ડૉન દાઉદ ઇબ્રાહિમનો ભાઈ નૂરા હિન્દી ફિલ્મોનો ગીતકાર હતો!

17 January, 2020 03:07 PM IST  |  Mumbai Desk | Aashu Patel

ડૉન દાઉદ ઇબ્રાહિમનો ભાઈ નૂરા હિન્દી ફિલ્મોનો ગીતકાર હતો!

યસ, તમે સાચું જ વાંચ્યું છે. દાઉદ ઇબ્રાહિમના નાના ભાઈ નૂરા કાસકરે અનેક હિન્દી ફિલ્મ માટે ગીતો લખ્યાં હતાં. તમને લાગશે કે નૂરાએ માત્ર નાના-ફાલતુ બૅનરની ફિલ્મો માટે ગીતો લખ્યાં હશે, પણ નૂરાએ જે ફિલ્મમાં ટોચનાં હીરો-હિરોઇન હોય એવી ફિલ્મોમાં પણ ગીતો લખ્યાં હતાં. એમાંની બે નોંધપાત્ર ફિલ્મો ‘શ્રીમાન આશિક’ અને ‘પથ્થર કે ફૂલ’ હતી! (નૂરાનું પાકિસ્તાનમાં હાર્ટ-અટૅકથી મૃત્યુ થયું પછી તેના મુંબઈના વકીલે પણ આ વાત મીડિયાને કહી હતી).

‘શ્રીમાન આશિક’ ફિલ્મનો હીરો રિશી કપૂર હતો અને હિરોઇન હતી ઊર્મિલા માતોન્ડકર. એ ફિલ્મ દીપક આનંદે ડિરેક્ટ કરી હતી અને શકીલ નુરાનીએ પ્રોડ્યુસ કરી હતી. એ ફિલ્મનું સંગીત નદીમ-શ્રવણે આપ્યું હતું.

સલમાન ખાન, રવીના ટંડન અભિનીત ‘પથ્થર કે ફૂલ’માં નૂરા કાસકરને લિરિક્સ માટે ક્રેડિટ અપાઈ છે. દિગ્ગજ ફિલ્મનિર્માતા જી. પી. સિપ્પી નિર્મિત એ ફિલ્મ અનંત બાલાણીએ ડિરેક્ટ કરી હતી અને સલીમ ખાને લખી હતી અને એ ફિલ્મના બીજા ગીતકારો હતા દેવ કોહલી અને રવીન્દ્ર રાવલ. ‘પથ્થર કે ફૂલ’નાં ગીતો પૉપ્યુલર થયાં હતાં. એ ફિલ્મનું સંગીત સલમાનની સુપરહિટ ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ના સંગીતકાર રામ લક્ષ્મણે આપ્યું હતું. એ ફિલ્મનું લતા મંગેશકર અને એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમે ગાયેલું આ ગીત બહુ હિટ થયું હતું : ‘તુમ સે જો દેખતે હી પ્યાર હુઆ, ઝિંદગી મેં પહલી બાર હુઆ, તુમ ઇતને દિન થી કહાં, મૈં ઢૂંઢતા હી રહા, કભી લિંકિગ રોડ, કભી વૉર્ડન રોડ, કભી કેડલ રોડ, કભી પેડર રોડ...’ એ ગીત માટે દેવ કોહલી અને નૂરા કાસકરની ક્રેડિટ અપાઈ હતી. એ ગીત જોવું હોય તો એની લિન્ક આ રહી :

https://www.youtube.com/watch?v=Oc7n8x8Gy5c

નૂરાને કવિતા લખવાનો શોખ હતો. તે પોતાની કવિતા બૉલીવુડના ઘણા મિત્રોને સંભળાવતો હતો. તેને કેટલાક મિત્રોએ ફિલ્મોમાં ગીતો લખવા માટે પાનો ચડાવ્યો હતો. એ પછી નૂરાએ ગીતો લખવા માંડ્યાં (બાય ધ વે, નૂરા કાસકર અન્ડરવર્લ્ડ અને મુંબઈ પોલીસના ઘણા અધિકારીઓમાં પણ કવિ તરીકે જાણીતો હતો. હું ક્રાઇમ રિપોર્ટિંગ કરતો હતો એ સમય દરમિયાન ઘણા પોલીસ-ઑફિસર મિત્રો સાથે તેના વિશે વાત થાય ત્યારે તેઓ નૂરાનો ઉલ્લેખ કવિ તરીકે કરતા હતા).

નૂરાએ બૉલીવુડમાં ગીતકાર તરીકે પોતાનું સ્થાન જમાવવાની કોશિશ પણ કરી હતી! જોકે તેની કારકિર્દી ગીતકાર તરીકે જામી શકી નહીં. તેણે બે-ત્રણ ફિલ્મમાં ‘ઘોસ્ટ રાઇટર’ તરીકે (તેના નામ વિના, બીજાના નામ સાથે) પણ ગીતો લખ્યાં હતાં. તેને પછી જોકે કેટલીક ફિલ્મમાં ગીતકાર તરીકે ક્રેડિટ મળી હતી. દાઉદે મુંબઈ છોડ્યું એ પછી થોડાં વર્ષો બાદ નૂરાએ પણ મુંબઈ છોડી દેવું પડ્યું. બીજી બાજુ મુંબઈના સિરિયલ બૉમ્બ-બ્લાસ્ટ્સ પછી દાઉદ સાથે સંબંધ રાખતાં ડરવા માંડ્યા હતા. એટલે ‘ગીતકાર’ નૂરા કાસકરનું (ગીતકાર તરીકે) બાળમરણ થઈ ગયું.

નૂરા ફિલ્મોમાં નૂર કાસકર તરીકે ક્રેડિટ લેતો હતો. તેની ગીતકાર તરીકે ક્રેડિટ જોવી હોય તો આ રહી ‘શ્રીમાન આશિક’ ફિલ્મની ક્રેડિટ્સ, જેમાં નૂરા કાસકરને લિરિક્સ માટે નૂર કાસકર તરીકે ક્રેડિટ અપાઈ છે:https://www.imdb.com/title/tt0227496/fullcredits

bollywood bollywood news bollywood gossips dawood ibrahim