ખડખડાટ હસાવતા ગુજરાતી કલાકાર દિનયાર કોન્ટ્રાક્ટરનું નિધન

05 June, 2019 12:49 PM IST  |  મુંબઈ

ખડખડાટ હસાવતા ગુજરાતી કલાકાર દિનયાર કોન્ટ્રાક્ટરનું નિધન

દિનયાર કોન્ટ્રાક્ટર (Image Courtesy : ANI)

બોલીવુડના જાણીતા ગુજરાતી કલાકર, કોમેડિયન અને થિયેટર આર્ટીસ્ટ દિનયાર કોન્ટ્રાક્ટરનું નિધન થયું છે. 79 વર્ષના દિનયાર કોન્ટ્રાક્ટર લાંબા સમયથી બીમાર હતા. તેઓ લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા.

મૂળ ગુજરાતી કલાકાર એવા દિનયાર કોન્ટ્રાક્ટર સ્કૂલ સમયથી જ એક્ટિંગમાં સક્રિય હતા. 1966માં તેમણે પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરી હતી. દિનયાર કોન્ટ્રાક્ટર સંખ્યાબંધ ગુજરાતી અને હિન્દી નાટકોમાં કામ કરી ચૂક્યા છે. ડીડી 2 ચેનલ શરૂ થઈ ત્યારે 'આઓ મરવા મેરી સાથે' નામનો શો પણ કર્યો હતો.

માર્ચમાં અમદાવાદની છેલ્લી મુલાકાત

છેલ્લે માર્ચ મહિનામાં જ દિનયાર કોન્ટ્રાક્ટર અમદાવાદ આવ્યા હતા. 27 માર્ચ એટલે કે વિશ્વ રંગભૂમિ દિવસે અમદાવાદમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. વિશાલા એવોર્ડથી એક્ટિંગ ક્ષેત્રે તેમનું સન્માન કરાયું હતું. આ અમદાવાદ ખાતેની તેમની છેલ્લી મુલાકાત હતી.

 

પદ્મશ્રીથી સન્માનિત

એક્ટિંગ ક્ષેત્રે શાનદાર પ્રદાન બદલ આ ગુજરાતી કલાકારનું પદ્મશ્રીથી સન્માન થઈ ચૂક્યુ છે. 2019માં જ રાષ્ટર્પતિ રામનાથ કોવિંદના હસ્તે તેમને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો.

 તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કરી ચૂક્યા છે કામ

દિનયાર કોન્ટ્રાક્ટરે બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ખાસ કરીને પારસી અંકલના રોલમાં તેઓ તમને યાદ હશે. બાઝીગર, 36 ચાઈના ટાઉન, ખિલાડી અને બાદશાહ જેવી તેમની જાણીતી ફિલ્મો છે આ ઉપરાંત તેમણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોઢીના સસરાનો રોલ કર્યો હતો.

આ પણ વાંચોઃ Bharat Movie Review:ફિલ્મ જોઈને તમે એકવાર તો ઉભા થઈ જ જશો

બુધવારે સાંજે થશે અંતિમ સંસ્કાર

દિનયાર કોન્ટ્રાક્ટરના આજે સાંજે જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર બુધવારે જ સાંજે 3.30 વાગે વર્લી, મુંબઈમાં કરવામાં આવશે.

bollywood badshah taarak mehta ka ooltah chashmah