ફિલ્મોની પસંદગી માટે હું હંમેશાં મારા દિલની વાત સાંભળું છું : આમિર ખાન

21 January, 2019 11:17 AM IST  | 

ફિલ્મોની પસંદગી માટે હું હંમેશાં મારા દિલની વાત સાંભળું છું : આમિર ખાન

આમિર ખાન

આમિરની ‘સરફરોશ’, ‘લગાન’, ‘દિલ ચાહતા હૈ’, ‘૩ ઇડિયટ્સ’ અને ‘દંગલ’ જેવી અનેક ફિલ્મોએ બૉક્સ-ઑફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. ફિલ્મોની ચૉઇસ વિશે આમિર ખાને કહ્યું હતું કે ‘એક ક્રીએટિવ વ્યક્તિ તરીકે હું હંમેશાં મારા દિલની વાત સાંભળું છું. એવી ફિલ્મોમાં કામ કરું છું જે મારા દિલને સ્પર્શી જાય. આવી ફિલ્મોને માર્કેટની દૃષ્ટિએ હંમેશાં રિસ્કી માનવામાં આવે છે, પરંતુ જ્યારે આ ફિલ્મોને લોકો આવકારે છે તો એ મને ભરપૂર તાકાત અને આત્મવિશ્વાસ આપે છે.’

શનિવારે નૅશનલ મ્યુઝિયમ ઑફ ઇન્ડિયન સિનેમાની શરૂઆત થવા પર આમિરે એની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘હું સિનેમાનો વિદ્યાર્થી છું અને ઇતિહાસને પણ ખૂબ પ્રેમ કરું છું. આ મ્યુઝિયમ શરૂ થવાથી હું ખુશ છું. મને હંમેશાંથી ક્રીએટિવ લોકો વિશે જાણવાની ઉત્સુકતા રહી છે. જેમ કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની શરૂઆત કોણે કરી અને કોણે એ સાઇલન્ટ ફિલ્મો, ટૉકીઝ, બ્લૅક ઍન્ડ વાઇટ અને કલર ફિલ્મો બનાવી. ફિલ્મને સંબંધિત કોઈ પણ વ્યક્તિની બુક જ્યારે રિલીઝ થાય છે ત્યારે હું એને જરૂર ખરીદું છું. મને એ સમય વિશે જાણવું ખૂબ ગમે છે.’

બાળપણમાં અમને ફિલ્મના ગ્લૅમરથી દૂર રાખવામાં આવતા હતા : આમિર

આમિર ખાનનું કહેવું છે કે બાળપણમાં તેમને ફિલ્મના ગ્લૅમર વર્લ્ડથી દૂર રાખવામાં આવતા હતા. આમિરે હાલમાં જ એક ચૅટ-શોમાં પોતાની કઝિન નુઝત ખાન સાથે હાજરી આપી હતી. પોતાના બાળપણ વિશે જણાવતાં આમિરે કહ્યું હતું કે ‘અમે જ્યારે નાના હતા ત્યારે અમને ફિલ્મમેકિંગથી દૂર રાખવામાં આવતા હતા. અમને ભાગ્યે જ શૂટિંગમાં જવાની તક મળતી હતી. અમને માત્ર અમારા પિતા અને અંકલ નાસિર હુસેન જે ફિલ્મો બનાવતા એ જ જોવા મળતી હતી. જ્યારે પણ કોઈ રાઇટર કે ડિરેક્ટર મારા પિતા સાથે સ્ટોરી વિશે ચર્ચા કરવા આવતા, હું એક ખૂણામાં બેસીને તેમની સ્ટોરી સાંભળતો રહેતો.’

aamir khan bollywood news