૨૦૨૦માં ફરી ત્રણ ફિલ્મો લઈને આવી રહ્યો છે આયુષ્માન ખુરાના

01 October, 2019 03:39 PM IST  |  મુંબઈ | હર્ષ દેસાઈ

૨૦૨૦માં ફરી ત્રણ ફિલ્મો લઈને આવી રહ્યો છે આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

મુંબઈ : આયુષ્માન ખુરાના આગામી વર્ષમાં પણ ફિલ્મોની લાઇન લગાવી દેશે. આયુષ્માને સતત છ હિટ ફિલ્મો આપી છે. તેની બે ફિલ્મો સો કરોડની ક્લબમાં દાખલ થઈ ગઈ છે. તેની ફિલ્મોમાં કન્ટેન્ટ હોય છે અને એથી જ દર્શકોને એ વધુ પસંદ પડે છે. ‘ડ્રીમ ગર્લ’ની સફળતા બાદ નવેમ્બરમાં તેની ‘બાલા’ રિલીઝ થવાની છે. આ ફિલ્મ બાદ ૨૦૨૦માં પણ તે ત્રણ ફિલ્મ લઈને આવશે. શૂજિત સરકારની ‘ગુલાબો સિતાબો’ અને આનંદ એલ. રાયની ‘શુભ મંગલ ઝ્‌યાદા સાવધાન’ આવતાં વર્ષે આવવાની છે. આ સાથે જ વધુ એક ફિલ્મની પણ જાહેરાત બહુ જલદી કરવામાં આવશે. આ વિશે આયુષ્માન ખુરાના કહે છે, ‘મારા માટે ૨૦૨૦નું વર્ષ હૅક્ટિક પરંતુ એક્સાઇટિંગ લાગી રહ્યું છે. મારી ફરી ત્રણ ફિલ્મો રિલીઝ થવાની છે અને આ તમામ અલગ ફિલ્મો દર્શકો સુધી પહોંચાડવા માટે હું ખૂબ જ ઉત્સુક છું. આ તમામ ફિલ્મની સ્ટોરી એકદમ અલગ છે.’

આયુષ્માનની ફિલ્મોમાં રિયલ વ્યક્તિની સ્ટોરી જોવા મળે છે. કન્ટેન્ટ કિંગ છે એ તેની ફિલ્મો દ્વારા સાબીત થાય છે. આ વિશે વધુ જણાવતાં આયુષ્માન કહે છે, ‘રિયલ વ્યક્તિ, તેમની લાઇફ અને સંજોગોને સ્ક્રીન પર રજુ કરવામાં મને પ્રેરણા મળે છે અને એથી જ હું મારી ફિલ્મના રિયલ હીરો તેમને માનુ છું. આગામી વર્ષ પણ એવું જ રહેવાનું છે. આ ફિલ્મોની સાથે હું અન્ય ઘણી નવી જાહેરાત કરીશ અને હું જલદી એનું શૂટિંગ પણ શરૂ કરીશ. ૨૦૨૦નું વર્ષ મારા માટે ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે અને હું એ માટે ખૂબ જ ઉત્સાહિત છું.’

ayushmann khurrana bollywood bollywood events bollywood news bollywood gossips