ફિલ્મ ડિરેક્ટ કરવી એ એક સામાન્ય કર્મચારીના કામ જેવું છે : કંગના રનોટ

20 December, 2018 03:19 PM IST  | 

ફિલ્મ ડિરેક્ટ કરવી એ એક સામાન્ય કર્મચારીના કામ જેવું છે : કંગના રનોટ

કંગના રણૌત (ફાઇલ ફોટો)

કંગના રનોટનું કહેવું છે કે ફિલ્મ ડિરેક્ટ કરવી એ એક સામાન્ય કર્મચારીની જેમ કામ કરવા સમાન છે. ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ને ૨૦૧૫માં આવેલી ‘ગબ્બર ઇઝ બૅક’ના ડિરેક્ટર ક્રિશ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મના કેટલાક ભાગનું ફરી શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ક્રિશે તેની અન્ય ફિલ્મ એન. ટી. રામા રાવની બાયોપિકનું શૂટિંગ શરૂ કરી દીધું હતું. આ ફિલ્મ અને કંગનાની ફિલ્મના રીશૂટને લઈને તેના બન્ને શેડ્યુલ સાથે થઈ રહ્યાં હતાં. તેમ જ ફિલ્મના શૂટિંગને લઈને ક્રિશ અને ફિલ્મમેકર્સ વચ્ચે ક્રીએટિવ મતભેદ પણ થયા હોવાની ચર્ચા છે. આ કારણસર ક્રિશે એ દૃશ્યોનું શૂટિંગ કરવાનું માંડી વાળ્યું હતું અને ત્યાર બાદ કંગનાએ એનું શૂટિંગ કર્યું હતું.

શું તે ભવિષ્યમાં પણ ડિરેક્શન કરશે એનો જવાબ આપતા કંગનાએ કહ્યું હતું કે ‘કોઈ પણ કલાકાર તેમની ઍર-કન્ડિશન્ડ વૅનને છોડીને ધોમધખતા તડકામાં કામ કરવા નથી ઇચ્છતા. આથી હું હાલમાં મારી બહેનને કહી રહી હતી કે મને નથી ખબર પડતી કે મને કેમ એક ટેãક્નશ્યન તરીકે કામ કરવાનું પસંદ છે. કોઈ પણ ઍક્ટર નથી ઇચ્છતો કે તે ભરતડકામાં કામ કરીને પરસેવે રેબઝેબ હોય ત્યારે ૮૦ વ્યક્તિઓ તમારી પાસે આવીને સો સવાલો કરે. કોઈ કલાકાર પોતાની લક્ઝરી સુવિધાને છોડીને લોકેશનની રેકી કરવા નથી માગતો. મને એ ખબર નથી પડી રહી કે આ કામમાં એવું તે શું છે જેને કરવામાં હું ખૂબ કમ્ફર્ટેબલ મહેસૂસ કરું છું.

મને ખબર છે કે મને મેકઅપ લગાવવા નહીં મળે અને કોઈ સ્પેશ્યલ ટ્રીટમેન્ટ પણ નહીં મળે એમ છતાં ડિરેક્ટિંગ કરવું મને ખૂબ જ ગમે છે. ખરું કહું તો મારા મતે આ પૂરી રીતે એક સામાન્ય કર્મચારીના કામ જેવું છે, પરંતુ આ કામમાં કંઈ તો ખાસ વાત છે જે મને ખૂબ ગમે છે. મને એ ખબર નથી પડતી કે લોકો એને એક જૉબ તરીકે શું કામ જુએ છે. ફિલ્મ ડિરેક્ટ કરવામાં મને ખૂબ મજા આવે છે. મને લાગે છે કે ઍક્ટિંગ એક જૉબ છે, પરંતુ ડિરેક્ટ કરવું એક પ્રકારનું ફન છે. આશા રાખું છું કે મને ડિરેક્ટ કરવાની વધુ તક મળે અને હું સતત ડિરેક્શન કરતી રહું, કારણ કે મારા માટે આ એક ફસ્ર્ટ લવ જેવું છે.’

kangana ranaut bollywood