...તો અમજદ ખાન અનેક ગુજરાતી ફિલ્મમાં જોવા મળ્યા હોત

26 December, 2019 07:50 PM IST  |  Mumbai Desk | Aashu Patel

...તો અમજદ ખાન અનેક ગુજરાતી ફિલ્મમાં જોવા મળ્યા હોત

અમજદ ખાને ‘વીર માંગડાવાળો’ ફિલ્મમાં અભિનય કર્યો હતો એ સિવાય પણ તેમણે અન્ય અનેક ગુજરાતી ફિલ્મ સાઇન કરી હતી. જોકે તેઓ એ અન્ય ફિલ્મો પૈકી માત્ર એક ફિલ્મમાં જ જોવા મળ્યા હતા. બાકીની ફિલ્મો કાં તો અધૂરી રહી ગઈ હતી અને કાં તો તેમણે કોઈ ફિલ્મ છોડવી પડી હતી. અમજદ ખાનના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથેના કનેક્શનની આવી કેટલીક રસપ્રદ વાતો ફિલ્મ-ડિરેક્ટર ફ્રેન્ડ કે. અમર સોલંકી પાસેથી જાણવા મળી.

એ ઉપરાંત ફિલ્મ-ડિરેક્ટર ફ્રેન્ડ મેહુલકુમાર પાસેથી પણ એક મજેદાર વાત જાણવા મળી. અમજદ ખાનને અક્સ્માત ન નડ્યો હોત તો તેઓ મેહુલકુમારની ગુજરાતી ફિલ્મ ‘જનમ જનમના સાથી’માટે સાઇન કરાયા હતા. જો એ ફિલ્મના થોડા શૂટિંગ પછી અમજદ ખાનને અક્સ્માત ન નડ્યો હોત તો તેઓ એ ફિલ્મમાં પણ જોવા મળ્યા હોત.

અમજદ ખાને ગુજરાતી ફિલ્મ ‘ગજરા મારુ’માં પણ અભિનય કર્યો હતો. ૧૯૮૧માં રિલીઝ થયેલી એ ફિલ્મના ડિરેક્ટર હતા વિખ્યાત ફિલ્મમેકર મહેશ ભટ્ટના પિતા નાનાભાઈ ભટ્ટ અને ફિલ્મના હીરો-હિરોઇન હતાં રવીન્દ્ર મહાજની અને સુષમા વર્મા. પ્રખ્યાત ફિલ્મલેખક રૉબિન ભટ્ટ એ ફિલ્મના અસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. એ ફિલ્મ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ નથી, પણ ખાંખાંખોળાં કરીને મેં એ ફિલ્મનું પોસ્ટર શોધ્યું છે એ અહીં શૅર કરું છું. ‘ગજરા મારુ’માં જોકે અમજદ ખાનનો ‘વીર માંગડાવાળો’ ફિલ્મની જેમ ફુલ ફ્લેજ્ડ રોલ નહોતો. ‘ગજરા મારુ’માં તેમણે મહેમાન કલાકાર તરીકે અભિનય કર્યો હતો.

આ સિવાય ‘મેરુ માલણ’ સહિતની અનેક સુપરહિટ ગુજરાતી ફિલ્મો બનાવ્યા પછી બૉલીવુડમાં જઈને અનેક સુપરહિટ ફિલ્મો આપનારા ડિરેક્ટર મેહુલકુમારે ‘જનમ જનમના સાથી’ ફિલ્મ ગુજરાતીમાં બનાવી હતી (જે તેમણે ‘ફિર જનમ લેંગે’ નામથી હિન્દીમાં પણ બનાવી હતી). એ ફિલ્મ માટે તેમણે અમજદ ખાનને સાઇન કર્યા હતા. એ ફિલ્મમાં આદિલ અમાન અને ભાવના ભટ્ટ મુખ્ય કલાકારો હતાં. અને બૉલીવુડના ઇફતેખાર, જગદીપ અને રૂપેશકુમાર જેવા અન્ય કલાકારોએ પણ એ ફિલ્મમાં અભિનય કર્યો હતો. (બાય ધ વે, એ ફિલ્મમાં આમિર ખાનના પ્રોડ્યુસર પિતા તાહિર હુસેને પણ એ ફિલ્મમાં રોલ કર્યો હતો. ૧૯૭૭માં રિલીઝ થયેલી એ ફિલ્મથી તાહિર હુસેને મેહુલકુમારને ડિરેક્ટર તરીકે બ્રેક આપ્યો હતો).

મેહુલકુમાર ‘એક્સ્ટ્રા શૉટ્સ’ કૉલમ માટે વાત કરતાં કહે છે કે ‘મેં મારી ગુજરાતી ફિલ્મ ‘જનમ જનમના સાથી’ માટે અમજદ ખાનને સાઇન કર્યા હતા, પણ કમનસીબે અમજ્દ ખાનને અકસ્માત નડ્યો એટલે તેમને રિપ્લેસ કરવા પડ્યા હતા. જોકે એ પછી મેં એ જ ફિલ્મ હિન્દીમાં ‘ફિર જનમ લેંગે હમ’ નામથી બનાવી ત્યારે તેમને ‘જનમ જનમના સાથી’માં જે રોલ માટે સાઇન કરાયા હતા એ જ રોલ તેમણે એ હિન્દી ફિલ્મમાં કર્યો હતો.’

આ પણ વાંચો : અમજદ ખાને ગુજરાતી ફિલ્મ વીર માંગડાવાળોમાં વિલન તરીકે અભિનય કર્યો હતો

અમજદ ખાનને અકસ્માત નડ્યો એથી તેઓ શૂટિંગ કરી શકે એમ નહોતા એટલે મેહુલકુમારે પછી ‘જનમ જનમના સાથી’ ફિલ્મના એ રોલ માટે અમજદ ખાનની જગ્યાએ રમેશ દેવને સાઇન કર્યા હતા.

આ ઉપરાંત અમજદ ખાને ખ્યાતનામ ડિરેક્ટર્સ અબ્બાસ-મસ્તાનના ભાઈ સિરાજ બર્માવાલાની એક ગુજરાતી ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો. એ ફિલ્મમાં સંજીવકુમાર અને અમૃત પટેલ પણ હતા. ‘તીન બંદર’ નામની એ ફિલ્મનું પોણા ભાગ જેટલું શૂટિંગ પૂરું થઈ ગયું એ પછી એ ફિલ્મ કોઈ સંજોગોને કારણે અધૂરી રહી ગઈ હતી.

amjad khan bollywood bollywood news bollywood gossips