કાદર ખાન જે હીરોની સાથે કામ કરતા તેઓ સુપરસ્ટાર બની જતા

02 January, 2019 09:19 AM IST  | 

કાદર ખાન જે હીરોની સાથે કામ કરતા તેઓ સુપરસ્ટાર બની જતા

ગોવિંદા સંગ કાદર ખાન

વિશેષ લેખ - ગોવિંદા

કાદર ખાનસાબ ફક્ત મારા ગુરુ નહોતા, તેઓ મારા પિતા સમાન પણ હતા. તેમનો પ્રભાવ ખૂબ જ અદ્ભુત હતો. તેઓ જેમની પણ સાથે કામ કરતા અથવા તો તેમને મદદ કરતા એ સુપરસ્ટાર બની જતો હતો. મારી કરીઅરની શરૂઆતમાં મેં સેકન્ડ લીડ તરીકે ઘણી ફિલ્મો કરી હતી, જેમાં તેઓ લીડમાં હતા. તેઓ એક સારા આર્ટિસ્ટ હોવાની સાથે એક સારા વ્યક્તિ પણ હતા. અમે સાથે ૪૦થી પણ વધુ ફિલ્મો કરી છે અને તેમની સાથે કામ કરવાની મારી પાસે ઘણી સારી-સારી યાદો છે. તેમની સાથેની મારી પહેલી ફિલ્મ ‘પ્યાર કર કે દેખો’ ૩૦ વર્ષ પહેલાં હતી અને એમ છતાં મેં તેમના વ્યક્તિત્વમાં ક્યારેય પરિવર્તન નથી જોયું. ૧૯૯૦ના દાયકામાં ફિલ્મમેકર કયાં હીરો અને હિરોઇનને લેવા એ વિશે વિચારવા કરતાં અમારી જોડીને પસંદ કરવા માટે વધુ ઉત્સુક હતા. અમે એક ટીમ હતી જેમાં કરિશ્મા કપૂર, ડેવિડ ધવન, હિમાની શિવપુરી અને સતીશ કૌશિકનો સમાવેશ થતો હતો.

કાદર ખાન એનર્જીથી ભરપૂર હતા. તેમની સાથે કામ કરવું મતલબ એક એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરવા બરાબર હતું. કૅમેરાની સામે તેઓ ખૂબ જ નૅચરલ હતા અને તેઓ તેમના સાથી ઍક્ટરને ઍક્ટિંગ માટે સંકેત પણ આપતા હતા. મારી ઘણી ફિલ્મોમાં તેઓ કો-ઍક્ટર હોવાની સાથે ડાયલૉગ-રાઇટર પણ હતા. તેઓ તેમના અવાજમાં ડાયલૉગ રેકૉર્ડ કરીને મને મોકલતા જેથી ડાયલૉગના ઉચ્ચારણમાં હું કોઈ ભૂલ ન કરું. કો-ઍક્ટરને મદદ કરવા માટે આટલી મહેનત કોઈ અન્ય ઍક્ટરે કરી હશે એવું મને નથી લાગતું. અમિતાભ બચ્ચન, જિતેન્દ્ર, મિથુન ચક્રવર્તી અને મારા પર તમે એક નજર કરો તો તમને ખબર પડશે કે અમારી સફળતામાં તેમના દ્વારા લખવામાં આવેલા ડાયલૉગ ખૂબ જ મહત્વના છે. ‘દુલ્હે રાજા’, ‘આંખે’, ‘દીવાના મસ્તાના’, ‘રાજા બાબુ’ અને ‘કૂલી નંબર ૧’ અમારી શ્રેષ્ઠ ફિલ્મો છે. મારા કહેવાથી તેઓ દૃશ્યમાં ઘણું ઇમ્પþોવાઇઝેશન લાવતા અને લાઇનને પણ ઘણી ફની બનાવી દેતા હતા. તેઓ પ્રોફેસર હતા જેમણે અમને શીખવ્યું હતું કે જીવન કેવી રીતે જીવવું જોઈએ. મને અંગત રીતે પણ તેમની ખૂબ જ ખોટ સાલશે. તેમના આત્માને શાંતિ મળે એટલું જ હું ઇચ્છું છું.

