29 November, 2023 09:43 AM IST | Goa | Gujarati Mid-day Correspondent
વિદ્યા બાલન
વિદ્યા બાલનનું કહેવું છે કે આજની દુનિયામાં મહિલાઓ ખૂબ જ આગળ નીકળી ગઈ છે. વિદ્યા બાલને સોમવારે ગોવામાં યોજાઈ રહેલા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં હાજરી આપી હતી. આ ફેસ્ટિવલની ૫૪મી એડિશનમાં વિદ્યાએ ‘વિમેન ઍન્ડ ધ ગ્લાસ સીલિંગ’ સેશનમાં હાજરી આપી હતી. ઇન્ડિયન સિનેમામાં મહિલાઓને જે રીતે દેખાડવામાં આવે છે એ વિશે વાત કરતાં વિદ્યાએ કહ્યું કે ‘આપણી સોસાયટીમાં મહિલાઓને જે રીતે સ્ટીરિયોટાઇપ દેખાડવામાં આવે છે એનાથી આપણે દૂર રહેવાની જરૂર છે. આજના જમાનામાં મહિલાઓ સમય કરતાં આગળ નીકળી ગઈ છે. ભારતીય સિનેમામાં મહિલાઓએ આજ સુધી જે અદ્ભુત પાત્ર ભજવ્યાં છે અને તેમની પોતાની જાતને વધુ આગળ લઈ જવાની જે ઇચ્છા છે એને કારણે આજે મહિલાઓ કેન્દ્રિત ફિલ્મ પણ બની રહી છે. એકદમ હટકે પાત્ર અને એ ભજવતી વખતે પણ પોતાની જાત સાથે કનેક્ટ રહેવું મારા માટે ખૂબ જ જરૂરી છે. મને મારી દરેક ફિલ્મમાં કમ્ફર્ટ ઝોનની બહાર જઈને કામ કરવું પસંદ છે. એ માટે ઘણી મહેનત કરવી પડે છે અને એને કારણે મને ઘણું સારું લાગે છે.’