ક્રિકેટ વર્લ્ડ કપને લીધે ફિલ્મોની રિલીઝ-ડેટ આગળ ધકેલાઈ

08 December, 2014 05:15 AM IST  | 

ક્રિકેટ વર્લ્ડ કપને લીધે ફિલ્મોની રિલીઝ-ડેટ આગળ ધકેલાઈ


‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ અને ‘હીરો’ની રીમેકની રિલીઝ-ડેટ આગળ ધકેલવામાં આવી છે, કારણ કે આ ફિલ્મો એ સમયે રિલીઝ થવાની છે જ્યારે ક્રિકેટ વર્લ્ડ કપ અને IPLની મૅચો છે.નવાઈની વાત એ છે કે સુશાંત સિંહ રાજપૂત ક્રિકેટ-કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર બની રહેલી ફિલ્મમાં હીરોનો રોલ ભજવી રહ્યો છે, પણ તેની ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ ફિલ્મની રિલીઝ-ડેટ પણ ક્રિકેટના વર્લ્ડ કપને કારણે આગળ ધકેલાઈ છે. પહેલાં એ ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી, પણ હવે એ ૧૦ એપ્રિલે રિલીઝ થશે.ક્રિકેટ વર્લ્ડ કપની તારીખો જાહેર થયા બાદ આ ફેરફાર કરવામાં આવ્યો છે. ૧૫ ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાન વચ્ચે મૅચ છે અને એ દિવસે થિયેટરોમાં આવનારા લોકોની સંખ્યા ઓછી હશે.

બ્યોમકેશ બક્ષી પરની ફિલ્મનું ડિરેક્શન દિબાકર બૅનરજીએ કર્યું છે. ફિલ્મના એક્ઝિબિટર રાજેશ થડાણીએ કહ્યું હતું કે ‘ફિલ્મની રિલીઝ-ડેટ આગળ ધકેલવાનું કારણ કમર્શિયલ છે. ફિલ્મનો રવિવારનો બૉક્સ-ઑફિસનો વકરો આખા અઠવાડિયાના ૪૦ ટકા જેટલો હોય છે. વળી ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાતી હોય તો રવિવારે લોકો ફિલ્મ જોવા આવે નહીં.’ક્રિકેટ-એક્સપર્ટ હેમંત કેંકરેએ કહ્યું હતું કે ‘ભારત-પાકિસ્તાનની મૅચ હોય તો ફિલ્મના બિઝનેસ પર એની અસર પડે છે. વળી આ તો વર્લ્ડ કપની મૅચ છે એટલે ફિલ્મ જોવા માટે લોકો ઘરની બહાર નહીં નીકળે.’


નિખિલ અડવાણી ૧૯૮૩ની સુપરહિટ ફિલ્મ ‘હીરો’ની રીમેક બનાવી રહ્યા છે જેમાં આદિત્ય પંચોલીનો દીકરો સૂરજ પંચોલી અને સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી ચમકી રહ્યાં છે. આ ફિલ્મ વૅલેન્ટાઇન્સ ડેને ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની હતી, પણ ક્રિકેટ વર્લ્ડ કપ અને પછી IPLની મૅચોને કારણે એ જૂનમાં રિલીઝ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ યંગ ઑડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે અને એથી ક્રિકેટ-મૅચો હોય તો તેઓ જોવા માટે થિયેટરોમાં નહીં આવે.‘હીરો’ની રીમેકનું શૂટિંગ થોડું બાકી છે જે જાન્યુઆરીમાં પૂરૂ કરવામાં આવશે. આ શૂટિંગ રોમાનિયામાં થશે અને ૮ દિવસમાં એ પૂરું કરવામાં આવશે.