ડિરેક્ટર આશુતોષ ગોવારીકરને ઍક્ટર બનવું હતું!

14 February, 2020 06:01 PM IST  |  Mumbai Desk | Ashu Patel

ડિરેક્ટર આશુતોષ ગોવારીકરને ઍક્ટર બનવું હતું!

આશુતોષ ગોવારીકરની મહત્ત્વાકાંક્ષા હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના સ્ટાર બનવાની હતી. ૧૯૮૩થી આશુતોષ ગોવારીકરે ફિલ્મોમાં હીરો બનવા માટે કોશિશ શરૂ કરી હતી, પણ હીરો બનવાનું તેમનું સપનું અધૂરું જ રહ્યું. તેમને પહેલી તક હરિયાણાની એક ફિલ્મમાં મળી હતી. ‘જીત’ નામની એ ફિલ્મમાં તેમને નાનકડો રોલ મળ્યો હતો.
એ પછી કેતન મહેતાની ‘હોલી’ ફિલ્મમાં તેમને અભિનયની તક મળી. એ ફિલ્મમાં આશુતોષે રણજિત પ્રકાશ નામના વિદ્યાર્થીનો રોલ કર્યો હતો અને આમિર ખાને મદન શર્મા નામના વિદ્યાર્થીનો રોલ કર્યો હતો. આશુતોષનો એ ફિલ્મમાં મહત્ત્વનો રોલ હતો, જ્યારે અત્યારનો સુપરસ્ટાર આમિર ખાન એમાં તદ્દન મામૂલી વિદ્યાર્થી તરીકે ચમક્યો હતો!
કૉલેજ-કૅમ્પસમાં હિંસા પર બનેલી એ ફિલ્મના શૂટિંગ દરમ્યાન આમિર ખાન અને આશુતોષ ગોવારીકર મિત્રો બન્યા હતા. એ સમય દરમ્યાન આશુતોષની એ ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ કપૂર સાથે દોસ્તી થઈ હતી. જોકે ‘હોલી’ ફિલ્મ વખતે આશુતોષ કે આમિર ખાનને કોઈ ઓળખતું નહોતું. એ ફિલ્મમાં ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, પરેશ રાવલ, શ્રીરામ લાગુ, દીપ્તિ નવલ, મોહન ગોખલે, દીના પાઠક, કિટુ ગિડવાણી અને રાજ ઝુત્સી જેવાં કલાકારો હતાં.
એ પછી શાહરુખ જ્યારે ‘સરકસ’ સિરિયલમાં અભિનય કરતો હતો ત્યારે આશુતોષ પણ એમાં કામ કરતો હતો એને કારણે શાહરુખ સાથે પણ તેની દોસ્તી થઈ હતી (બાય ધ વે, શાહરુખની ‘કભી હા કભી ના’ ફિલ્મમાં પણ આશુતોષ ગોવારીકરે અભિનય કર્યો હતો. એ ફિલ્મમાં શાહરુખના ચાર-પાંચ દોસ્ત દર્શાવાયા હતા એમાંથી એક આશુતોષ ગોવારીકર હતો!). આશુતોષે જ્યારે પહેલી હિન્દી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેની ઇચ્છા શાહરુખને હીરો તરીકે સાઇન કરવાની હતી, પણ એ દરમ્યાન શાહરુખ બહુ મોટો સ્ટાર બની ગયો હતો એટલે આશુતોષની તેને પોતાની પ્રથમ ફિલ્મનો હીરો બનાવવાની ઇચ્છા પૂરી નહોતી થઈ.
૧૯૮૯માં આશુતોષની અનેક ફિલ્મો આવી હતી. જોકે એ બધામાં તેના નાનકડા રોલ હતા. ‘ગવાહી’, ‘કમલા કી મૌત’, ‘ગુંજ’ અને ‘સલીમ લંગડે પે મત રો’ જેવી ફિલ્મોની સાથે ૧૯૮૯માં તેમણે ‘સરકસ’ સિરિયલમાં અભિનય કર્યો હતો. એ પછી પણ ૧૧ વર્ષ સુધી આશુતોષ હીરો બનવા માટે સંઘર્ષ કરતા રહ્યા. તેમણે ૧૯૯૧માં ‘ઇન્દ્રજિત’, ૧૯૯૨માં ‘જાનમ’ અને ‘ચમત્કાર’, ૧૯૯૩માં ‘કભી હાં કભી ના’, ૧૯૯૪માં ‘વઝીર’ (મરાઠી), ૧૯૯૮માં ‘સરકારનામા’ (મરાઠી) અને ‘વોહ’ જેવી ફિલ્મોમાં નાના-નાના રોલ કર્યા હતા. ૧૯૯૪માં તેમને જૂના મિત્રો પ્રદીપ કપૂર (‘હોલી’ના પ્રોડ્યુસર) અને બી. પી. સિંઘે ‘સીઆઇડી’ ટીવી-સિરિયલમાં તક આપી. જોકે એમાં પણ તેમનો મુખ્ય રોલ નહોતો. આશુતોષ ગોવારીકરને અભિનયના મેદાનમાં બહુ તક ન મળી એટલે છેવટે તેમણે દિગ્દર્શક બનવાનું નક્કી કર્યું. ૧૯૯૫થી તેઓ ડિરેક્ટર તરીકે ફિલ્મ બનાવવા માંડ્યા હતા, પણ છેક ‘લગાન’ ફિલ્મ શરૂ થઈ ત્યાં સુધી આશુતોષ ‘સીઆઇડી’ સિરિયલમાં અભિનય કરતા હતા!

bollywood ashu patel bollywood news ashutosh gowariker bollywood gossips