૮૦ના દાયકાથી આજ સુધી મારાં ગીતોને પસંદ કરવામાં આવે છે : બપ્પી લાહિરી

20 February, 2020 03:19 PM IST  |  Mumbai Desk

૮૦ના દાયકાથી આજ સુધી મારાં ગીતોને પસંદ કરવામાં આવે છે : બપ્પી લાહિરી

બપ્પી લાહિરીનું કહેવું છે કે ૮૦ના દાયકાથી આજ સુધી તેમનાં ગીતોને લોકો પસંદ કરતા આવ્યા છે. ૧૯૮૪માં આવેલી ‘તોહફા’ના તેમના ગીત ‘એક આંખ મારું તો’નું રીમેક બનાવવામાં આવ્યું છે. ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ‘બાગી ૩’માં આ ગીતને ‘ભંકસ’ તરીકે રીક્રીએટ કરવામાં આવ્યું છે. ‘દસ બહાને ૨.૦’ બાદ ‘ભંકસ’ને પણ ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો છે. આ ગીતને ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું હતું અને એમાં રિતેશ દેશમુખ અને અંકિતા લોખંડેનાં લગ્નમાં ગાવામાં આવી રહ્યું છે. આ ગીતનું શૂટિંગ મુંબઈમાં ત્રણ દિવસ દરમ્યાન કરવામાં આવ્યું હતું જેમાં ૩૦૦થી વધુ બૅકગ્રાઉન્ડ ડાન્સર્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તનિષ્ક બાગચી દ્વારા રીક્રીએટ કરવામાં આવેલા આ ગીતમાં બપ્પી લાહિરી, દેવ નેગી અને જોનિતા ગાંધીએ અવાજ આપ્યો છે. આ વિશે બપ્પી લાહિરીએ કહ્યું હતું કે ‘૩૫ વર્ષ પહેલાં મેં જિતેન્દ્ર અને શ્રીદેવી માટે ‘એક આંખ મારું તો’ ગીત બનાવ્યું હતું. આ ગીત માટે મારી ખૂબ જ વાહવાહી થઈ હતી. ‘આંખ મારું’ પહેલી વાર કોઈ ગીતમાં ઉપયોગ કરવામાં આવ્યું હતું. ઇંદિવરજીએ ખૂબ જ સુંદર બોલ લખ્યા હતા. સાજિદ નડિયાદવાલાનો આઇડિયા હતો કે આ આઇકૉનિક ગીતને રીક્રીએટ કરવું જોઈએ. જોવા જઈએ તો વરુણ ધવન અને આલિયા ભટ્ટનું ‘તમ્મા તમ્મા’ પણ ખૂબ જ હિટ રહ્યું હતું. મને આશા છે કે શ્રદ્ધા અને ટાઇગરના આ ગીતને એવો જ પ્રતિસાદ મળે, કારણ કે ૮૦ના દાયકાથી આજ સુધી મારાં ગીતને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યાં છે.’

bappi lahiri bollywood bollywood news bollywood gossips