ભાઈજાન મારા હીરો નંબર વન હતા

તેમનું કહેવું છે કે વો રાજા થા... પેન ઔર ઍક્ટિંગ સે ક્યા કમાલ કરતા થા

વિશેષ લેખ - ડેવિડ ધવન

મને ગઈ કાલે સવારે પાંચ વાગ્યે ખબર પડી કે ભાઈજાન (કાદર ખાન)નું મૃત્યુ થયું છે. મેં તેમના દીકરા સરફરાઝ સાથે વાત કરી હતી. તે ખૂબ જ રડી રહ્યો હતો, કારણ કે તેને ખબર છે કે તેના પિતા સાથે મારા સંબંધ કેવા છે. હું ખૂબ જ દુખી થઈ ગયો હતો અને હું પણ રડી પડ્યો હતો. તમે મને એ રીતે રડતો ક્યારેય નહીં જોયો હોય. મેં તેમની સાથે પહેલી વાર ૧૯૯૨માં આવેલી ‘બોલ રાધા બોલ’ કરી હતી અને છેલ્લી ફિલ્મ ૨૦૦૪માં આવેલી ‘મુઝસે શાદી કરોગી’ હતી. ‘બોલ રાધા બોલ’માં મારા જેવા ન્યુકમર સાથે કામ કરવા માટે તેઓ ખૂબ જ ઉત્સાહિત હતા. હું જ્યારે તેમને દૃશ્યનું વર્ણન કરતો ત્યારે તેઓ ખૂબ જ શાંતિપૂર્વક એને સાંભળતા હતા. રોલ હિલા કે રખ દિયા! તેમનું કામ ખૂબ જ અદ્ભુત હતું. તેઓ ખૂબ જ ચૅલેન્જિંગ પાત્ર પણ ખૂબ જ સરળતાથી કરતા. મને નથી લાગતું કે તેમના જેવા ઍક્ટર આપણને ફરી ક્યારેય મળશે. તેઓ મારા હીરો નંબર વન હતા અને મારી કરીઅરમાં ખૂબ જ મહત્વની વ્યક્તિ હતા. અમે સાથે ૧૫ ફિલ્મોમાં કામ કર્યું હતું અને દરેક ફિલ્મ હિટ રહી હતી. અમારી પ્રોફેશનલ રિલેશનશિપમાંથી પર્સનલ રિલેશનશિપ થઈ ગઈ હતી, જેને એક ફ્રેન્ડશિપ કહી શકો.

મેં પહેલી વાર જ્યારે તેમને પર્ફોર્મ કરતા જોયા ત્યારે મને ખૂબ જ શૉક લાગ્યો હતો. તેઓ કૅમેરાની સામે એક અલગ જ વ્યક્તિ બની જતા હતા અને ક્યારેય કોઈ તૈયારી નહોતા કરતા. આજે લોકો સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ દિવસો સુધી તૈયારી કરે છે. ખૂબ જ ઓછા સમયમાં કેવી રીતે ઍક્ટિંગ કરવી એની તેમને સમજ હતી. જો કોઈ ચૅલેન્જિંગ સીક્વન્સ હોય તો પણ મારે તેમને કહેવાની જરૂર નહોતી રહેતી. તેઓ એક એવા રેસ-ડ્રાઇવર હતા જે ખૂબ જ ફાસ્ટ હતા. ઘણી વાર હું કહેતો કે ‘ભાઈજાન, કુછ કરો ના? મઝા નહીં આ રહા હૈ.’ તેઓ તરત જ કંઈક જાદુ કરતા અને મજા આવી જતી.

તેમને જે મળવું જોઈતું હતું એ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ નથી આપ્યું. વો રાજા થા... પેન ઔર ઍક્ટિંગ સે ક્યા કમાલ કરતા થા. લોકોમાં એવી માન્યતા હતી કે તેઓ કૉમેડી ખૂબ જ સારી રીતે લખી જાણે છે, પરંતુ ઇમોશનલ લાઇન તેઓ ખૂબ જ અદ્ભુત રીતે લખતા. તેઓ દૃશ્યમાં પણ એવું કામ કરતા જાણે નિશાના પર તીર મારી દીધું હોય. જોકે તેઓ ક્યારેય એવું નહોતા દેખાડતા કે તેઓ શ્રેષ્ઠ ઍક્ટર કે લેખક છે.

તેઓ પદ્મશ્રી અવૉર્ડને લાયક છે, પરંતુ તેમને નથી મળ્યો. તેમને બૉલીવુડના પણ લિમિટેડ અવૉર્ડ મYયા છે. એક સમય એવો હતો કે સાઉથની ફિલ્મ-ઇન્ડસ્ટ્રી તેમના ખિસ્સામાં હતી. દરેક પ્રોડ્યુસર તેમને સાઇન કરવા માગતો હતો. તેઓ જ્યારે ઍરર્પોટ પર લૅન્ડ કરતા એટલે ચાર-પાંચ પ્રોડ્યુસર્સની કાર તેમને સાઇન કરવા માટે ઊભી રહેતી હતી.

તેઓ જ્યારે સેટ પર આવતા ત્યારે ખૂબ જ રિસ્પેક્ટ અને ડિગ્નિટી સાથે આવતા હતા. તેમનો એક સ્ટારનો ઑરા હતો. પઠાની મેં આતે થે, ગાડી સે ઉતર કે વૅન મેં જાતે થે ઔર સીન કે બારે મેં પૂછતે થે. તેઓ અમારી સાથે બેસીને ટાઇમ પાસ કરવાનું પસંદ નહોતા કરતા. તેઓ જ્યારે સેટ પર આવતા ત્યારે મારું કૉન્ફિડન્સ-લેવલ આપોઆપ વધી જતું હતું, કારણ કે મને ખબર હતી કે મારો બેસ્ટ ઍક્ટર આવી ગયો છે.

તેઓ બીમાર પડ્યા ત્યાર બાદ તેમની સાથે મારો કૉન્ટૅક્ટ એટલો બધો નહોતો રહ્યો, કારણ કે તેઓ વાત નહોતા કરી શકતા. છેલ્લાં દસ વર્ષમાં તેમણે ઘણું સહન કર્યું છે. તેઓ તેમની યાદશક્તિ પણ ખોઈ રહ્યા હતા. મારી એવી ઇચ્છા હતી કે વરુણ ધવનને ભાઈજાન સાથે કામ કરવાની તક મળે. જોકે હવે એ પૂરી નહીં થાય. હું ભાઈજાનને સૅલ્યુટ કરું છું.

kader khan bollywood news govinda