સન ઑફ સરદારને પાંચ ફેરફાર કર્યા પછી મળી બતાવવાની મંજૂરી

01 November, 2012 03:44 AM IST  | 

સન ઑફ સરદારને પાંચ ફેરફાર કર્યા પછી મળી બતાવવાની મંજૂરી

આ સંદર્ભે બોલતાં અજય દેવગને કહ્યું હતું કે આ ફેરફાર સામાન્ય છે અને એનાથી ફિલ્મને કોઈ અસર નહીં થાય. પંજાબી કલ્ચરલ હેરિટેજ બોર્ડના પ્રેસિડન્ટ ચરણ સિંહ સપ્રાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જુલાઈ મહિનાથી આ ફિલ્મના પ્રોમો દેખાડવામાં આવતા હતા, એમાં અમને પાંચ ચીજો વિરોધ કરવા જેવી લાગી હતી એટલે અમે એનો વિરોધ કર્યો હતો અને અજય દેવગને અમારી માગણી સ્વીકારી છે. આ ફેરફાર કર્યા બાદ અજયે અમને ફિલ્મ બતાવી હતી અને એને  અમે મંજૂરી આપી દીધી છે.’

કયા છે આ ફેરફાર?

કયા પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે એ વિશે બોલતાં ચરણ સિંહ સપ્રાએ કહ્યું હતું કે ‘સરદાર ના હોતે તો જોક કિસપે બનતે’ તથા એના જેવો બીજો ડાયલૉગ કાઢી નાખવામાં આવ્યો છે.

લંડનમાં એક છોકરાને સિગારેટ પીતો બતાવવામાં આવે છે ત્યારે અજય દેવગન ડાયલૉગ બોલે છે કે ‘હમારે સિખ ધર્મ મેં સિગારેટ પીના મના હૈ’. બોર્ડની માગણી હતી કે એ છોકરાના મોઢામાં સિગારેટ હોય એવો સીન ન હોવો જોઈએ. એ માગણી પણ સ્વીકારી લેવામાં આવી છે.

સિખ ધર્મમાં સરદાર શરીર પર કોઈ પણ ભગવાનનું ટૅટૂ દોરાવતો નથી. ફિલ્મમાં અજય દેવગનના શરીર પર શિવજીનું ટૅટૂ બતાવવામાં આવ્યું છે, પણ બોર્ડના વિરોધ પછી એ ટૅટૂ બતાવવામાં નહીં આવે.

ફિલ્મની શરૂઆતમાં એક ભજન ગાવામાં આવે છે અને એ ભજનમાં ગાયકનો અવાજ અંગ્રેજ જેવો હોય છે એટલે ભજનનો ભાવાર્થ બદલાઈ જાય છે. આ ભજન પંજાબી ગાયક પાસે ગવડાવવાની માગણી ર્બોડે કરી હતી અને હવે એ ભજન સુખવિંદરના સ્વરમાં સાંભળવા મળશે. આમ આ પાંચ ફેરફાર સાથે ફિલ્મ રજૂ કરવામાં આવશે.