દરેક વૃક્ષ પર સરકારનો જેટલો અધિકાર છે એટલો જ નાગરિકોનો છે: રિતેશ દેશમુખ

08 October, 2019 04:14 PM IST  |  મુંબઈ ડેસ્ક

દરેક વૃક્ષ પર સરકારનો જેટલો અધિકાર છે એટલો જ નાગરિકોનો છે: રિતેશ દેશમુખ

રિતેશ દેશમુખ

મુંબઈ : (આઇ.એ.એન.એસ.) આરે કોલોનીમાં ઝાડનું જે રીતે નિકંદન કાઢવામાં આવ્યું છે એનાં પર રિતેશ દેશમુખે જણાવ્યું હતું કે દરેક ઝાડ પર સરકારની સાથે નાગરીકોનો પણ હક્ક છે. મેટ્રોના કાર શેડ માટે બૃહન્મુંબઈ મહાનગર પાલિકાએ ૨,૭૦૦ ઝાડ કાપવાની મંજુરી આપી હતી. એને જોતાં સામાન્ય નાગરીકોની સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી પણ આરેનાં વૃક્ષોનાં બચાવમાં અવાજ બુલંદ કરવામાં આવી રહ્યો છે. એ વિશે પ્રતિક્રિયા આપતા રિતેશે કહ્યું હતું કે ‘આપણે સૌને યોગ્ય અર્બનાઇઝેશનની જરૂર છે, પરંતુ વૃક્ષો કાપવા એ એનો ઉકેલ નથી. મારું માનવું છે કે લોકશાહીવાળા દેશમાં દરેક નાગરીકને વિરોધ કરવાનો અધિકાર છે. દરેક ઝાડ પર જે રીતે સરકારનો અધિકાર છે એ જ રીતે નાગરીકનો પણ છે. મેં અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મારા અન્ય સાથી કલાકારોએ આરે કોલોનીમાં કરવામાં આવેલા વૃક્ષોનાં નિકંદન પર પોતાનાં વિચારો વ્યક્ત કર્યા છે. આ ખરેખર ખૂબ જ દુ:ખની બાબત છે કે કોર્ટે આદેશ આપવા છતાં પણ ૧૫ દિવસની રાહ જોયા વગર બે હજાર ઝાડોને કાપવામાં આવ્યા છે. અર્બનાઇઝેશનની અગત્યતા હું પણ સમજું છું. જોકે એવા વિકાસનો શો અર્થ જે ટકાઉ ના હોય અને લોકોને શ્વાસ લેવા માટે સ્વચ્છ હવા ના આપી શકે.’

પર્યાવરણ વિશે લોકોમાં સજાગતા લાવવા પર ભાર મુકતા રિતેશે કહ્યું હતું કે ‘હું એમ નથી કહેતો કે શહેરમાં જેટલી પણ બિલ્ડિંગો છે એ બધી ઇકો-ફ્રેન્ડલી હોય, પરંતુ ડેવલપર્સ હવે આ દિશામાં કામ કરવા લાગ્યા છે કારણ કે આપણી આસપાસ આ વિષય પર ચર્ચા થવા લાગી છે. આની શરૂઆત કરવા માટે આપણને લોકોમાં પણ જાગૃતિ લાવવાની રહેશે. દરેક વ્યક્તિની એ જવાબદારી છે કે તેઓ લોકો માટે જ્યારે જમીન પર વિકાસની શરૂઆત કરે તો એ વાતની પણ ખાતરી રાખે કે એ ઇકો-ફ્રેન્ડલી હોય. આટલુ જ નહીં કુદરત સાથે પણ એનો તાલમેળ બેસવો જોઈએ. આપણને શ્વાસ લેવા માટે શુદ્ધ હવા મળવી જોઈએ. પ્રકૃતિ વગર તો એ આપણને ના મળી શકે. યોગ્ય વિકાસ ખૂબ જરૂરી છે.’
ઝાડ જે રીતે કાપવામાં આવે છે એને જોતા આવનારી પેઢીને કેવુ વાતાવરણ મળશે એ વિશે રિતેશે કહ્યું હતું કે ‘હરિયાળીનો જે રીતે વિનાશ કરવામાં આવી રહ્યો છે એને જોતા સવાલ એ ઊભા થાય છે કે આપણી આવનારી પેઢીને આપણે કેવા પ્રકારનો વિકસીત દેશ આપીશું. આપણે એમ કહીએ છીએ કે અમે ૨૦ હજાર વૃક્ષોને વાવીશું, પરંતુ મારો સવાલ એ છે કે એમાંથી કેટલા બચી શકશે? આ ઝાડ છેલ્લા સો વર્ષોથી આરે કોલોનીમાં છે. આજે તો આપણે છોડ રોપીશુ અને આવતીકાલે ફરીથી એને કાપી નાખીશું. આ રીતે તો આપણાં ઉદ્દેશમાં આપણે સફળ નહીં થઈ શકીશું. ઝાડ વાવવા એ જ હંમેશાં ઉકેલ નથી હોતો. જુના વૃક્ષોનું જતન કરવુ અને હરિયાળીને જાળવી રાખવી પણ જરૂરી છે.’

riteish deshmukh bollywood bollywood news