‘હિરોઇન’માં રણદીપના પાત્રની પ્રેરણા છે યુવાનીનો ક્રિકેટર ઇમરાન ખાન

23 August, 2012 06:04 AM IST  | 

‘હિરોઇન’માં રણદીપના પાત્રની પ્રેરણા છે યુવાનીનો ક્રિકેટર ઇમરાન ખાન

ડિરેક્ટર મધુર ભંડારકરની ‘હિરોઇન’માં રણદીપ હૂડા મહત્વનો રોલ ભજવી રહ્યો છે એનો બધાને ખ્યાલ હતો, પણ હવે ખબર પડી છે કે આ ફિલ્મમાં તે હિરોઇન કરીના કપૂર સાથે અફેર હોય એવા ક્રિકેટરનો રોલ ભજવી રહ્યો છે. મજાની વાત તો એ છે કે ચર્ચા પ્રમાણે તેના આ પાત્રની પ્રેરણા પાકિસ્તાનના લોકપ્રિય ક્રિકેટર ઇમરાન ખાનના યુવાનીના દિવસોમાંથી લેવામાં આવી છે. જોકે એ વાત અલગ છે કે ફિલ્મમાં કોઈ જગ્યાએ આ વાતની સ્પષ્ટતા કરવામાં નથી આવી. આ ફિલ્મમાં રણદીપને પાકિસ્તાની ક્રિકેટટીમના કૅપ્ટન તરીકે તો નથી દેખાડવામાં આવ્યો, પણ તેને ફિલ્મમાં યંગ ઇમરાન જેવો જ રંગીન મિજાજનો દર્શાવવામાં આવ્યો છે.

રણદીપ હૂડાએ આ ફિલ્મમાં ક્રિકેટરનો રોલ ભજવતાં પહેલાં ટોચના ભારતીય ક્રિકેટર વીરેન્દર સેહવાગ પાસેથી આની ટિપ્સ પણ લીધી હતી તેમ જ નસીરુદ્દીન શાહ સાથે તે વીરેન્દર સેહવાગની ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ક્રિકેટમૅચ પણ જોવા ગયો હતો. હાલમાં રણદીપ પોતાની અન્ય ફિલ્મનું સાઉથ આફ્રિકામાં શૂટિંગ કરી રહ્યો છે અને તેણે આ મુદ્દે કંઈ પણ કહેવાની ના પાડી દીધી છે.