24 September, 2025 08:39 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નૅશનલ અવૉર્ડના વિજેતાઓ
નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ગઈ કાલે ૭૧મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ યોજાયો હતો જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજેતાઓનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં શાહરુખ ખાનને ‘જવાન’ માટે અને વિક્રાન્ત મેસીને ‘12th ફેલ’ માટે સંયુક્ત રીતે બેસ્ટ ઍક્ટરનો નૅશનલ અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શાહરુખને કરીઅરનો પહેલો નૅશનલ અવૉર્ડ મળ્યો છે. આ ફંક્શનમાં રાની મુખરજીને ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ મળ્યો હતો. આ પુરસ્કાર ૨૦૨૩ના વર્ષમાં રિલીઝ થયેલી ફિલ્મોના આધારે આપવામાં આવ્યા છે. આ અવૉર્ડ-ફંક્શનમાં ગુજરાતી પ્રોડ્યુસર કલ્પેશ સોની અને ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકને બેસ્ટ ગુજરાતી ફિલ્મ ‘વશ’ માટે અને જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ મળ્યો છે. આ વર્ષે મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને દાદાસાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એ સમયે તેમના જીવન પર એક શૉર્ટ ફિલ્મ બતાવવામાં આવી અને ત્યાર બાદ તેમને સ્ટૅન્ડિંગ ઓવેશન પણ મળ્યું હતું.
નૅશનલ અવૉર્ડના મુખ્ય વિજેતાઓ
બેસ્ટ ફીચર ફિલ્મ :12th ફેલ (હિન્દી)
બેસ્ટ લોકપ્રિય ફિલ્મ (મનોરંજન) : રૉકી ઔર રાની કી પ્રેમ કહાની (હિન્દી)
રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી બેસ્ટ ફિલ્મ : સૅમ બહાદુર (હિન્દી)
બેસ્ટ ઍનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કૉમિક ફિલ્મ : હનુમાન (તેલુગુ)
બેસ્ટ બાળફિલ્મ : નાળ 2 (મરાઠી)
બેસ્ટ દિગ્દર્શક : સુદીપ્તો સેન, ધ કેરલા સ્ટોરી (હિન્દી)
બેસ્ટ ઍક્ટર : શાહરુખ ખાન, જવાન (હિન્દી)
વિક્રાંત મેસી : 12th ફેલ (હિન્દી)
બેસ્ટ ઍક્ટ્રેસ : રાની મુખરજી, મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે (હિન્દી)
બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસ : ઉર્વશી, ઉલ્લોઝુક્કુ (મલયાલમ), જાનકી બોડીવાલા : વશ (ગુજરાતી)
બેસ્ટ ડાયલૉગ્સ : દીપક કિંગરાની, સિર્ફ એક બંદા કાફી હૈ (હિન્દી)
બેસ્ટ પ્લેબૅક સિંગર (મહિલા): શિલ્પા રાવ, ચલિયા (જવાન, હિન્દી)
બેસ્ટ કોરિયોગ્રાફી : વૈભવી મર્ચન્ટ, ઢિંઢોરા બાજે રે (રૉકી ઔર રાની કી પ્રેમ કહાની, હિન્દી)
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં છવાઈ ગઈ શાહરુખ ખાન-રાની મુખરજીની કેમિસ્ટ્રી
૭૧મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ગઈ કાલે શાહરુખ ખાનને ‘જવાન’ માટે અને વિક્રાન્ત મેસીને ‘12th ફેલ’ માટે સંયુક્ત રીતે બેસ્ટ ઍક્ટરનો નૅશનલ અવૉર્ડ એનાયત થયો હતો. આ ફંક્શનમાં રાની મુખરજીને ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ મળ્યો હતો. શાહરુખ અને રાની બન્નેને તેમની કરીઅરમાં પહેલી વખત નૅશનલ અવૉર્ડ મળ્યા હતા એને કારણે બન્ને બહુ ખુશ હતાં. આ કાર્યક્રમમાં શાહરુખ અને રાની નજીક-નજીક બેઠાં હતાં અને તેમણે એકમેકની મજાક કરીને હળવાશની પળો માણી હતી. આ ફંક્શનમાં શાહરુખ અને રાનીની કેમિસ્ટ્રી છવાઈ ગઈ હતી અને તેમના ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. અવૉર્ડ એનાયત થયા પછી રાનીએ પોતાના નિવેદનમાં જ્યુરી અને ફિલ્મની ટીમનો આભાર માન્યો હતો, જ્યારે શાહરુખે તેની ફિલ્મની સફળતા બદલ દર્શકો અને ટીમને ક્રેડિટ આપી હતી.
શાહરુખ ખાનની સિદ્ધિ બદલ પત્ની ગૌરીએ પોરસાઈને કહ્યું, ‘તમે એના હકદાર છો’
નવી દિલ્હીમાં ગઈ કાલે ૭૧મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન થયું હતું જેમાં શાહરુખ ખાનને ‘જવાન’ માટે બેસ્ટ ઍક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. પતિની આ સિદ્ધિથી પત્ની ગૌરી ખૂબ ઉત્સાહી છે અને તેણે પોતાના સોશ્યલ મીડિયા પર પોસ્ટ લખી છે, ‘શાહરુખ, વૉટ અ જર્ની. રાષ્ટ્રીય પુરસ્કાર મળવા બદલ અભિનંદન. તમે એના હકદાર છો. આ તમારી વર્ષોની મહેનત અને લગનનું પરિણામ છે. હવે હું આ પુરસ્કારને રાખવા માટે એક ખાસ જગ્યા ડિઝાઇન કરી રહી છું.’