તમે નવાઝુદ્દીનને સરફરોશ, શૂલ અને મુન્નાભાઈ એમબીબીએસમાં જોયો હતો?

23 December, 2019 11:19 AM IST  |  Mumbai | Ashu Patel

તમે નવાઝુદ્દીનને સરફરોશ, શૂલ અને મુન્નાભાઈ એમબીબીએસમાં જોયો હતો?

મુન્નાભાઈ એમબીબીએસમાં નવાઝુદ્દીન સિદ્દીકીની એક ઝલક

સફળ ઍક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીએ હિન્દી ફિલ્મોમાં રોલ મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. દિલ્હીની પ્રતિષ્ઠિત નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં અભ્યાસ પૂરો કર્યા પછી નવાઝુદ્દીન અભિનેતા બનવા ૧૯૯૬માં મુંબઈ આવ્યો હતો, પણ ત્રણ વર્ષ સુધી તેને કોઈ તક નહોતી મળી. છેવટે ૧૯૯૯માં તેને જૉન મૅથ્યુ મથાનની ‘સરફરોશ’ ફિલ્મમાં તક મળી, પણ એ ફિલ્મમાં તે માત્ર એક સીનમાં જ દેખાયો હતો. એ ફિલ્મમાં કેટલાક ગુંડાઓ વિલન વિશે માહિતી આપતા નથી ત્યારે એસીપી રાઠોડનો રોલ કરતો આમિર ખાન ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવતા મુકેશ રિશીને કહે છે, ‘ગોલી માર દો! પર ગોલી કાન સે દો ઇંચ દૂર સે જાની ચાહિયે!’ એ પછી મોતના ખોફથી એક ગુંડો રડી પડે છે અને વિલન સુલતાન અને હાજીશેઠ વિશે બધી માહિતી આપી દે છે. એ ગુંડાનું પાત્ર નવાઝુદ્દીને ભજવ્યું હતું! 

૧૯૯૯માં આવેલી ‘શૂલ’ ફિલ્મમાં મનોજ વાજપેયી અને રવીના ટંડન એક સીનમાં એક રેસ્ટોરાંમાં જાય છે ત્યાં એક વેઇટર કાન અને માથા વચ્ચે ભરાવેલી પેન કાઢીને ઑર્ડર લે છે. એ વેઇટરનું પાત્ર નવાઝુદ્દીને ભજવ્યું હતું. એ ફિલ્મમાં પણ નવાઝુદ્દીન માત્ર થોડી વાર માટે જ દેખાયો હતો.

૨૦૦૩માં આવેલી ‘મુન્નાભાઈ એમબીબીએસ’ ફિલ્મમાં મુન્નાભાઈનો રોલ કરતા સંજય દત્તનાં માતાપિતાનું પાત્ર ભજવતાં રોહિણી હટ્ટંગડી અને સુનીલ દત્ત ગામથી મુંબઈ આવે છે ત્યારે એક ખિસ્સાકાતરુ તેમનું પાકીટ તફડાવી લે છે. સુનીલ દત્ત તેને પકડી પાડે છે અને પ્લૅટફૉર્મ પર ઊભેલા લોકો ખિસ્સાકાતરુની ધુલાઈ કરી નાખે છે. એ વખતે સુનીલ દત્ત તેને પબ્લિકથી બચાવે છે. એ ખિસ્સાકાતરુના મોઢામાંથી લોહી વહી રહ્યું હોય છે. સુનીલ દત્ત તેને પોતાની સાથે લઈ જાય છે અને ડૉક્ટર હોવાનો ડોળ કરતા મુન્નાભાઈને કહે છે કે આની સારવાર કર. એ ગુંડો મુન્નાભાઈને ડૉક્ટરના વેશમાં જોઈને ચોંકી જાય છે અને આશ્ચર્યથી કહે છે, ‘તૂ? ડૉક્ટર?’ એ વખતે મુન્નાભાઈ તેના સાથીગુંડાઓને કહે છે કે ‘ઇમર્જન્સી કેસ છે, તાત્કાલિક સારવાર કરો.’ મુન્નાભાઈના સાથીદારો એ ખિસ્સાકાતરુને અંદરની રૂમમાં લઈ જઈને તેને બેરહેમીથી ફટકારે છે. એ ખિસ્સાકાતરુનો રોલ નવાઝુદ્દીને ભજવ્યો હતો.

આવી રીતે ૨૬ ફિલ્મોમાં ગુંડા, વેઇટર અને ખિસ્સાકાતરુ જેવા મામૂલી રોલમાં એક સીન પૂરતા દેખાયા પછી નવાઝુદ્દીનને ૨૦૧૦માં ‘પિપલી લાઇવ’ ફિલ્મમાં પત્રકાર તરીકે નોંધપાત્ર રોલ મળ્યો. એ રોલને કારણે બૉલીવુડમાં તેની નોંધ લેવાતી થઈ. ત્યાર બાદ ૨૦૧૨માં ‘કહાની’ અને ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ ફિલ્મથી તેની કરીઅરને વેગ મળ્યો. એટલે કે દોઢ દાયકાના ભયંકર સંઘર્ષ પછી નવાઝુદ્દીનને સફળતા મળી હતી.

આ પણ વાંચો : ફિલ્મ કરતાં દેશમાં ચાલી રહેલો મુદ્દો અગત્યનો : સોનાક્ષી સિંહા

૨૦૦૨થી ૨૦૦૫ દરમ્યાન નવાઝુદ્દીનની સ્થિતિ બહુ ખરાબ હતી. તે ચાર છોકરાઓ સાથે એક ફ્લૅટમાં રહેતો હતો, પણ તેના ભાગે આવતું ભાડું તે ચૂકવી શકતો નહોતો એટલે તેણે એ ફ્લૅટ છોડવો પડ્યો હતો. એ દિવસોમાં તેણે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં તેના સિનિયર રહી ચૂકેલા એક મિત્રને વિનંતી કરી કે મને તમારી સાથે રહેવા દો. તે મિત્રએ શરત મૂકી હતી કે તું દરરોજ મારા માટે રસોઈ બનાવી આપે તો તને મારા ફ્લૅટમાં રહેવા દઉં અને નવાઝુદ્દીને એ શરત સ્વીકારવી પડી હતી!

nawazuddin siddiqui munna bhai mbbs bollywood news entertaintment