હું ખૂબ ખુશ છું કે મેં મારી સહજબુદ્ધિથી ફિલ્મની પસંદગી કરી છે: આયુષ્માન

08 July, 2019 09:52 AM IST  |  મુંબઈ

હું ખૂબ ખુશ છું કે મેં મારી સહજબુદ્ધિથી ફિલ્મની પસંદગી કરી છે: આયુષ્માન

આર્ટિકલ 15

‘આર્ટિકલ 15’ને મળી રહેલી સફળતાને જોતાં આયુષ્માન ખુરાનાએ જણાવ્યું હતું કે તે ખુશ છે કે તે‌ણે તેની સહજબુદ્ધિથી ફિલ્મની પસંદગી કરી છે. આયુષ્માને ‘વિકી ડોનર’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેણે ‘દમ લગા કે હઇશા’, ‘અંધાધૂન’ અને ‘બધાઈ હો’માં કામ કર્યું હતું. આ ફિલ્મો લોકોને ખૂબ પસંદ પડી હતી. આયુષ્માનનું એમ પણ કહેવું છે કે વર્તમાનમાં કન્ટેન્ટ કિંગ સાબિત થયું છે. ૨૮ જૂને રિલીઝ થયેલી આ ફિલ્મને અનુભવ સિંહાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મે અત્યાર સુધીમાં ૩૬.૮૬ કરોડનું કલેક્શન મેળવ્યું છે. ફિલ્મને લઈને આયુષ્માને કહ્યું હતું કે ‘ફિલ્મ ‘આર્ટિકલ 15’માં કામ કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો. હું ખુશ છું કે મેં ફરીથી મારી સહજબુદ્ધિથી ફિલ્મની પસંદગી કરી છે અને વિશ્વાસ રાખ્યો છે કે કન્ટેન્ટ હંમેશાં કિંગ હોય છે. ફિલ્મને દેશમાં જે રીતે સ્વીકારવામાં આવી છે એનાથી હું અતિશય ખુશ થયો છું. ફિલ્મની પ્રશંસા કરતાં લોકોના મને અસંખ્ય મેસેજિસ મળી રહ્યા છે. હું એટલું જરૂર કહીશ કે તમારો પ્રેમ મારા માટે મોટો સપોર્ટ છે. લોકોના રિસ્પૉન્સથી હું ખુશ થયો છું.’

આયુષ્માન ખુરાનાની આર્ટિકલ 15ને લોકોએ આપેલા પ્રેમથી તે અતિશય ખુશ છે

આયુષ્માન ખુરાનાએ જણાવ્યું હતું કે તેની ‘આર્ટિકલ 15’ને લોકો દ્વારા આપવામાં આવેલા પ્રેમથી તે ખૂબ ખુશ છે. પોતાની ખુશી વ્યક્ત કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘અમારી ફિલ્મને દર્શકોનો અને ક્રિટીક્સનો જે પ્રેમ મળ્યો છે એનાથી હું ખૂબ ખુશ છું. અમે ખૂબ જ સંવેદનશીલ અને અગત્યના મુદ્દા પર ચર્ચા કરવામાં આવે એવો પ્રયાસ કર્યો હતો સાથે જ આ ફિલ્મ લોકોને પણ ખૂબ પસંદ પડી રહી છે એ અમારા માટે ખુશીની વાત છે. ફિલ્મને મળેલા લોકોના રિસ્પૉન્સથી દેશમાં હવે કલમ ૧૫ને લઈને સમાનતા અને મૂળભૂત અધિકાર પર ચર્ચા થવા લાગી છે. હું ખુશ છું કે એક કલાકાર તરીકે મેં એ વિષયને વાચા આપી છે અને આ મહત્વની ફિલ્મમાં કામ કર્યું છે.’

આયુષ્માન ખુરાના અને યામી ગૌતમે એન્જૉય કરી ‘બાલા’ની રૅપ-અપ પાર્ટી

‘બાલા’નું શૂટિંગ પૂરું થતાં આયુષ્માન ખુરાના અને યામી ગૌતમે રૅપ-અપ પાર્ટી એન્જૉય કરી હતી. આ ફિલ્મમાં આયુષ્માન એક એવા વ્યક્તિના પાત્રમાં જોવા મળશે જેના માથા પર વાળ નથી. ફિલ્મમાં ભૂમિ પેડણેકર પણ અગત્યની ભૂમિકામાં જોવા મળવાની છે. ફિલ્મની ટીમે કેક-કટિંગ કરીને સેલિબ્રેશન કર્યું હતું. ફિલ્મની રૅપ-અપ પાર્ટીનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને યામીએ ટ્વીટ કર્યું હતું કે ‘દરેક વસ્તુમાં સુંદરતા હોય છે. જોકે બધા એને જોતા નથી. ‘બાલા’ની ફની જર્ની સમાપ્ત થઈ ગઈ. તમારા સૌની સાથે આ સ્પેશ્યલ ફિલ્મને શૅર કરવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છું.’

આ પણ વાંચો : બોક્સ ઓફિસ કલેક્શન: 50 કરોડનો આકડો પાર કરી શકે છે આર્ટિકલ 15

આ ફિલ્મને ‘સ્ત્રી’ના પ્રોડ્યુસર દિનેશ વિજને પ્રોડ્યુસ અને ‘સ્ત્રી’ના ડિરેક્ટર અમર કૌશિકે ડિરેક્ટ કરી છે. આ વર્ષે ૨૨ નવેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મને લઈને પોતાની ભાવના વ્યક્ત કરતાં આયુષ્માને ટ્‍‍વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘અને આ ‘બાલા’ની રૅપ-અપ છે. આ ફિલ્મમાં સુંદરતાની વ્યાખ્યા સામાન્ય પરંતુ મનોરંજક ઢબે રજૂ કરવામાં આવી છે. દિનેશ વિજન, અમર કૌશિક, ભૂમિ પેડણેકર, યામી ગૌતમ અને ફિલ્મની પૂરી ટીમને થૅન્ક યુ. ૨૦૧૯નો નવેમ્બર સ્પેશ્યલ રહેવાનો છે.’

ayushmann khurrana bollywood news