હું જિયાને રોજ મિસ કરું છું : સુરજ પંચોલી

26 August, 2015 03:50 AM IST  | 

હું જિયાને રોજ મિસ કરું છું : સુરજ પંચોલી




બે વર્ષ પહેલાં ૨૦૧૩ના જૂનમાં જિયા ખાનની આત્મહત્યાના કેસમાં પોલીસે જિયાના બૉયફ્રેન્ડ સૂરજ પંચોલીને ગિરફ્તાર કર્યો હતો ત્યારે તે ચર્ચાનો વિષય બન્યો હતો. જિયા ખાનની આત્મહત્યાના કેસ બાદ લગભગ બે વર્ષ ચૂપકી સાધ્યા બાદ સૂરજ કહે છે કે તે આજે પણ જિયાને ખૂબ જ મિસ કરે છે અને તેના નામની સાથે જિયાનું નામ જોડવામાં આવે તો પણ તેને કોઈ સમસ્યા નથી.

જિયાએ જ્યારે આત્મહત્યા કરી હતી ત્યારે સૂરજ પંચોલીના જીવનમાં ઘણી ઊથલપાથલ જોવા મળી હતી, કારણ કે જિયાને આત્મહત્યા કરવા માટે ઉત્તેજિત કરવા બદલ સૂરજને પોલીસે ગિરફ્તાર કર્યો હતો અને તેને જેલભેગો કરી દીધો હતો. આ વિશે સૂરજ કહે છે કે ‘મારું નામ હંમેશાં જિયા સાથે જોડવામાં આવશે અને એનો મને જરા પણ અફસોસ નથી. મને ખુશી છે કે કંઈક તો મારી સાથે રહેશે. હું દુ:ખી છું કે તેણે તેનું જીવન ટૂંકાવી દીધું, પરંતુ તેનું નામ તો મારી સાથે છે અને મને એનાથી કોઈ સમસ્યા નથી.’

જિયા ખાને ૨૦૧૩ના જૂનમાં તેના જુહુના ઘરમાં પંખા પર ફાંસો ખાઈ લીધો હતો. સૂરજ અને જિયા ફેસબુક દ્વારા એકબીજાના કૉન્ટૅક્ટમાં આવ્યાં હતાં અને ત્યાર બાદ તેઓ પ્રેમમાં પડ્યાં હતાં. સૂરજ આ વિશે વધુ જણાવતાં કહે છે કે ‘હું તેને મિસ કરું છું. હું રોજ જ તેને મિસ કરું છું. હું તેને હમણાં પણ મિસ કરી રહ્યો છું. જો હું કોઈ પણ વ્યક્તિને પ્રેમ કરું છું તો તેને ખૂબ જ મિસ કરું છું. તે મારાથી પાંચ વર્ષ મોટી હતી. તે મારા કરતાં વધારે મેચ્યૉર હતી. હું એ સમયે ૨૧ વર્ષનો હતો અને તે ૨૬ વર્ષની હતી. તેને ઇન્ડસ્ટ્રી વિશે મારા કરતાં વધારે ખબર હતી.’

જિયાની મમ્મી રાબિયાએ તેની દીકરીના મૃત્યુ માટે સૂરજને જવાબદાર ગણાવ્યો હતો ત્યારે સૂરજને માનસિક આઘાત લાગ્યો હતો. આ વિશે સૂરજ કહે છે કે ‘મને નથી ખબર કે તેઓ મારી વિરુદ્ધ છે કે શું, પરંતુ જો તેમને કોઈ પણ વસ્તુ વાંધાજનક લાગે તો તેઓ એનું વેરિફિકેશન કરી શકે છે. પરંતુ જો તેઓ ફક્ત મને પરેશાન કરવા માગતા હોય તો મારે એ વિશે કંઈ જ નથી કહેવું. સત્ય હંમેશાં સામે આવીને જ રહે છે.’

સૂરજ સલમાન ખાનના પ્રોડક્શન હેઠળ બની રહેલી ‘હીરો’ દ્વારા બૉલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે, જે સપ્ટેમ્બરમાં રિલીઝ થશે.

સલમાને હીરોને ૩૦ મિનિટ ટૂંકી કરાવી

સલમાન ખાનના પ્રોડક્શન હેઠળ બની રહેલી ફિલ્મ ‘હીરો’ના એડિટિંગ સમયે સલમાને એની ૩૦ મિનિટ જેટલી કાપી કાઢી છે. ફિલ્મ બનાવવા પહેલાં જ ફિલ્મના ડિરેક્ટર નિખિલ અડવાણીએ સલમાનને કહ્યું હતું કે આ ફિલ્મના એડિટિંગ વખતે તેણે જાતે બેસવું પડશે. જ્યારે આ ફિલ્મનું એડિટિંગ શરૂ કરવામાં આવ્યું ત્યારે સલમાને ફિલ્મને ૩૦ મિનિટ ટંૂકી કરી નાખી અને એથી હવે ‘હીરો’ બે કલાક અને ચાર મિનિટની જ થઈ ગઈ છે.