ટ્રેન્ડના વિરુદ્ધમાં કામ કરવું સરળ નથી : ઇમરાન હાશ્મી

26 December, 2019 04:05 PM IST  |  Mumbai Desk

ટ્રેન્ડના વિરુદ્ધમાં કામ કરવું સરળ નથી : ઇમરાન હાશ્મી

ઇમરાન હાશ્મીનું માનવું છે કે બૉલીવુડમાં ટ્રેન્ડના વિરુદ્ધમાં કામ કરવું સરળ બાબત નથી. તે‌ણે નિષ્ફળતાનો ડર છોડીને ફિલ્મોમાં રિસ્ક લેવાનું ચાલુ જ રાખ્યું છે. તેણે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની વેબ-સિરીઝ ‘બાર્ડ ઑફ બ્લડ’માં પણ કામ કર્યું છે. તે જલદી જ સંજય ગુપ્તાની ‘મુંબઈ સાગા’માં જોવા મળવાનો છે. ફિલ્મો વિશે જણાવતાં ઇમરાને કહ્યું હતું કે ‘એ ખૂબ જ જરૂરી છે કે તમારા કામ પ્રતિ તમે પૂરી રીતે સમર્પિત રહો. હું મારી દરેક ફિલ્મમાં અદ્ભુત અનુભવ લેવાનો પ્રયાસ કરું છું. તમે કોઈ ચોક્કસ સિનેમા માટે ઓળખાઓ છો. એવામાં તમે સાહસી કામ કરવા માગો છો અને ઇન્ડસ્ટ્રીમાં કંઈક નવું કરવાનો પ્રયાસ કરો છો. આ એક એવી બાબત છે કે તમે ટ્રેન્ડની વિરુદ્ધમાં જઈને કામ કરો છો જે એટલું સરળ પણ નથી. કોઈ વસ્તુ સફળ થશે કે નહીં એમાં જોખમ સમાયેલું હોય છે. જોકે હું એ જોખમ લેવા માટે તૈયાર છું, કારણ કે હું એ વાત બરાબર જાણું છું કે અલગ વિષયો અને કૅરૅક્ટર્સ કરીને એક સમયે એમાં હું જરૂર શ્રેષ્ઠ સાબિત થઈશ. મારા મત પ્રમાણે એ જ અગત્યનું છે.’
પોતાના પર આત્મવિશ્વાસ હોવો જરૂરી છે એવું જણાવતાં ઇમરાને કહ્યું હતું કે ‘જો એક કલાકાર તરીકે તમારા કામથી તમે સહમત હો અને તમારા કામને એન્જૉય કરો તો એનું સારું પરિણામ અચૂક મળે છે. એક એવો સમય પણ આવે છે જ્યારે કેટલીક વસ્તુઓ આપણા પક્ષમાં નથી હોતી. જોકે લોકો એ વાત તરફ ધ્યાન આપે છે કે કોઈ કલાકાર સારું કામ કરી રહ્યો છે. એ જ વિશ્વાસ મને કામ કરવા માટે પ્રેરણા આપે છે.’

emraan hashmi bollywood bollywood news bollywood gossips