી નાખવાનું સુનિયોજિત પ્લાનિંગ કરી લેતા.

કરીમ લાલા જૂજ લોકો સાથે નિરાંતે બેસતા, આ જૂજ લોકોમાં એક કાદર ખાન હતા. એક વખત બેઠા હતા ત્યારે લાલાએ જ કાદર ખાનને તેમના કોઈ જવાબ પર કહ્યું હતું કે ખાનસાબ આપકે જવાબ ઇતને સટીક હોતે હૈ કિ લગતા હૈ કિ આપ સબ કુછ સોચ કર આએ હૈં. આપ ફિલ્મ મેં ડિલૉગ્સ (લાલા ડાયલૉગ્સ નહીં, ડિલોગ્સ બોલતા) ક્યોં નહીં લિખતે. એવું નહોતું કે કાદર ખાન માટે આ ક્રાફ્ટ નવી હોય. અગાઉ કાદર ખાને નાટકો લખ્યાં હતાં અને એટલે જ તે સ્માર્ટ અને ચબરાક જવાબ આપવામાં માહેર હતા. લાલાએ કહેલી વાતને ગંભીરતાથી લઈને કાદર ખાને એ દિશામાં વિચારવાનું શરૂ કર્યું અને એક વખત રાઇટિંગ શરૂ થઈ ગયા પછી તો કાદર ખાનના નામનો સિતારો બૉલીવુડ પર પથરાઈ ગયો.

લાલાની સ્ટાઇલ, લાલાની વાત

કાદર ખાનના ડાયલૉગ્સમાં કરીમ લાલાની છાંટ પુષ્કળ દેખાતી. કરીમ લાલાની વાતોમાં ઍટિટuુડ પણ દેખાતો તો સાથોસાથ એમાં મોત પ્રત્યેની નિષ્ફિકરાઈ પણ દેખાતી. આ વાતને કાદર ખાન પોતાના સંવાદમાં લાવ્યા, ખાસ કરીને એવું કૅરૅક્ટર તેમને મળી જાય ત્યારે તો કાદર ખાન છુટ્ટા હાથે કરીમ લાલાની આ બધી વાતોનો ઉપયોગ કરી લેતા. અમિતાભ બચ્ચન જે ફિલ્મમાં હોય એ ફિલ્મમાં અમિતાભના ડાયલૉગ્સ લખતી વખતે તો તે આ કામ બિનધાસ્ત કરતા. કાદર ખાન અમિતાભ બચ્ચનને લઈને એક ફિલ્મ પ્રોડ્યુસ કરવા માગતા હતા, જેની આખી સ્ક્રિપ્ટ તેમણે રેડી કરી લીધી હતી. ફિલ્મનું ટાઇટલ પણ નક્કી હતું, ‘જાહિલ’. આ ફિલ્મ તેમણે કરીમ લાલાને કેન્દ્રમાં રાખીને લખી હતી. અમિતાભે એ સ્ક્રિપ્ટ સાંભળીને ફિલ્મ કરવાની હા પણ પાડી દીધી, પણ એ સમયે તેમના હાથમાં પુષ્કળ કામ હોવાથી એ પ્રોજેક્ટ તરત જ ચાલુ ન થયો અને પછી કાદર ખાનના બદનસીબે બિગ બીને ‘કૂલી’નો પેલો બહુ વગોવાયેલો ઍક્સિડન્ટ નડ્યો અને આખી વાત બગડી ગઈ. ઍક્સિડન્ટ પછી કામે લાગવાને બદલે અમિતાભ બચ્ચને પૉલિટિક્સમાં રસ લેવાનું શરૂ કરી દીધું અને પછી લોકસભા ઇલેક્શન લડ્યા એટલે ‘જાહિલ’ શરૂ થતાં પહેલાં જ અભેરાઈ પર ચડી ગઈ.

‘જાહિલ’ને કારણે જ એક સમયના ખાસ ભાઈબંધ બની ગયેલા અમિતાભ બચ્ચન અને કાદર ખાનના સંબંધોમાં પણ અંતર આવી ગયું અને પછી ધીમે-ધીમે બન્નેની ભાઈબંધી પર પૂર્ણવિરામ આવી ગયું.

