ડિરેક્ટર અનુભવ સિંહાએ દિલ્હીમાં એન્જિનિયર તરીકે નોકરી સ્વીકારી લીધી હતી

04 May, 2020 08:25 PM IST  |  Mumbai Desk | Ashu Patel

ડિરેક્ટર અનુભવ સિંહાએ દિલ્હીમાં એન્જિનિયર તરીકે નોકરી સ્વીકારી લીધી હતી

અનુભવ સિન્હા

અલાહાબાદમાં જન્મેલા અનુભવ સિંહાએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું મજબૂત સ્થાન બનાવી લીધું છે, પરંતુ યુવાનીના એક તબક્કા સુધી તેમને કલ્પના પણ નહોતી કે તેઓ ફિલ્મ-ડિરેક્ટર બનશે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરશે!

અનુભવ સિંહાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે હું એક મિડલ ક્લાસ કુટુંબમાં જન્મ્યો હતો અને અમારા સમયમાં કરીઅર માટે બે જ વિકલ્પ રહેતા હતા. કાં તો એન્જિનિયર બનવું અને કાં તો ડૉક્ટર બનવું. મને પણ મારા પિતાએ એ બે વિકલ્પ જ આપ્યા હતા, પરંતુ મને લોહીથી ડર લાગતો હતો એટલે મેં ડૉક્ટરને બદલે એન્જિનિયર બનવાનું પસંદ કર્યું! 

 અનુભવ સિંહાએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કર્યું અને તેમણે એન્જિનિયરિંગની ડિગ્રી લીધી એ પછી તેમને નોકરીની દોઢ ડઝનથી વધુ ઑફર મળી હતી. તેમને ઇન્ડિયન ઍરફોર્સે પણ નોકરીની ઑફર આપી હતી.

એન્જિનિયરિંગની ડિગ્રી લીધા પછી તેમણે દિલ્હીની એક કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી સ્વીકારી લીધી. જોકે એક વર્ષ સુધી એ નોકરી કર્યા પછી તેમને રિયલાઇઝ થયું કે હું એન્જિનિયર તરીકે જિંદગી વિતાવવા માટે નથી સર્જાયો. તેમને સમજાયું કે હું મારું પોતાનું નહીં, મારા પિતાનું સપનું જીવી રહ્યો છું.

સ્કૂલના સમયમાં અનુભવ સિંહાને મ્યુઝિકમાં અને નાટ્ય પ્રવૃત્તિઓમાં રસ પડતો હતો. અનુભવ સિંહાએ એન્જિનિયર તરીકે નોકરી છોડી દીધી અને મ્યુઝિક કે ફિલ્મમેકિંગના ક્ષેત્રે કંઈક કામ શોધવાની કોશિશ શરૂ કરી દીધી. એક વર્ષ સુધી નોકરી વિના રહ્યા પછી તેમની હાલત કફોડી થઈ ગઈ. એ દિવસોમાં તેમની બચત ખતમ થઈ ગઈ અને તેઓ દિવસમાં માંડ એક વખત ખાઈ શકતા હતા. એક વર્ષ પછી તેમના કોઈ ફ્રેન્ડના મોટા ભાઈએ તેમને ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા માટે અસિસ્ટન્ટ તરીકે કામ પર રાખ્યા. 

એ પછી અનુભવ સિંહાએ મુંબઈ જવાનો નિર્ણય કર્યો.  તેમના બનારસમાં રહેતા પિતા પાસે જઈને હિંમત એકઠી કરીને તેમણે કહ્યું કે મારે ફિલ્મમેકર બનવું છે.  તેમના પિતાએ તેમને કહ્યું કે તને જે ઇચ્છા થાય એ કર. અનુભવ સિંહાને આશ્ચર્ય થયું. તેને એમ હતું કે ઠપકો પડશે. એના બદલે તેમના પિતાએ તેમને તરત પરવાનગી આપી દીધી હતી.

અનુભવ સિંહા તરત જ બનારસથી દિલ્હી પાછા ગયા અને તેમણે તેમની બૅગ્સ પૅક કરી અને તેઓ મુંબઈ આવી ગયા. એ વખતે મુંબઈમાં તેઓ કોઈને નહોતા ઓળખતા. તેમની પાસે કોઈનો ફોન-નંબર પણ નહોતો. તેઓ 4 ડિસેમ્બર, 1990ના દિવસે મુંબઈ આવ્યા હતા. એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે હું મુંબઈમાં એ વખતે કોઈને ઓળખતો નહોતો, પરંતુ હું કામ શોધવા લાગ્યો અને મેં ડિરેક્ટર્સના અસિસ્ટન્ટ તરીકે કામ શરૂ કર્યું. ટેલિવિઝન સિરિયલમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે  કામ કર્યું અને મ્યુઝિક વિડિયોઝ માટે પણ તેઓ અનેક ડિરેક્ટરના સહાયક બન્યા. એક દાયકા સુધી સ્ટ્રગલ કર્યા પછી 2000માં તેમને પ્રથમ બ્રેક મળ્યો અને તેમને તેમની ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ બનાવવાની તક મળી.

bollywood ashu patel bollywood news anubhav sinha