હાથી મેરે સાથી જેવી ફિલ્મ બનાવવી અઘરી છે : રાણા દગુબટ્ટી

14 February, 2020 05:38 PM IST  |  Mumbai Desk

હાથી મેરે સાથી જેવી ફિલ્મ બનાવવી અઘરી છે : રાણા દગુબટ્ટી

રાણા દગુબટ્ટીનું માનવું છે કે ‘હાથી મેરે સાથી’ જેવી ફિલ્મ બનાવવી સરળ વાત નથી. ડિરેક્ટર પ્રભુ સોલોમોનની આ ફિલ્મ બીજી એપ્રિલે રિલીઝ થવાની છે. આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થશે. ફિલ્મમાં રાણા દગુબટ્ટીની સાથે પુલકિત સમ્રાટ અને શ્રીયા પિળગાંવકર પણ જોવા મળશે. પોતાના પાત્ર માટે રાણાને ૩૦ કિલો વજન ઘટાડવું પડ્યું હતું. ફિલ્મ વિશે રાણાએ કહ્યું હતું કે ‘આવી ફિલ્મ બનાવવી સરળ બાબત નથી. એમાં ઘણીબધી ચૅલેન્જિસ હતી. અમારે વાતાવરણ પ્રમાણે કામ કરવાનું હતું, ત્રણ ભાષાઓની સાથે જ હાથીઓ સાથે પણ તાલમેલ સાધવાનો હતો. સ્ટોરી આગળ ધપાવવા માટે હંમેશાં દરેક પરિબળ તમારી સાથે માફક નથી બેસતાં. ફિલ્મના મેકિંગને જોતાં હું બે વર્ષ પાછળ ચાલ્યો ગયો હતો. આજે હું તદ્દન અલગ વ્યક્તિ બની ગયો છું, કારણ કે આજે હું એ બધી વસ્તુઓ કરી શકું છું.’

પોતાના પાત્ર વિશે જણાવતાં રાણાએ કહ્યું હતું કે ‘હું જ્યારે ‘બાહુબલી’ બાદ પ્રભુસરને મળ્યો ત્યારે મારું વજન ખૂબ વધારે હતું. તો તેમણે કહ્યું હતું કે આ સંદર્ભે આપણે કંઈક કરીશું. અમે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે જો કોઈ વ્યક્તિ ઘણા સમય સુધી જંગલમાં રહેતી હોય તો એ વ્યક્તિ કેવી દેખાતી હશે, તેનો ખોરાક શું હશે અને તેની એ જ શારીરિક ક્ષમતા અમે લઈ આવ્યા હતાં.’

ફિલ્મની સ્ટોરી દ્વારા લોકોને પર્યાવરણના જતનનો એક સંદેશ આપવામાં આવશે એ વિશે રાણાએ કહ્યું હતું કે ‘આ ફિલ્મ સમાજને એક આઇનો દેખાડશે જે દેશ અને દુનિયામાં ચાલી રહ્યું છે. દરેક ઠેકાણે હાથીઓ જોવા મળે છે અને શહેરીકરણ થઈ રહ્યું છે. શહેરો છે જે વિકસિત થઈ રહ્યાં છે અને કુદરત સાથે ચેડાં કરે છે. ફિલ્મમેકર્સ અને કલાકારો તરીકે આવા મુદ્દાઓ પર ફિલ્મો દ્વારા અવાજ ઉઠાવવો જોઈએ. લોકોને વિવિધ મુદ્દાઓ પર મનોરંજન પીરસીને જાગૃત કરવા જોઈએ.’

bollywood bollywood news bollywood gossips rana daggubati