લોકો રાહ જોતા રહ્યા, પણ સલમાન ખાન તો કોર્ટમાં આવ્યો જ નહીં

28 December, 2012 03:45 AM IST  | 

લોકો રાહ જોતા રહ્યા, પણ સલમાન ખાન તો કોર્ટમાં આવ્યો જ નહીં

જોકે તે હાજર રહ્યો નહોતો, પણ તેની બે બહેનો અલવિરા અને અર્પિતા તેના વકીલ દીપેશ મહેતા સાથે હાજર રહી હતી. કોર્ટે‍ સલમાનના આ કેસની આગલી સુનાવણી માટે ૩૦ જાન્યુઆરીની તારીખ આપી હતી. બાંદરામાં ૧૦ વર્ષ પહેલાં થયેલા આ અકસ્માતમાં એક જણનું મોત થયું હતું અને ચાર જણ જખમી થયા હતા.

સલમાનનો ગઈ કાલે જન્મદિવસ હોવાથી તે હાજર રહ્યો નહોતો. તેના વતી દલીલ કરતાં વકીલ દીપેશ મહેતાએ કહ્યું હતું કે ‘હિટ ઍન્ડ રન કેસમાં કાર્યવાહી ધીમી ચાલી રહી છે એ માટે સલમાન જવાબદાર નથી એટલે તેને આ કેસમાંથી છોડવામાં આવે. હાઈ કોર્ટે‍ પણ સલમાનને હિટ ઍન્ડ રન કેસમાં કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં હાજરી આપવામાંથી મુક્તિ આપી છે એટલે આ કેસમાં પણ તેને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપવી જોઈએ. એમ છતાં જ્યારે પણ કોર્ટ કહેશે ત્યારે તે કોર્ટમાં હાજરી આપવા તૈયાર છે.’

સલમાનને જોવા તેના ચાહકો ગઈ કાલે બાંદરા કોર્ટ પાસે સવારથી જ ગોઠવાઈ ગયા હતા. ઘણા ચાહકો બાંદરા કોર્ટમાં પહેલા માળે આવેલી કોર્ટ-નંબર નવમાં જઈને ગોઠવાઈ ગયા હતા, જ્યારે અનેક ચાહકોએ કોર્ટ બિલ્ડિંગની બાજુમાંથી પસાર થતા ફ્લાયઓવર પર ચડીને કલાકો સુધી તેની રાહ જોઈ હતી; પણ સલમાન ન આવતાં આખરે તેમણે નિરાશ થવું પડ્યું હતું.