અનુ મલિકે ઇન્ડિયન આઇડલ 11માંથી જજ તરીકે નામ હટાવી લેતાં સોનાએ કહ્યું...

22 November, 2019 11:57 AM IST  |  Mumbai | Shaheen Parkar, Sonia Lulla

અનુ મલિકે ઇન્ડિયન આઇડલ 11માંથી જજ તરીકે નામ હટાવી લેતાં સોનાએ કહ્યું...

અનુ મલિક અને સોના મોહપાત્રા

સોની ટીવી પર આવતા શો ‘ઇન્ડિયન આઇડલ ૧૧’ના જજ તરીકે અનુ મલિક હવે જોવા નહીં મળે. સપ્ટેમ્બરમાં #MeToo કૅમ્પેન હેઠળ અનુ મલિક પર ઘણી સેલિબ્રિટીઝે સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. આ સેલિબ્રિટીઝમાં સોના મોહપાત્રા, શ્વેતા પંડિત અને નેહા ભસીન સાથે અન્ય લોકોનો સમાવેશ છે. આ કારણસર ગઈ કાલે અનુ મલિકે જજ તરીકેની ભૂમિકા છોડી દીધી હતી. આ વિશે વધુ જણાવતાં સૂત્રે કહ્યું હતું કે ‘અનુ મલિકે બપોરે શોમાં જજની ભૂમિકા નહીં ભજવે એની જાણ કરી હતી. મંગળવારે તેમણે શો માટે શૂટિંગ કર્યું હતું જે આ વીક-એન્ડમાં રજૂ કરવામાં આવશે. ચૅનલ હાલમાં તેમના રિપ્લેસમેન્ટ માટે શોધખોળ કરી રહી છે.’

અનુ મલિકને શોમાંથી કાઢવામાં ન આવ્યો હોવાથી તેની અને શોની સતત ટીકા કરવામાં આવી રહી હતી. આ વિશે ચૅનલે ચુપકીદી સાધી એક પછી એક એપિસોડનું શૂટિંગ ચાલુ રાખ્યું હતું. અનુ મલિકે શોને જજ નહીં કરવાનો નિર્ણય લીધો એની પાછળ ઘણાં કારણો છે અને એમાંથી એક છે યુનિયન વુમેન ઍન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીને કરવામાં આવેલી અપીલ. સ્મૃતિ ઈરાનીએ મંગળવારે ટ્વીટ કર્યું હતું કે સેક્સ્યુઅલ ઑફેન્ડર્સ તરફ સરકાર હવે મક્કમ પગલાં લઈ રહી છે. આ ટ્વીટને કારણે સોના મોહપાત્રાએ ટ્વીટ કરી હતી કે ઘણી મહિલાઓએ અનુ મલિક પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂક્યો હોવા છતાં તે હજી કેવી રીતે સોની ચૅનલ સાથે કામ કરી રહ્યો છે. આ ટ્વીટ નૅશનલ કમિશન ઑફ વિમેનની નજરમાં આવતાં તેમણે તરત જ સોની ટીવીને લેટર લખ્યો હતો.

આ વિશે વધુ જણાવતાં ‘મિડ-ડે’ને સોના મોહપાત્રાએ કહ્યું હતું કે ‘અનુ મલિક પર આટલીબધી મહિલાઓએ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂક્યો હતો એમ છતાં તે જજની ભૂમિકા ભજવી રહ્યો હતો એથી સોની ટીવી એવો મેસેજ આપી રહ્યું હતું કે મહિલાઓની સેફ્ટી અને ડિગ્નિટી તેમને માટે મહત્વની નથી. તેઓ સોસાયટીમાં રહેલા આવા અન્ય લોકોને કહી રહ્યા હતા કે તમે ગમે એવાં દુષ્કર્મો કરીને એમાંથી છટકી શકો છો. જોકે આ અમારી બધાની જીત છે. #MeToo કૅમ્પેનનું આ બીજું ચૅપ્ટર છે. મારું માનવું છે કે સ્મૃતિ ઈરાનીને મેં લખેલો લેટર કામ આવ્યો.’

અનુ મલિકે હાલમાં ઓપન લેટર લખ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે આ બધા આરોપને વેરિફાઇ કરવામાં નથી આવ્યા. આ માટે નેહા ભસીને પણ તેની ઝાટકણી કાઢી હતી. શોમાં જજ તરીકે જોવા નહીં મળે એ વિશે ‘મિડ-ડે’ને નેહાએ કહ્યું હતું કે ‘ચૅનલે ઘણા સમય પહેલાં અનુ મલિકને કાઢવો જોઈતો હતો. આ ખૂબ જ દુઃખની વાત છે કે અમારે આટલી લાંબી ફાઇટ આપવી પડી. આ માટે હું ચૅનલને કોઈ ક્રેડિટ નહીં આપું, કારણ કે આ નિર્ણય સુધી પહોંચવા માટે તેમના પર ઘણું પ્રેશર કરવામાં આવ્યું હતું. સાચું શું છે એ કરવા માટે ઘણી હિમ્મતની જરૂર છે અને એ કરતાં લોકો ડરે છે. ખૂબ જ દુઃખની વાત છે કે હેમા સરદેસાઈએ અનુ મલિકને સપોર્ટ કર્યો હતો. ઇન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિને અનુ મલિક વિશે ખબર છે અને છતાં તેઓ ચૂપ છે.’

શ્વેતા પંડિતે ઑક્ટોબરમાં અનુ મલિકની ઝાટકણી કાઢી હતી. આ વિશે વધુ જણાવતાં શ્વેતા પંડિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું ઇન્ડસ્ટ્રીમાં સિંગર બનવા માટે આવી હતી અને મારે આ સહન કરવાની જરૂર નહોતી. ઘણી મહિલાઓએ આ સહન કર્યું છે, પરંતુ ઘણાં કારણસર તેઓ બોલી નથી શકતી. જો અમે બોલી રહ્યાં છીએ તો પછી અમને શું કામ ચૂપ કરવામાં આવી રહ્યાં છે?’

#MeTooને ભારતમાં લાવનાર તનુશ્રી દત્તાનું કહેવું છે કે ઇન્ડિયામાં હવે પૉઝિટિવ ચેન્જ આવ્યો છે. આ વિશે વધુ જણાવતાં તનુશ્રીએ કહ્યું હતું કે ‘મને હવે વિશ્વાસ છે કે #MeTooની ગયા વર્ષ કરતાં આ વર્ષે વધુ અસર થશે.’

anu malik sona mohapatra neha bhasin shweta pandit tanushree dutta smriti irani indian idol sony entertainment television television news MeToo