રાખી ને પૂનમ પાન્ડેની હરકતોને કારણે ડિમ્પલ કાપડિયા પોતાની જ ફિલ્મની ઇવેન્ટમાં ન આવ્યાં

12 December, 2013 05:59 AM IST  | 

રાખી ને પૂનમ પાન્ડેની હરકતોને કારણે ડિમ્પલ કાપડિયા પોતાની જ ફિલ્મની ઇવેન્ટમાં ન આવ્યાં







પોતાની આગામી ફિલ્મ ‘વૉટ ધ ફિશ’ની એક પ્રમોશનલ ઇવેન્ટમાંથી પીઢ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાએ છેલ્લી ઘડીએ ખસી જવાનું યોગ્ય માન્યું હોવાનું જણાઈ રહ્યું છે, કેમ કે આ ઇવેન્ટમાં રાખી સાવંત અને પૂનમ પાન્ડે જેવી અન્ય સ્ટાર્સને પણ બોલાવવામાં આવી હતી અને ડિમ્પલ તેમની સાથે એક મંચ પર આવવા માગતી નહોતી એવું કહેવાઈ રહ્યું છે.

સૂત્રોએ કહ્યું હતું કે ‘ડિમ્પલ અત્યાર સુધી આ ફિલ્મના પ્રમોશનમાં હતી જ અને આ ઇવેન્ટ માટે પણ તેણે હા પાડી હતી, પરંતુ પૂનમ પાન્ડેએ પોતાના બિકિનીવાળા ફોટો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર પોસ્ટ કરીને પોતે ઇવેન્ટમાં એ બિકિની પહેરશે એવી બધી વાતો કરતાં ડિમ્પલને એ વધુપડતું લાગ્યું હતું.’

ડિમ્પલની નજીકનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘ડિમ્પલ એક જાણીતી અને નીવડેલી અભિનેત્રી છે અને આ તેની ફિલ્મ છે. આવી બકવાસ રીતે થતા ફિલ્મના પ્રમોશનમાં તે ભાગ લે એ શક્ય જ નથી.’

ફિલ્મના નિર્માતાઓએ રાખી અને પૂનમ આ ફિલ્મમાં ન હોવા છતાં માત્ર ઇવેન્ટમાં ભાગ લે એટલા માટે મોટી રકમ ખર્ચી હતી. એવું જાણવા મળ્યું હતું કે આ ઇવેન્ટ સ્ટાર્ટ થવાની હતી અને લોકો ડિમ્પલની રાહ જોઈ રહ્યા હતા ત્યારે જ ફિલ્મના નિર્માતાઓને તેણે સૂચના મોકલી હતી કે આવી કોઈ ફાલતુ પ્રમોશનલ ઇવેન્ટમાં તે ભાગ નહીં લે.

જોકે આ ફિલ્મના ડિરેક્ટર ગુરમીત સિંહે કહ્યું હતું કે ડિમ્પલજી તો આ પાર્ટીમાં આવવાનાં જ નહોતાં એટલે તેઓ નારાજ હોવાનો સવાલ જ નથી.

જોકે આ ઇવેન્ટના નિમંત્રણ-કાર્ડમાં ડિમ્પલનું નામ છપાયેલું હતું જ.

- તસવીરો : યોગેન શાહ