ચાહકોએ વધારી દીધી ઇમરાનની મુસીબત

11 November, 2012 05:13 AM IST  | 

ચાહકોએ વધારી દીધી ઇમરાનની મુસીબત



ઇમરાન ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ’ની સીક્વલ માટે મરીન લાઇન્સના લિબર્ટી થિયેટર પાસે શૂટિંગ કરી રહ્યો હતો. એ વખતે તેને જોવા માટે ચાહકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. જોકે આ ફિલ્મનો ઇમરાનનો લુક બહુ સીક્રેટ રાખવામાં આવ્યો હોવાથી લોકો પાસે આ લુક જાહેર ન થઈ જાય એ માટે ઇમરાને બહુ મહેનત કરવી પડી હતી.

આ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘આ ફિલ્મના દરેક કલાકારના લુકને સીક્રેટ રાખવા સેટ પર સારી એવી સિક્યૉરિટી રાખવામાં આવી છે. જોકે એક સીનના શૂટિંગ માટે અમારે બહાર આવીને જાહેરમાં શૂટિંગ કરવું પડે એમ હતું. એ વખતે લોકો ઇમરાનને જોવા માટે ભેગા થયા હતા અને પછી ટોળું બેકાબૂ બની જતાં શૂટિંગ કૅન્સલ કરવું પડ્યું હતું.’

આ ઘટના વિશે વાત કરતાં ફિલ્મના ડિરેક્ટર મિલન લુથરિયા કહે છે, ‘તેના ચાહકો હું લાંબા સમયથી જેને સીક્રેટ રાખવા મહેનત કરી રહ્યો છું એ લુક જોવા માગતા હતા. મેં ઇમરાનને સેટની બહાર બહુ સમય ન ગાળવાની વિનંતી કરી છે. જોકે ઘણી વાર એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે જેને કાબૂમાં રાખવી મુશ્કેલ બની જાય છે.’