29 April, 2025 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
ધર્મેન્દ્રની ગણતરી બૉલીવુડના હીમૅન તરીકે થાય છે. તેમણે પોતાની કરીઅરમાં અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ધર્મેન્દ્ર હવે ૮૯ વર્ષના થયા છે અને આ વયે પણ તેઓ ફિટ રહેવા માટે નવી-નવી ઍક્ટિવિટી કરતા રહે છે. તેઓ જિમમાં રેગ્યુલર વર્કઆઉટ કરે છે અને હવે તેમણે સ્વિમિંગ-પૂલમાં વર્કઆઉટ-સેશન્સ કરવાનું શરૂ કરી દીધું છે. હાલમાં ધર્મેન્દ્રએ પોતાના આ સ્વિમિંગ-પૂલ વર્કઆઉટ-સેશનનો વિડિયો પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શૅર કર્યો હતો જે જોઈને તેમના ફૅન્સ ખુશ થઈ ગયા હતા.
ધર્મેન્દ્રએ જે વિડિયો શૅર કર્યો છે એમાં તેઓ એક ટ્યુબની મદદથી સ્વિમિંગ કરી રહ્યા છે. આ સાથે જ હાથની એક્સરસાઇઝ તેમ જ બૉડી-મૂવમેન્ટ માટે બૉલની મદદ લઈ રહ્યા છે. ધર્મેન્દ્ર દ્વારા શૅર કરાયેલા એક અન્ય વિડિયોમાં ઇન્સ્ટ્રક્ટર તેમને લેગ-વર્કઆઉટ કરાવતો જોવા મળે છે.
ધર્મેન્દ્રના સ્વિમિંગ-સેશનના વિડિયો જોઈને ફૅન્સ તેમનાં બહુ વખાણ કરી રહ્યા છે. ધર્મેન્દ્રના દીકરા બૉબી દેઓલ તેમ જ દીકરી એશા દેઓલે તેમની આ સ્વિમિંગ-એક્સરસાઇઝની પોસ્ટ પર પ્રેમભરી કમેન્ટ કરી છે.