કાદર ખાને કરીમ લાલાની લાઇફને એટલી નજીકથી જોઈ હતી અને તેમનો ભૂતકાળ એટલી વખત સાંભળ્યો હતો કે કાદર ખાને કરીમ લાલાની લાઇફમાં બનેલા કિસ્સાઓનો પણ ફિલ્મોમાં ભરપૂર ઉપયોગ કર્યો હતો. એવું કહીએ તો પણ કદાચ કશું ખોટું નહીં કહેવાય કે કરીમ લાલાની લાઇફના ઇન્ટરેસ્ટિંગ બનાવોમાંથી પચાસ ટકા ઘટનાઓ કાદર ખાને લખેલી ફિલ્મોમાં વપરાઈ ગઈ છે.

ખાન બન્યા લાલા

ફિલ્મ ‘અંગાર’ કાદર ખાને જ લખી હતી અને ફિલ્મનું જહાંગીર ખાનનું લીડ કૅરૅક્ટર પણ તેમણે જ કર્યું હતું. ‘અંગાર’નું આ કૅરૅક્ટર કાદર ખાને કરીમ લાલાનાં પાછળનાં વષોર્ના જીવન પર બનાવ્યું હતું. કરીમ લાલા અંતિમ વષોર્માં પોતાના ઘરે દરબાર ભરતા અને લોકો ત્યાં પ્રfનો લઈને આવતા, લાલા તેમનો ન્યાય કરતા. આ દરબારમાં આવતાં પહેલાં લાલા સફેદ વસ્ત્રો પહેરતા. જહાંગીર ખાન પણ ફિલ્મમાં એવંમ જ કરે છે અને દરબારમાં શ્વેત વસ્ત્રોમાં આવીને નિષ્પક્ષ રીતે ન્યાય કરે છે. ‘અંગાર’નો આ રોલ તેમને કરવો હતો એટલે તેમણે ફિલ્મના પ્રોડ્યુસર શશિલાલ નાયર પાસે શરત પણ મૂકી હતી કે તે આ સ્ટોરી તો જ આપશે જો એમાં તેમને જહાંગીર ખાનનું કૅરૅક્ટર કરવા મળે.

બાદશાહ લિપ્સ-રીડિંગના

કાદર ખાનને નજીકથી ઓળખનારાઓ સિવાય કોઈને ખબર નથી કે તે લિપ્સ-રીડિંગના બાદશાહ હતા. હોઠ ફફડે એટલે સામેની વ્યક્તિ શું બોલી એ કાદર ખાન પકડી પાડતા. કાદર ખાને પોતે જ એક વખત ‘મિડ-ડે’ને મનમોહન દેસાઈ સાથે બનેલો કિસ્સો કહ્યો હતો.

કાદર ખાન મનમોહન દેસાઈને મળવા ગયા ત્યારે મનમોહન દેસાઈ તેમની ચેમ્બરમાં બેઠા હતા. પાર્ટિશનના ગ્લાસમાંથી મનમોહન દેસાઈએ તેમને જોયા અને અંદર તેમની સાથે રહેલા સેક્રેટરીને તેમણે કહ્યું, ‘કૌન હૈ યે ઉલ્લુ કા પઠ્ઠા?’

‘રોટી’ ફિલ્મના ડાયલૉગ્સ માટે ત્યાં પહોંચેલા કાદર ખાનને આ સમજાઈ ગયું એટલે તેમણે અંદર જતાં જ મજાકમાં વાતની શરૂઆત કરી અને કહ્યું, ‘ઇસ ઉલ્લુ કે પઠ્ઠે કા નામ કાદર ખાન હૈ.’

થોડી વારની વાત પછી મનમોહન દેસાઈએ તેમને એક સિચુએશન આપીને કહ્યું કે આના ડાયલૉગ્સ ક્યારે લખીને આવશો. કાદર ખાને પાંચ મિનિટનો સમય માગ્યો અને બહાર બેસીને ડાયલૉગ્સ લખીને આપી દીધા. ધારણા બહારના ડાયલૉગ્સ અને એ પણ આટલી ઝડપ સાથે. મનમોહન દેસાઈ એવા ખુશ થયા કે તેમણે સિત્તેરના દશકમાં કાદર ખાનને એક લાખ રૂપિયાની સાઇનિંગ અમાઉન્ટ સાથે સાઇન કરી લીધા. એ સમયે મનમોહન દેસાઈ પાસે લાખ રૂપિયો ઘરમાં નહોતો એટલે તેમણે ૨૫,૦૦૦ રોકડા, સોનાની ચેઇન અને તોશિબા કંપનીનું બ્લૅક ઍન્ડ વાઇટ ટીવી કાદર ખાનને આપ્યું હતું.

kader khan bollywood news